અધ્યાય - ૨૮ - રાજાઓની ઇચ્છા પૂર્તિ કરનાર બ્રાહ્મણોના મહિમાનું વર્ણન.

રાજાઓની ઇચ્છા પૂર્તિ કરનાર બ્રાહ્મણોના મહિમાનું વર્ણન.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! રાજાએ તપોનિષ્ઠ, વેદભણેલા અને ભગવાનના એકાંતિક ભક્ત બ્રાહ્મણોની સેવા પ્રયત્નપૂર્વક કરવી. આવા બ્રાહ્મણોની પ્રસન્નતાથી રાજ્યની વૃદ્ધિ અને અપ્રસન્નતાથી ક્ષય થાય છે.૧ 

સેવાથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો રાજાએ ઇચ્છેલું શું સિદ્ધ કરી આપતા નથી ? સર્વે મનોરથો સિદ્ધ કરી આપે છે. બ્રાહ્મણો પોતાના તપોબળથી દેવતાઓને પણ પોતાના સેવકો કરે છે.૨

પૂર્વે ઘણાક રાજાઓ બ્રાહ્મણોને પ્રસન્ન કરી મોટા પુણ્યને પ્રાપ્ત કરી અતિશય દુર્લભ સિદ્ધિઓને પામ્યા છે.૩ 

(વિશેષ વિસ્તાર પ્ર. ૨ અ. ૩૮)
નહૂષ આદિક હજારો રાજાઓ અને દૈત્યો સ્વર્ગને પામ્યા હોવા છતાં બ્રાહ્મણના અપરાધથી તેઓનું સ્વર્ગથી પતન થયું છે.૪ 

તેથી પોતાનું શ્રેય ઇચ્છતા રાજાએ નિર્માની થઇને નિત્ય બ્રાહ્મણોને રાજી કરવા. તેમ ન કરવાથી રાજા રાજલક્ષ્મી થકી ભ્રષ્ટ થાય છે.૫ 

(વિશેષ વિસ્તાર પ્ર.૨ અ.૩૯) રાજાએ બ્રાહ્મણોનો પરાભવ ક્યારેય પણ ન કરવો, પરંતુ બ્રાહ્મણોને પૂજવા, નમસ્કાર કરવા અને પોતાના સગા પુત્રની જેમ અન્નવસ્ત્રાદિકનું પ્રદાન કરી તેમનું ભરણ પોષણ કરવું.૬ 

ધર્મના સેતુ, શાસ્ત્રોના પ્રવર્તક, ધર્મના જ્ઞાતા અને પાલક બ્રાહ્મણો આ ભૂમિ આદિક સમસ્ત લોકને ધારી રહેલા છે.૭ 

કારણ કે દેવતાઓએ સહિત મનુષ્યાદિક સર્વે તે બ્રાહ્મણોને આશરે જ જીવે છે તે કેવી રીતે ? તો બ્રાહ્મણો યજ્ઞામાર્ગની પ્રવૃત્તિ કરે છે તેથી દેવતા અને પિતૃઓ અન્ન પ્રથમ જમે છે. વરસાદથી અન્ન પાકે છે અને તેથી સર્વનું જીવન ચાલે છે. આ રીતે બ્રાહ્મણો સર્વેના જીવનનું મૂળ છે.૮ 

બ્રાહ્મણો તો વેદોને રમવાના બગીચારૃપ છે. સર્વના કર્મફળ અને સર્વભૂત પ્રાણીમાત્રની ગતિને તે જાણનારા હોવાથી સર્વે દ્વારા માન આપવા યોગ્ય છે.૯  

હે વિપ્ર ! કુપિત થયેલા બ્રાહ્મણો અદૈવ એવા માણસને દૈવભાવ પમાડી શકે છે, જેમ કે ત્રિશંકુ રાજાને સ્વર્ગમાં મૂક્યો. તેમજ દૈવભાવને પામેલા એવા નહૂષ રાજાને સાપ જેવી નીચ યોનિમાં ધકેલી દીધો. તેમજ બ્રાહ્મણો તો બ્રહ્માએ સર્જન કર્યું તેવું બીજું નવું સર્જન પણ કરી શકે છે. જેમ કે વિશ્વામિત્રે નવા સ્વર્ગાદિ લોકની રચના કરી, વગેરે.૧૦ 

