ભગવાન શ્રીહરિએ પતિવ્રતા નારીઓના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ભેદ અને તેના ધર્મફળ ભેદનું કરેલું નિરૃપણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! જે પતિવ્રતા નારીઓ કહી તે તો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ ના ભેદથી ત્રણ પ્રકારની મનાયેલી છે.૧
પૂર્વોક્ત પતિવ્રતાના સર્વે ધર્મોનો આશ્રય કરી પતિની સેવા કરતાં કરતાં પતિ પાસેથી કામસુખની ઇચ્છા રાખે તે કનિષ્ઠ પતિવ્રતા નારી કહેલી છે.૨
તે નારી પોતાનો પતિ પોતાને કામસુખ માટે ઇચ્છે તેને માટે તેવી રીતના શૃંગારરસ મિશ્રિત હાવભાવવાળું વર્તન કરે છે.૩
આ કનિષ્ઠા પતિવ્રતા નારી પરપુરુષના રૃપ અને ગુણો જોઇને તેમાં ખેંચાતાં મનને નિયંત્રણમાં રાખવા સમર્થ થઇ શક્તી નથી. પરંતુ વાણી અને શરીરને નિયમમાં રાખી શકે છે.૪
જે પતિવ્રતા નારી પ્રેમથી પતિની સેવાપરાયણ રહી પોતાના શરીરની પુષ્ટિ ઇચ્છયા વિના પૂર્વે કહેલા સર્વે પતિવ્રતાના ધર્મોનું સદાય પાલન કરે છે. તે મધ્યમ પતિવ્રતા કહેલી છે.૫
તે નારી ધન, રૃપ, યૌવન અને વિદ્યા આદિક ગુણો પોતાના પતિ કરતાં અન્ય પુરુષોમાં અધિક જુએ, છતાં કાયા, મન અને વાણીથી ક્યારેય ચલાયમાન થાય નહી.૬
તેમ છતાં દૈવયોગે ક્યારેક દેશ, કાળ, ક્રિયા અને સંગનું વિષમપણું પ્રાપ્ત થાય તે સમયે મનના સંકલ્પ માત્રથી તેમનું મન ચલિત થઇ જાય.૭
પરંતુ દેશાકાળાદિકનું વિષમપણું ન હોય ત્યારે તો અત્યંત ધીરજ ધારણ કરી, મનથી કે સ્વપ્નામાં પણ બીજા પુરુષનો સંકલ્પ કરે નહિ.૮
આ મધ્યમ પતિવ્રતા નારી પોતાના પતિ પાસેથી કામસુખને પોતાની રીતે ક્યારેય પણ ન ઇચ્છે. પતિએ આપેલાં કામસુખને અતિશય ખુશી થઇને સ્વીકારે.૯
હે વિપ્ર ! આ પ્રમાણે મધ્યપતિવ્રતાનાં લક્ષણો કહ્યાં. હવે શુભ અને ઉત્તમ પ્રકારની પતિવ્રતા નારીનાં લક્ષણો કહું છું. તે ઉત્તમ પતિવ્રતા નારી પૂર્વે કહેલા સર્વે પતિવ્રતાના ધર્મોનું સંપૂર્ણપણે પાલન કરે.૧૦
ધન, રૃપ, યૌવન અને વિદ્યા આદિક ગુણોએ કરીને પોતાના પતિથી અધિક અન્ય પુરુષને જુએ છતાં કાયા, મન, વાણીથી ક્યારેય ચલાયમાન થાય જ નહિ.૧૧
તે ઉત્તમ પતિવ્રતા નારી દેશકાળાદિકના વિષમપણાદિ પ્રાપ્ત થાય છતાં પણ પોતાના પતિ સિવાયના અન્ય પુરુષનો મનથી પણ ક્યારેય સંકલ્પ કરે નહિ.૧૨
ક્યારેક સનેપાત આદિકનો રોગ થયો હોય, અથવા અજાણતા કોઇ માદક વસ્તુનું ભક્ષણ થાય, મગજ વિચલિત થયું હોય, છતાં પણ આ ઉત્તમ પતિવ્રતા નારીનું મન બીજા પુરુષમાં આ મારો પતિ છે, એવી ભ્રાંતી પણ કરે નહિ.૧૩
પતિની સેવા કરે છતાં આ ઉત્તમ પતિવ્રતા નારી પોતાની રીતે કામસુખને ઇચ્છે નહિ, ક્યારેક પતિ પ્રેમથી કામસુખ આપે છતાં તે મનથી નિશ્ચયપૂર્વક ઇચ્છે નહિ.૧૪
