વિધવા સ્ત્રીના જુદા જુદા વ્રત વિધિનું નિરૃપણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! વિધવા સ્ત્રીએ એકાદશી તથા જનામ્ષ્ટમી આદિક હમેશાં કરવાનાં તે વ્રતો કરવાં,જે ન કરવાથી મનુષ્યને પાપ લાગે છે. વળી તે વ્રતોને દિવસે શ્રીવાસુદેવ ભગવાનની આદરપૂર્વક મહાપૂજા કરવી.૧
ધર્મનિષ્ઠ એવી વિધવા સ્ત્રીઓએ આ વ્રતો હમેશાં કરવા.તે વ્રતો કહું છું. ત્રિરાત્રોપવાસવ્રત, પંચરાત્રોપવાસવ્રત, પક્ષોપવાસવ્રત કરવાં.૨
તેમજ માસોપવાસવ્રત, ચાંદ્રાયણવ્રત, પારાક કુચ્છ્રવ્રત, તપ્તકુચ્છ્રવ્રત, યવાન્નભક્ષણવ્રત, ફલાહારવ્રત, શાકાહારવ્રત અથવા પયોવ્રત કરીને શરીરનો નિર્વાહ કરવો. જ્યાં સુધી સ્વયં પ્રાણ શરીરમાંથી નીકળે નહિ ત્યાં સુધી કોઇનાં કોઇ વ્રત દ્વારા દેહનો નિર્વાહ કરવો.૩-૪
વળી વિધવા સ્ત્રીએ વૈશાખ, કાર્તિક અને માઘ માસમાં વિશેષ નિયમોનું પાલન કરવું. તે વિશેષ નિયમોમાં સ્નાન, દાન, તીર્થયાત્રા, વારંવાર શ્રીવિષ્ણુ ભગવાનના નામનો ઉચ્ચાર વગેરે કરવું.૫
જો પોતાની પાસે ધનવૈભવ હોય તો વિધવા સ્ત્રીએ વૈશાખ માસમાં જળકુંભોનું, કાર્તિક માસમાં ઘીના દીવાઓનું અને માઘ માસમાં ધાન્યનું કે તલનું દાન કરવું.૬
વળી મારો પતિ મારા ઉપર પ્રસન્ન થાય એમ બોલીને વૈશાખ માસમાં પાણીનું પરબ બંધાવવું, મહાદેવજીને જળઝારી અર્પણ કરવી, તેમજ બ્રાહ્મણોને પગરખાં,વંીજણો, છત્રી, સૂક્ષ્મવસ્ત્રો, ચંદન, કર્પૂર સહિત તાંબૂલ, તથા સુગંધીમાન પુષ્પોની માળા, જળપાત્રો, સાકર મિશ્રિત આંબા, નારંગી આદિકના રસો, સાકર યુક્ત પાણી, દ્રાક્ષ તથા કેળાફળ આદિકનું દાન કરવું.૭-૯
વળી કાર્તિક માસમાં વિધવા સ્ત્રીએ યવનું અન્ન જમવું, અથવા એક જ કોઇ અન્ન જમવું, તથા સૂરણ, જવ, ઘઉ વગેરે શુકધાન્ય અને મગ,અડદ વિગેરે સીંગ ધાન્યનો ત્યાગ કરવાનો નિયમ રાખવો.૧૦
તેલ અને તૈલી પદાર્થો પણ ભોજનમાં લેવાં નહિં. કાર્તિક માસમાં મધ,તથા કાંસાના પાત્રમાં ભોજનનો ત્યાગ કરવો.તેમજ વાસી તથા નમકવાળાં શાકનો ત્યાગ કરવો.૧૧
વળી કાર્તિક માસમાં જો મૌન વ્રત ધારણ કરવાનો નિયમ રાખે તો સુંદર નાદ કરતી ઘંટા બ્રાહ્મણને દાનમાં આપવી. જો પતરાવળીમાં ભોજન કરવાનું વ્રત રાખે તો ઘી ભરેલો કાંસાનો ઘડો બ્રાહ્મણને દાનમાં આપવો.૧૨
જો પૃથ્વી પર શયન કરવાનું વ્રત ધારણ કરે તો સુંદર રૃ ભરેલાં ગોદડાં સાથે સુંવાળી શય્યા બ્રાહ્મણને અર્પણ કરવી, જો કે વિધવા સ્ત્રીને પલંગ ઉપર સૂવાનો નિષેધ છે અને પૃથ્વી પર સૂવાનું છે છતાં અહીં કાર્તિક માસમાં પૃથ્વી પર સૂવાનું વ્રત કહ્યું તે પાથર્યા વિના જ પૃથ્વી પર સૂવા માટે છે એમ જાણવું.વળી ફળ ત્યાગનું વ્રત રાખે તો ફળનું દાન કરવું, તેમજ ઘી આદિક કોઇ રસત્યાગનું નિયમ રાખે તો તેનું બ્રાહ્મણોને દાન કરવું.૧૩