તેમજ બ્રાહ્મણોનો ક્રોધાગ્નિ હજુ સુધી દંડકારણ્યમાં શાંત થયો નથી. આ કથા રામાયણમાં કહેલી છે. તેમ જ જે અગસ્ત્ય મહર્ષિએ એક જ ક્ષણમાં સમુદ્રના જળને પીવા અયોગ્ય કર્યો.૧૧

માટે બ્રાહ્મણોમાં બાળક યુવાન કે વૃદ્ધ પણ સર્વે જનોને માટે સન્માન કરવા યોગ્ય છે. કારણ કે બ્રાહ્મણો જનમથી જ લોકગુરૃ છે તેથી સર્વે જનો માટે પૂજનીય છે.૧૨ 

અને તે બ્રાહ્મણો પણ તપ અને વિદ્યાના અધિક અધિકપણાથી પરસ્પર એક બીજાને માનવા અને પૂજવા. જે બ્રાહ્મણો સર્વેના પ્રમાણભૂત એવા વેદના પણ પ્રમાણરૃપ છે. કારણ કે વેદમાં પણ બ્રાહ્મણોને પૂજ્યપણે પ્રમાણિત કરેલા છે. તેથી કયો બુદ્ધિમાન પુરુષ તેમનો પરાભવ કરવા ઇચ્છે ? કોઇ પણ નહિ.૧૩

બ્રાહ્મણ અવિદ્વાન હોય છતાં પણ દેવતાની જેમ પૂજ્ય છે અને દાન મૂકવાના શ્રેષ્ઠ પાત્રરૃપ છે. અને વિદ્વાન બ્રાહ્મણ તો દેવ સમાન અતિ પૂજ્ય છે અને પરમ પાત્રભૂત છે. કારણ કે તેઓ જળપૂર્ણ સમુદ્રની સમાન સકલ ઉત્તમગુણોના સાગર છે.૧૪ 

જેવી રીતે અગ્નિ મંત્રથી સંસ્કૃત કરેલો હોય કે અસંસ્કૃત હોય છતાં તે મહાદૈવતરૃપ જ છે. તેવી રીતે બ્રાહ્મણો પણ વિદ્વાન હોય કે અવિદ્વાન હોય મહાદૈવતરૃપ જ છે અને સર્વે વર્ણો કરતાં અધિક પ્રભાવશાળી છે.૧૫ 

વળી જેવી રીતે તેજસ્વી અગ્નિ શ્મશાનમાં પણ દોષ પામતો નથી. અને યજ્ઞાશાળામાં પણ અત્યંત શોભે છે. તેવી જ રીતે બ્રાહ્મણ અભણ હોવા છતાં દોષીત ગણાતો નથી. અને વિદ્વાન બ્રાહ્મણ તો સભાદિકના સ્થાનમાં અતિશય શોભારૃપ છે.૧૬ 

વાસ્તવમાં જેવો હોય તેવો પણ બ્રાહ્મણ તો સદાય પૂજ્ય જ મનાયેલો છે. કારણ કે ભીલનું રૃપ ધારણ કરનાર બ્રાહ્મણે ગરૃડના કંઠને બાળ્યો હતો. (એક વખત ગરૃડજીએ સર્વે ભીલોને ગળવા માંડેલા, તે સમયે કોઇ ભીલના આચારવાળા બ્રાહ્મણને પણ ભીલ સમજીને ગળ્યા લાગ્યા, તે સમયે કંઠના વચ્ચભાગે આવતાં ગરૃડનો કંઠ ગરમીથી અતિશય બળવા લાગ્યો. તેથી તત્કાળ તે ભીલરૃપ બ્રાહ્મણને ગરૃડે ઓકી કાઢયો ત્યારે શાંતિ થઇ. આ કથા મહાભારતમાં પ્રસિદ્ધ છે.)૧૭ 

માટે સર્વે જનોએ બ્રાહ્મણોને સદાય પૂજવા, તેમાં રાજાએ તો વિશેષપણે કરીને પૂજવા. કારણ કે વિપ્રનું અપમાન એક ક્ષણમાં રાજ્યનો નાશ કરી દે છે. માટે તેઓનું સર્વે જનોએ પૂજ્ન કરવું.૧૮ 

રાજાએ બ્રાહ્મણોને પ્રિય અનેક પ્રકારનાં પકવાન્નો, પુષ્કળ ઘી, સાકર મિશ્રિત શીરો આદિ ભોજ્ય વાનગીઓ અને અનેક પ્રકારનાં શાકાદિક વ્યંજનોથી બ્રાહ્મણોને નિત્ય તૃપ્ત કરવા.૧૯ 

