અધ્યાય - ૨૭ - શ્રીહરિએ કરેલું દંડવિધિનું નિરૃપણ.

શ્રીહરિએ કરેલું દંડવિધિનું નિરૃપણ. શંકર થકી પ્રગટેલા પૂજ્ય દંડમૂર્તિનું શબ્દદર્શન. રાજાઓ માટે અપયશકારક વધ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! રાજાએ ધર્મશાસ્ત્રને અનુસારે જ્યારે દંડવા યોગ્ય માણસને દંડ કરવાનો પ્રસંગ આવે ત્યારે સામે શત્રુ, મિત્ર કે પુત્ર હોય તો પણ એક સરખા ભાવે દંડ કરવો.૧ 

અને તેમાં સ્મૃતિકારોનાં વચનમાં પરસ્પર વિરોધ આવે તે સમયે તેને સમાવવા અન્વય વ્યતિરેકરૃપ વૃદ્ધ વ્યવહારને આગળ રાખી ઉત્સર્ગ અપવાદાદિક લક્ષણવાળો ન્યાય છે, તે બળવાન છે એમ જાણવું, તેમજ અર્થ શાસ્ત્રની અપેક્ષાએ ધર્મ શાસ્ત્ર છે, તે પ્રબળ છે, એવી મર્યાદા છે.૨ 

હવે સ્મૃતિકાર એક હોવા છતાં પોતાના જ વચનમાં કોઇ સ્થળે પરસ્પર વિરોધ દેખાય, તો તેમાં શું કરવું ? તેનો નિર્ણયકારક હેતુ તમને કહું છું.૩ 

ભૃગુ, અત્રિ અને યાજ્ઞાવલ્ક્યાદિ ઋષિમુનિઓએ રાજાઓને સાત્ત્વિક, રાજસી અને તામસી ગુણોના અધિકારી જોઈ તેમજ તેઓની મનોવૃત્તિને જોઇ, મનુષ્યોના હીતને માટે ભગવાનની ઇચ્છાથી સ્મૃતિગ્રંથોની રચના કરી છે. જેમ કે રજોગુણી અને તમોગુણી રાજાઓનો સ્વભાવ નિર્દયી હોવાથી તેના દ્વારા ઉગ્રદંડની પ્રવૃત્તિ સહેજે થાય. જેમ કે કોઇ ચોરી કરી હોય તો તેને મારી નાખવો, આવા મૃત્યુ દંડની સજા કરવાનું વચન કોઇ જગ્યાએ કહ્યું હોય અને તેટલા જ ગુનામાં કોઇ જગ્યાએ સાત્ત્વિક પ્રકૃતિનો આશ્રય કરી આજીવન કારાવાસ આપવાનું વચન લખેલું હોય, ત્યારે પ્રાણ વધ કરતાં આજીવન કારાવાસના વચનને ઉત્તમ પક્ષ માની પ્રથમ સ્વીકારવું, આવી રીતે સર્વત્ર જાણવું. અર્થાત્ જેવી પ્રકૃતિના રાજા હોય તેને તેવાં વચનોને અનુરૃપ સજા કરવાનું ગમે છે છતાં પણ ધર્મનું શાસન કરતાં વચનો અધિક બળવાન છે એમ જાણવું.૪-૫ 

સભાસદોએ સહિત રાજાએ સ્વસ્થ ચિત્તથી ધર્મ-અધર્મનો વિચાર કરી ધર્મમર્યાદાની વૃદ્ધિ થાય તે માટે જ શિક્ષા કરવા અપરાધીને દંડ આપવો. તેમાં રાજાએ માત્ર પોતાની બુદ્ધિથી દંડ ન આપવો, પરંતુ સભાસદો સાથે વિચાર કરીને આપવો. તેમાં પણ દંડ કરવાથી પરને પીડા થાય છે, એવી દયાવાળી દલીલ કરીને દંડવા યોગ્ય જનને છોડી દેવો નહિ. કારણ કે દંડ છે તે શિક્ષા માટે છે અને શિક્ષા છે તે અનુગ્રહ માટે છે, કારણ કે શિક્ષાથી જ માણસ ખરાબ માર્ગથકી પાછો વળે છે. અને તેનાથી બીજાને પણ શિક્ષા મળે કે આણે ચોરી કરી તો આટલી સજા ભોગવવી પડી. આપણે કરશું તો આપણી પણ આ હાલત થશે. આમ દંડથી દેશમાં ધર્મ વધતો રહે.૬ 