અને જો પતિ આગ્રહ કરીને કામસુખ આપે તો ઘણાં લીંબુ ચૂસવાથી અંબાઇ ગયેલા દાંતવાળો પુરુષ શેકેલા ચણા પણ માંડ માંડ ચાવે, તેમ અરુચિથી કામસુખનો પતિને રાજી કરવા સારું ઉપભોગ કરે.૧૫
આ ઉત્તમપતિવ્રતા નારી પોતાના શરીરને, અન્ય પુરુષ માત્રના શરીરને, અને શરીરસંબંધી સુખને વૈરાગ્યથી અસત્ય જાણે છે. અને એકમાત્ર ભગવાનના સુખને જ સત્ય જાણે છે.૧૬
જો પતિ કામસુખને માટે બીજી સ્ત્રી પરણે તો બહુ જ રાજી રહે અને પતિની પ્રેરણા થાય ત્યારે સપત્નીની પણ દાસીભાવે સેવા કરે.૧૭
આવી ઉત્તમ પ્રકારની પતિવ્રતા નારી આ પૃથ્વી પર દુર્લભ છે. દેવતાઓ પણ આવી ઉત્તમ પતિવ્રતા નારીને દૃષ્ટિમાંડીને સામે જોવા પણ સમર્થ થતા નથી.૧૮
હે વિપ્ર ! જે કનિષ્ઠ પતિવ્રતા નારી કહી તે સાત જન્મે સ્વધર્મમાં નિષ્ઠાવાળી થઇ મધ્ય પતિવ્રતા થાય છે.૧૯
અને જે મધ્યમ પતિવ્રતા કહી તે પણ સાત જન્મે સ્વધર્મનિષ્ઠ થઇ ઉત્તમ પતિવ્રતા થાય છે. હવે પતિનું મૃત્યુ થાય ત્યારે આ ત્રણે પ્રકારની નારીની જે ગતિ થાય છે તે કહું છું.૨૦
તે ત્રણે પ્રકારની પતિવ્રતાઓની મધ્યે ઉત્તમ પ્રકારની નારીને પોતાના પતિના મરણ પહેલાંજ આ દિવસે આ મુહૂર્તમાં મારા પતિનું મરણ થશે, એવી ખબર હોય છે.૨૧
આ નારી પોતાના અને પતિના પૂર્વભવના સાત જન્મો કે તેથી વધુ જન્મોને જેમ છે તેમ યથાર્થ જાણી જાય છે.૨૨
વૃદ્ધ પામેલા સત્ય અંગવાળી ઉત્તમ પતિવ્રતા નારી પતિના મરણને દિવસે જ પતિની સાથે તાદાત્મ્યભાવ પામી, પોતાના શરીરના ભાનથી રહિત થઇ જાય છે.૨૩
અને ચિતામાં પ્રવેશ કરે તેના પહેલાં જ તેનો જીવ શરીરથી બહાર નીકળી દેવલોકમાં સતીલોકને પામે છે.૨૪
ત્યાર પછી જ અગ્નિ આ ઉત્તમ પતિવ્રતાના શરીરને બાળે છે. તેથી તેમને અગ્નિના બાળવાની વ્યથા જરા પણ થતી નથી. અને તેમને આત્મઘાતનો દોષ પણ લાગતો નથી.૨૫
મધ્યમ પતિવ્રતા નારી પોતાના પતિના મરણના દિવસે જ પોતાના અને પતિના પૂર્વ ભવના એક જન્મને જાણે છે. અને પતિની સાથે તે તાદાત્મ્યભાવ પામે છે.૨૬
પછી આ નારી ક્ષત્રિયની જેમ શૂરવીરતા પ્રાપ્ત કરી જરા પણ વિકળ થયા વિના ચિતા ઉપર અચળપણે બેસી પોતાની ધીરજતાના મહાગુણથી ચિતામાં દાહની વ્યથાને સહન કરે છે.૨૭
અને કનિષ્ઠ પતિવ્રતા નારી તો પોતાના પતિના કે પોતાના પૂર્વ જન્મને જાણતી નથી. પરંતુ કેવળ લોકલાજથી ચિતામાં પ્રવેશ કરે છે.૨૮
કામદોષથી વ્યાકુળ રહેવાને લીધે અથવા વ્યભિચારમાં પ્રવૃત્ત થઇ જવાથી પિતા કે સસરાના વંશને લાંછન લાગશે એવા ભયથી અથવા વિધવાના ધર્મો બહુ દુષ્કર છે, એમ માની પોતાનું રક્ષણ કરનાર પુત્રાદિકનો અભાવ હોવાના કારણે તે કનિષ્ઠ પતિવ્રતા નારી ચિતામાં પ્રવેશ કરે છે.૨૯-૩૦