બ્રાહ્મણો સ્વાદિષ્ટ ભોજનથી જેવી રીતે અત્યંત પ્રસન્ન થાય તેવી રીતે જ ધાર્મિક રાજાએ સદાય પ્રયાસ કરવો.૨૦ 

બ્રાહ્મણના મુખમાં હોમેલાં બહુ ઘી સાકર મિશ્રિત ભોજ્યાન્નથી ભગવાન વિષ્ણુ જેવા તૃપ્ત થાય છે. તેવા તો યજ્ઞો દ્વારા અગ્નિના મુખમાં હોમેલાં હૃતદ્રવ્યોથી તૃપ્ત થતા નથી.૨૧ 

માટે બ્રાહ્મણોને સાક્ષાત્ વિષ્ણુ બુદ્ધિથી જ પ્રયત્નપૂર્વક જમાડવા ને ખૂબ દક્ષિણા પણ આપવી. આ પ્રમાણે બ્રાહ્મણોને ખૂબજ સંતોષ પમાડયા પછી જ પોતપોતાના સ્થાને મોકલવા.૨૨ 

ઉત્તમરાજાઓએ તો પોતાની સંપત્તિની શક્તિ અનુસાર હમેશાં દશ, સો, હજાર, દશહજાર અથવા લાખ બ્રાહ્મણોને જમાડવા.૨૩ 

ગાય, સુવર્ણ અને તલ આદિકનું વિધિપૂર્વક નિત્ય દાન કરવું. પુત્રજન્મ આદિકનું નિમિત્ત કરીને પણ વિધિપૂર્વક બ્રાહ્મણોને દાન કરવું, વેદોક્ત વિધિપૂર્વકના યજ્ઞોની સમાપ્તિ થાય ત્યારે પણ ખૂબ દાન કરવું.૨૪ 

શ્રવણાદિ નક્ષત્રો, બારસ આદિ તિથિઓ, મકરસંક્રાંતિ અને અનેક પ્રકારના પર્વણીના દિવસોએ ઋષિઓએ કહેલા અલગ અલગ પ્રકારનાં દાન રાજાએ કરવાં.૨૫ 

વળી રાજાએ વાવ, કૂવા, તળાવ આદિક તથા પાણીનાં પરબ આદિક તૈયાર કરાવવાં, જેમાં ગાયો, બ્રાહ્મણો, સાધુઓ અને મનુષ્યો પણ જળ પાન કરે.૨૬ 

ગરમીની ઋતુમાં પણ જે તળાવ આદિકનું પાણી કોઇ પણ રીતે ખૂટે નહિ, તો તેનો કરાવનારો મનુષ્ય અત્યંત વિષમ કષ્ટને ક્યારેય પણ પામતો નથી.૨૭ 

જે રાજા પ્રત્યેક માસે અથવા પ્રત્યેક ઋતુમાં તે તે સમયને ઉચિત આંબા આદિક ફળના રસથી અને દૂધપાક આદિક રસદાર ભોજનથી બ્રાહ્મણોને તૃપ્ત કરે છે, તેને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.૨૮ 

રાજાએ વિષ્ણુયાગ આદિક યજ્ઞોને વિષે દૂધપાક આદિક હવિષ્યાન્નવડે દેવતાઓને તૃપ્ત કરવા અને યજ્ઞાનિમિત્તની ખૂબજ દક્ષિણાઓ બ્રાહ્મણોને આપવી.૨૯ 

વળી મજબૂત દેવ મંદિરો બંધાવવાં અને તેમાં પૂજાનો પ્રવાહ સતત ચાલુ રહે તે માટે આજીવિકાનો પ્રબંધ કરાવી દેવોની પ્રતિષ્ઠા પણ પોતે જ કરાવવી.૩૦

આજીવિકાવૃત્તિની સાથે રાજાએ વિવિધ ધર્મશાળાઓ બંધાવવી, તેમજ સર્વે ઉપકરણોએ સહિત રમણીય ઘરો પણ બ્રાહ્મણોને દાનમાં આપવાં.૩૧ 

શુભ નિયમ યુક્ત વ્રતવાળા રાજાએ બહુ પ્રકારનાં ફળ અને પુષ્પોવાળા રમણીય બગિચાઓ અને તેમાં ફળ આવેલાં વૃક્ષો બ્રાહ્મણોને દાનમાં આપવાં.૩૨ 

