પદરાગ ધોળ
ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના'વે સાધન કોઇ સમતોલ ।
સાંભળજો સ્નેહ સમાન તે શું કહું,
જપ તપ તીર્થ વ્રત જોગ જે ।
કોઇ કરે જો જજ્ઞા અતોલ; સાંભળજો૦ ।।૧।।
અપવાસી ઉદાસી વાસી વન, કોઇ તનમાં ન ધરે પટત; સાંભળજો૦ ।
કોઇ ફળ ફુલ પયપાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો૦ ।।૨।।
પુણ્ય દાન પાળે કોઇ ધર્મને, રહે નિ'મધારી નરનાર; સાંભળજો૦ ।
સર્વે સુનું એક સ્નેહ વિના, એતો પ્રપંચનો પરિવાર; સાંભળજો૦ ।।૩।।
જોગી થાક્યા જોગીપણું પાળતાં, તપી થાક્યા સહી શિત તાપ; સાંભળજો૦ ।
ધ્યાની થાક્યા ધરતા ધ્યાનને, જપી થાક્યા જપતાં જાપ; સાંભળજો૦ ।।૪।।
જતિ થાક્યા જતને જાળવતાં, મુનિ થાક્યા રે'તા વળી મુન્ય; સાંભળજો૦ ।
બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો૦ ।।૫।।
કોટિ કાયા ક્લેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો૦ ।
પ્રેમવશ થઇ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો૦ ।।૬।।
હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપેછે આનંદ; સાંભળજો૦ ।
વા'લો નિષ્કુલાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ;
સાંભળજો સ્નેહ સમાન તે શું કહું ।।૭।। પદ ।।૧૧।।
ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતા સ્નેહગીતા.