ધર્મચારિણી તે કનિષ્ઠ પતિવ્રતા નારી વ્યાકુળ થઇને ચિતામાં બળે છે. આ ત્રણે પ્રકારની નારીઓ રૃદ્રદેવની સાથે બિરાજતા સતી પાર્વતીના લોકને પામે છે.૩૧
તે સતીના લોકમાં ઉત્તમ પતિવ્રતા નારી પતિની સાથે ઉત્તમ સુખને ભોગવે છે. મધ્યમ નારી મધ્યમ અને કનિષ્ઠ નારી કનિષ્ઠ સુખને ભોગવે છે.૩૨
પૂર્વોક્ત ત્રણે પ્રકારની પતિવ્રતા નારીઓને મધ્યે જેને અગ્નિમાં પ્રવેશ કરવાનો નિષેધ છે તે તમને કહું છું.૩૩
આત્મા-પરમાત્માના જ્ઞાનવાળી, તીવ્ર વૈરાગ્યવાળી, બ્રહ્મચર્યાદિ વિધવાઓના ધર્મો પાલન કરવા સમર્થ, ભગવાનની ભક્તિવાળી, મોક્ષની ઇચ્છાવાળી, વીરપુત્રને જન્મ દેનારી, બાળપ્રજાવાળી, અને ગર્ભને ધારી રહેલી નારીઓએ અગ્નિ પ્રવેશ કરવો નહિ. સદાય ભગવાન શ્રીહરિનું સેવન કરવું.૩૪-૩૫
અને પતિવ્રતા નારીઓના ધર્મો પણ શ્રીવાસુદેવની ભક્તિએ સહિત અને ભક્તિએ રહિત એમ બે પ્રકારના કહેલા છે.૩૬
તેની બન્નેની મધ્યે ભગવાનની ભકિતએ રહિતના કેવળ પતિવ્રતાના ધર્મોનું પાલન કરવાથી સતીલોકની પ્રાપ્તિ થાય છે. અને ભગવાનની ભક્તિએ સહિત પાલન કરવાથી શ્રીકૃષ્ણ ભગવાનના ગોલોકધામરૃપ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.૩૭
ત્યાં લક્ષ્મીજી જેવા અનુપમ સુખને પ્રાપ્ત કરે છે. તેમનો પતિ પણ શ્રીકૃષ્ણ ભગવાનનો ઉત્તમ પાર્ષદ થાય છે. અને તે ધામમાં ભગવાનના ઉત્તમ સુખની પ્રાપ્તિ થયા પછી પરસ્પરનો દંપતિભાવ નિવૃત્ત થઇ જાય છે.૩૮
હે વિપ્ર ! પતિવ્રતા નારીઓની મધ્યે જે નારી સ્ત્રીઓના ગુરુપદ ઉપર વિરાજમાન હોય એવી ધર્મવંશના વિપ્રની સ્ત્રીઓએ પણ પૂર્વોક્ત પતિવ્રતાના ધર્મનું સરખી રીતે જ પાલન કરવું.૩૯
ઉપરાંત તેની જે વિશેષતા છે તે કહીએ છીએ. તે ધર્મવંશી વિપ્રની પત્નીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને નિવેદન કર્યા વિનાની કોઇ પણ વસ્તુ પ્રસૂતિ આદિકના આપત્કાળ પડયા વિના જમવી નહિ.૪૦
પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષોનો સ્પર્શ, તેમની સાથે બોલવું, અને તેમને જોવું એ આદિક કરવું નહિ. તથા પોતાનું મુખ પણ તેઓને દેખાડવું નહિ. આટલા ધર્મવંશીની સ્ત્રીઓ માટે વિશેષ ધર્મો કહ્યા છે.૪૧
હે વિપ્ર ! આ પ્રમાણે મેં સધવા સ્ત્રીઓના ધર્મો તેના ફળની સાથે તમને કહ્યા, હવે વિધવા સ્ત્રીઓના ધર્મો તમને સંપૂર્ણપણે કહું છું.૪૨
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સ્ત્રીધર્મોમાં પતિવ્રતાના ત્રણ ભેદ અને તેમના ફળના ભેદનું નિરૃપણ કર્યું, એ નામે બત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૨--