અને આ દંડનું નિર્માણ ધર્મની રક્ષા કરવા માટે સાક્ષાત્ રૃદ્રદેવે કર્યું છે. જો રાજા આ દંડની પ્રવૃત્તિ અધર્મથી કરે તો એ રાજાના જ કુળનો વિનાશ થાય છે. અને જો ધર્મથી પ્રજાની શિક્ષા માટે જ દંડ કરે તો એ ધાર્મિક રાજાનું રાજ્ય વેરીજનો વિનાનું વૃદ્ધિ પામે છે.૭ 

રાજા દંડવા યોગ્યને દંડ આપે નહિ, તો પ્રજાને શિક્ષણ મળે નહિ, તેના કારણે પ્રજા પોતાની ઇચ્છા પ્રમાણે આચરણ કરવા લાગે છે. તેથી ધર્મમર્યાદાનો નિશ્ચે ભંગ થાય છે.૯ 

પૂર્વે બ્રહ્માદિ દેવતાઓએ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી તેથી ભગવાન શંકરે પ્રજાનું ધર્મસાંકર્ય નિહાળી કૃપા કરીને દંડનું નિર્માણ કર્યું છે.૧૦ 

સાક્ષાત્ રૃદ્રસ્વરૃપ એવો આ દંડ જગતનું નિયમન કરવા માટે જ પ્રગટ થયો છે. અને સમર્થ એવા તેણે સર્વે જનોને પોતાની ધર્મમર્યાદામાં પ્રવર્તાવ્યા પણ છે.૧૧ 

આ દંડને બ્રહ્માદિ દેવતાઓએ જગતનું નિયમન કરવા આવકારેલો છે, અને પછી બ્રહ્માના પુત્રો મનુ આદિ અને ઇદ્રાદિ દેવતાઓ, વૈવસ્વત આદિ દિગ્પાળો પણ તેમની મર્યાદામાં રહી તેમને આવકાર આપ્યો છે. ત્યાંથી આવતાં પૃથ્વી પરના સમસ્ત રાજાઓએ પણ તેમને આવકારેલો છે અને હજુ સુધી તેમનો આદર થાય છે.૧૨-૧૩ 

શંકર થકી પ્રગટેલા પૂજ્ય દંડમૂર્તિનું શબ્દદર્શન :- આ દંડની મૂર્તિનું સ્વરૃપ નીલકમળના પત્ર સમાન શ્યામ છે. તેમની ચાર દાઢો છે. ચતુર્ભુજ અને આઠ પાદવાળો તે દંડ અનેક નેત્રોને ધારણ કરે છે. તેમના શરીરના રોમ ખીલા જેવા ઊભા છે. મસ્તક ઉપર જટાજૂટ ધારણ કરનાર દંડની બે જીભ છે. રક્તમુખી તે સિંહના ચર્મને ધારણ કરે છે. આવા સ્વરૃપવાળો તે સર્વનો નિયામક દંડ સદાયને માટે પૂજનીય અને આવકારવા યોગ્ય છે.૧૪-૧૫ 

સર્વેના અંતરને જાણનારો અને તેથી જ સર્વના શુભ અશુભ કર્મનો સાક્ષી મૂર્તિમાનરૃપે હાથમાં ખડગ લઇ આલોકમાં ફરે છે.૧૬ 

દેવતાઓ, દૈત્યો અને પ્રજાપતિઓએ સહિત મનુષ્યો તથા નાગો પણ સદાય દંડના ત્રાસથી ભયભીત થઇ પોતપોતાની ધર્મમર્યાદાનો આશ્રય કરી સુખી થયા છે.૧૭ 

જો આલોકમાં દંડ ન હોત તો મનુષ્યો એક બીજાને પરસ્પર ખૂબ જ પીડા આપત. પરંતુ દંડના ભયથી કોઇ કોઇને મારતું નથી એ નક્કી છે.૧૮ 

અને તે દંડથી રક્ષાએલી પ્રજા રાજાને વૃદ્ધિ પમાડે છે. માટે રાજાએ પણ ધર્મની રક્ષા માટે આ દંડને સન્માનવો.૧૯ 

પૂર્વે ધાર્મિક રાજાઓએ જે રીતે દંડને પ્રવર્તાવ્યો છે, તેજ માર્ગને અનુસરીને જ વર્તવું. પરંતુ રાજાએ પોતાની રુચિ પ્રમાણે ન વર્તવું.૨૦ 