જે રાજા મનુષ્યોના સંઘને ચોર આદિકથી રક્ષા કરતો અને પોતાના અન્નદ્રવ્યથી પોષણ કરતો તીર્થયાત્રા કરાવે છે તે રાજાને અનંતગણું પુણ્ય થાય છે.૩૩ 

રાજા નિષ્કપટ થઇ જો જીતેન્દ્રિય ને બ્રહ્મનિષ્ઠ એવા ભગવાનના એક ભક્તને પણ ભક્તિભાવપૂર્વક પૂજે છે. ત્યારે તેનું પુણ્ય બીજા સર્વે પ્રકારનાં પુણ્યો કરતાં અધિક થાય છે.૩૪ 

રાજાએ અન્નાર્થી જીવમાત્રને અન્નનું દાન કરવું, અન્નના દાનની સમાન બીજા કોઇ દાન શ્રેષ્ઠ નથી. આવો શાસ્ત્રનો નિર્ણય છે.૩૫ 

કારણ કે દેહધારી જીવોના પ્રાણ અન્નને આશરે છે. પ્રાણીઓની ઉત્પત્તિ અન્નથી થાય છે. અન્ન વગરનું પ્રાણી મૃત્યુ પામે છે માટે અન્નનું દાન તો અવશ્ય કરવું.૩૬

રાજાએ પોતાના રાજ્યમાં સર્વત્ર ગામો અને નગરોમાં અન્નસત્રો કરાવવાં ને તેમાંથી સદાય અન્નનું દાન કરાવવું. અને પોતાના નિવાસ સ્થાનવાળા નગરમાં તો પ્રતિદિન અત્યંત ઉત્સાહની સાથે અન્નાર્થીઓને અન્નનું દાન કરવું.૩૭ 

જો રાજા બ્રાહ્મણો, ભિક્ષુકો, અનાથજનો તથા મુશાફરોને યથાયોગ્ય રીતે અન્ન જમાડી પૂજે છે. તે રાજા દેવતાઓને અત્યંત રાજી કરનારો થાય છે.૩૮ 

જે રાજાની રાજધાનીમાં જે કોઇ માણસ અન્ન પામ્યા વિના એક દિવસ ભૂખ્યો રહી જાય છે, તો તે રાજાના સમગ્ર પુણ્યને હરી લે છે. તેમાં કોઇ સંશય નથી.૩૯ 

તેથી બુદ્ધિમાન રાજાએ આળસ છોડીને સાવધાન થઇ પોતાની રાજધાનીમાં હમેશાં ભૂખ્યા માણસને શોધીને અન્ન જમાડવાં.૪૦ 

આ લોકમાં અન્નદાતા પુરુષને પ્રાણદાતા તથા સર્વદાતા કહ્યો છે. તે પરલોકમાં અનંત ફળને પામે છે. અને આલોકમાં મોટી કીર્તિને પામે છે.૪૧ 

અન્નનું દાન કરનારો પુરુષ સુવર્ણમય અને સૂર્યની કાંતિ સમાન તેજસ્વી વિમાનમાં બેસી સ્વર્ગમાં સીધાવે છે તે વિમાન ઘુઘરીઓથી સુશોભિત અને અનેક અપ્સરાઓના ગણથી મંડિત હોય છે.૪૨ 

તેમાં અનેક પ્રકારનાં ક્રીડાસ્થાનો, વાવ આદિક જળાશયો, વસ્ત્રો, આભૂષણો અને અનેક પ્રકારના રસોની નદીઓથી સુશોભિત હોય છે. મનના સંકલ્પ પ્રમાણે ગતિ કરનાર દેવતાઓના વિમાનમાં બેસી અન્નદાતા રાજા સ્વર્ગમાં સીધાવે છે.૪૩ 

હે વિપ્રશ્રેષ્ઠ ભૂદેવ ! ત્યારે સ્વર્ગમાં ગાંધર્વોના ગણો રાજાની કીર્તનું ગાન કરે છે, અને સ્વર્ગમાં પણ ઇન્દ્રના સંબંધવાળાં દિવ્ય વિમાનો, અપ્સરાઓ, અનેક પ્રકારના દિવ્ય રસો અને સુખોનો અનુભવ કરી આનંદ કરે છે.૪૪ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં રાજધર્મોમાં ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણ પૂજાનો મહિમા કહ્યો, એ નામે અઠયાવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૮--