દંડનું વિધાન માત્ર શિક્ષા માટે છે, પરંતુ કોઇ પ્રાણીના વધ માટે નથી. તેથી જ રાજાએ પ્રજાને શિક્ષા આપી, સન્માર્ગે સ્થાપના કરવી.૨૧ 

ધાર્મિક રાજાએ દંડમાં વધ કરવા યોગ્ય બ્રાહ્મણોનો તથા વિષ્ણુ આદિ દેવચિહ્નોને ધારણ કરનાર પુરુષનો તથા અનાથનો અને ત્યાગી સાધુનો વધ કરવો નહિ.૨૨ 

જો તેઓ બ્રહ્મહત્યા આદિક મહાપાપને કરે, રાજાનો દ્વેષ કરે, તો તેઓનાં શરીર ઉપર પાપચિહ્નને સૂચવનારાં ચિહ્નો કરી પોતાના દેશની હદ બહાર કાઢી મૂકવો.૨૩ 

રણ સંગ્રામમાં આવેલા આતતાયી બ્રાહ્મણાદિકને પકડીને કેદખાનામાં રાખવા, પરંતુ તેઓને મારવા નહિ.૨૪ 

રાજાએ જેમનો વધ કરવાથી પોતાની અપકીર્તિ થાય તેવા પુરુષને પણ યુદ્ધમાં મારવો નહિ. અને પોતાનાથી અસમાન પુરુષો સાથે પણ યુદ્ધ કરવું નહિ. પોતાથી અતિ નીચા જનો સાથે પણ યુદ્ધ કરવું નહિ.૨૫ 

રાજાઓ માટે અપયશકારક વધ :- થાકી ગયેલા, ભય પામતા, શસ્ત્ર પ્રહાર સહન ન થવાથી રુદન કરતા, બાળક, વૃદ્ધ, રોગી, સામે પણ લડવા તત્પર થવું નહિ. તેમજ નિઃસહાય, જાતિથી નિમ્ન, ભિક્ષુક, હું તમારો છું એમ બોલનાર, નપુંસક, નિઃશસ્ત્ર, બીજા સાથે યુદ્ધ કરતા, જોવા આવેલા, ઉન્મત્ત, બંદીજન, દૂત, પીઠ બતાવી ભાગનારા, કેશને છૂટા મૂકનારો, કેડમાં કચ્છ નહિ બાંધેલા, ભયથી નીચે બેસી ગયેલા, સારથી રહિતના, મરેલા ઘોડાવાળા, બે હાથ જોડી રક્ષા માંગનાર, વૃક્ષપર ચઢી ગયેલા, પોતે કવચવાળો હોય ને સામે જો કવચ ન હોય તેવાને, પાણી પીતા કે ભોજન કરતા, રાજા, અશ્વ, સારથી, હાથી અને બળદ; આ ચોત્રીસ જણાને યુદ્ધમાં રાજાએ ક્યારેય પણ મારવા નહિ.૨૬-૨૯ 

રાજાએ બ્રાહ્મણોને દંડ ન આપવો કારણ કે રાજાઓનું ક્ષાત્રતેજ બ્રાહ્મણ થકી ઉત્પન્ન થયેલું છે. જો મર્યાદાનું ઉલ્લંઘન કરી બ્રાહ્મણને દંડ આપે તો જળમાં પ્રવેશતા અગ્નિની જેમ બ્રાહ્મણમાં પ્રવેશતું ક્ષાત્રતેજ શમી જાય છે.૩૦ 

તેમ જ માતા, પિતા, ગુરૃ અને તપસ્વીને પણ ક્યારેય મૃત્યુ દંડ ન આપવો. અને કોઇ પણ જનોએ કોઇ પ્રકારે સમગ્ર જંતુમાત્રની સ્ત્રીઓને તાડન કરવી નહિ.૩૧ 

વેદને જાણનાર તથા સ્નાતક બ્રાહ્મણ જો આજીવિકાના અભાવમાં ચોરીનું કર્મ કરે તો રાજાએ તે બ્રાહ્મણનું ભરણ પોષણ કરવું. સ્ત્રી, ગરીબ અને ત્યાગી સાધુ જો આજીવિકાના અભાવમાં ચોરી કરતા થાય તો તેઓનું પણ ભરણ પોષણ કરવું.૩૨ 

જો તેઓ પોતાના જીવનને પર્યાપ્ત રાજાએ આપેલ આજીવિકા પ્રાપ્ત કરવા છતાં પોતાનાં ચોરી આદિકનાં કુકર્મથી પાછા ન વળે તો રાજાએ તેમના બંધુજનોની સાથે તેઓને પોતાના દેશમાંથી કાઢી મૂકવા.૩૩ 

શત્રુઓએ કહી મોકલાવેલાં વચનોને કહેતા દૂતને રાજાએ ક્યારેય પણ મારવો નહિ. તે વચનો નિષ્ઠુર છતાં સહન કરવાં, પરંતુ તેને સાંભળી ક્રોધિત થઇ દૂતને મારી નાખવો નહિ. પ્રસંગોપાત દૂતના લક્ષણ પણ જણાવું છું, સત્કુળમાં જન્મેલો, શીલસંપન્ન, સદાચારી, વાચાળ, ચતુર, પ્રિયભાષી, યથાર્થવાદી અને પૂર્વાપરના અનુસંધાનની સ્મૃતિવાળો; આ સાત ગુણોએ યુક્ત હોય તેજ પુરુષ દૂત થઇ શકે છે. જો રાજા આ દૂતનો વધ કરે છે, તો ધર્મભ્રષ્ટ થઇ નરકમાં પડે છે.૩૪-૩૫ 

દેવમંદિર, બ્રાહ્મણ, રોગાદિકથી દુઃખી, ત્યાગી સાધુ અને અનાથની આજીવિકાવૃત્તિનાં સાધન જો રાજા હરી લે છે, તો તે પોતાના મંત્રીઓએ સહિત કુંભીપાક નરકમાં પડે છે. તેમાં કોઇ સંશય નથી.૩૬ 

જે રાજા પોતે આપેલી કે બીજાએ આપેલી બ્રાહ્મણની આજીવિકાવૃત્તિનાં સાધનને હરે છે, તો તે રાજા સાઠહજાર વર્ષ પર્યંત વિષ્ટામાં કીડો થાય છે.૩૭ 

જે મનુષ્યો અનાથ હોય કે દરિદ્ર હોય, તેવા મનુષ્યો ઉપર તો રાજાએ કૃપા જ કરવી, તેઓને ક્યારેય પણ પીડવા નહિ.૩૮ 

દુર્બળ મનુષ્યો આપણને શું કરનાર છે ? એમ સમજી તેઓનો અનાદર ન કરવો. કારણ કે તેમની દૃષ્ટિ તો તેમને પીડા આપનાર સામે ઝેરની સમાન કહેલી છે. તેથી દુર્બળ વર્ગને કલેશ આપનાર રાજા પોતાના કુળને ભસ્મસાત્ કરે છે. તેમાં કોઇ સંશય નથી.૩૯ 

તદુપરાંત તેવા જનોની દૃષ્ટિથી ભસ્મ થયેલું ફરી અંકુરિત થતું નથી. કેમ કે ગરીબને પીડનાર રાજાને દૈવનો દંડ જ મારી નાખે છે.૪૦ 

જે રાજાના રાજ્યમાં બળવાન જનોથી પીડા પામેલા ગરીબ નિર્બળ મનુષ્યોનું રક્ષણ કરનાર જો કોઇ હોતું નથી, તો તે દેશમાં રાજાનો વંશ મૂળે સહિત વિનાશ પામે છે.૪૧ 

તેમજ બળવાન કોઇ પણ મનુષ્ય દુર્બળ જીવને પીડે છે. તો તે અન્યાય જ બળવાનના કુળને મૂળે સહિત બાળીને ભસ્મ કરી દે છે.૪૨ 

આવા દુર્બળ, દીન, અનાથ અને વૃદ્ધોનાં આંસુ લૂછવાં, અન્નાદિકથી તેઓનું પોષણ કરવું અને પીડા આપનારાથી તેમનું રક્ષણ કરવું, એજ રાજાનો ધર્મ કહેલો છે.૪૩ 

રાજાએ કામ, ક્રોધ, લોભ, ભય અને દ્વેષને વશ થઇ ક્યારેય પણ ધર્મનો ત્યાગ ન કરવો. કારણ કે સર્વે રાજાઓ ધર્મથી જ દિવ્ય લોકને પામ્યા છે.૪૪ 

હે વિપ્ર ! તે હેતુથી જ આ લોકમાં યુધિષ્ઠિર આદિક મહાન ધાર્મિક રાજાઓએ પોતાનો ધર્મ છોડયો ન હતો. તેથી અત્યારે પણ આલોકમાં તેઓની ઉજ્જવલ કીર્તિ વિસ્તરેલી દેખાય છે.૪૫ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ રાજધર્મમાં દંડનું નિરૃપણ કર્યું, એ નામે સત્યાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૭--