ધાન્ય ત્યાગનું નિયમ રાખે તો ધાન્યનું અથવા ડાંગરનું દાન કરવું.વળી કાર્તિક માસમાં ગાયને યોગ્ય અલંકારો ધારણ કરાવી સુવર્ણની દક્ષિણા સાથે વિધિપૂર્વક બ્રાહ્મણને દાનમાં આપવી.૧૪
હે વિપ્ર ! એક પક્ષે સર્વ પ્રકારનાં દાનો અને એક પક્ષે કાર્તિક માસમાં દીપદાન કરે તો તે સમાન ફળ આપનારા થાય છે. તેથી કાર્તિક માસમાં દીવાનું દાન તો અવશ્ય કરવું.૧૫
સૂર્ય કાંઇક ઉદય પામ્યો હોય ત્યારે માઘસ્નાન કરવું. આ માઘમાસમાં પણ પ્રાતઃકાળે સ્નાન કરનાર વિધવા સ્ત્રીએ પોતાની શક્તિ પ્રમાણેનાં કાર્તિક માસમાં જે નિયમો પાળવાનાં કહ્યાં તે સર્વેનું ભક્તિથી અનુંષ્ઠાન કરવું.૧૬
તેમજ વિપ્ર, સંન્યાસી કે તપસ્વીઓને લાડુ, સૂતરફેણી, વડાં, ઘુઘરા, જલેબી અને શિરો આદિક પકવાન્નોથી ભોજન કરાવવું.૧૭
તે ઘીમાં પકાવેલાં મરી સહિત શુદ્ધ કર્પૂરથી સુવાસિત કરેલાં, સાકર મિશ્રિત અને જોવા માત્રથી આંખોને આનંદ ઉપજાવે તેવાં પકવાન્નોથી બ્રાહ્મણોને તૃપ્ત કરવા.૧૮
વળી ઠંડીના નિવારણ માટે સૂકાકાષ્ઠના ભારા, રૃ ભરેલી ડગલી, ઓશીકાં અને ઓછાડે સહિત રૃ ભરેલી ગોદડીનું બ્રાહ્મણને દાન કરવું.૧૯
મજીઠના લાલ રંગથી રંગેલાં વસ્ત્રો,રૃ ભરેલી ગોદડી,બહુ પ્રકારનાં જાયફળ, લવિંગ અને એલાયચી મિશ્રિત તાંબૂલ બ્રાહ્મણને અર્પણ કરવાં.૨૦
ચિત્ર વિચિત્ર અનેક પ્રકારના ધાબળા, ઘરો, પગરખાં અને શરીરમાં લગાવવા માટે સુગંધીમાન દ્રવ્યો પણ બ્રાહ્મણોને દાનમાં અર્પણ કરવાં.હે ! વિપ્ર દાન કરનારી વિધવા સ્ત્રીએ દાન આપવા સમયે "આ દાનથી પતિ સ્વરૃપ પરમાત્મા મારા ઊપર સદાય પ્રસન્ન રહો"એવો ઉચ્ચાર કરીને આપવું .૨૨
આવા પ્રકારનાં વિવિધનિયમોનું તથાં વ્રતોનું અનુષ્ઠાન કરતાં કરતાં વિધવાનારીએ વૈશાખ,કાર્તિક અને માઘ માસને વ્યતીત કરવો.૨૩
કારણકે વ્રત ઊપવાસ રહીતની સ્ત્રી તેમાં પણ વિધવા તો નક્કી ભ્રષ્ટ થાય છે કારણકે કાર્તિક માસમાં વાંદરી અને કુતરીની જેમ તે કામ વિહ્વળ હોય છે,તેથી વ્રત-ઉપવાસાદિકનું અનુષ્ઠાન અવશ્ય કરવું.૨૪
વિધવા સ્ત્રીએ સ્ત્રીઓના સમૂહને મધ્યે બેસી પુરૃષોને ન જેાવારૃપ પોતાના નિયમોનું પાલન કરતાં ધર્મપરાયણ વક્તાના મુખ થકી સત્શાસ્ત્રની કથાનું શ્રવણ કરવું.૨૫
મન,કર્મ વચને પ્રયત્નપૂર્વક પોતાના ધર્મોનું પાલન કરવું. વળી જે ધર્મ સ્વર્ગપ્રાપ્તિનું સાધન ન હોય તેમજ લોકનિંદિત હોય તો તે ધર્મનું પણ વિધવાએ પાલન કરવું નહિ.૨૬
જે વિધવા નારી પોતાના પતિનું ચિંતવન કરી મેં કહેલા આ ધર્મોનું પાલન કરે છે,તે સ્ત્રી મૃત્યુ પછી પોતાના પતિ સહીત સતીલોકને વિષે સીધાવે છે.૨૭
અને હે વિપ્ર ! જે વિધવા સ્ત્રી શ્રીકૃષ્ણ ભગવાનને જ પોતાનો પતિ માની તેમનું ચિંતવન કરતી પોતાના ધર્મમાં દૃઢ વર્તી અવિરત ભગવાનનું ભજન કરે છે, તે સર્વોત્કૃષ્ટ ભગવાનના ગોલોકધામને પામે છે.૨૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રી ધર્મોમાં વિધવા નારી માટે વિશેષ વ્રત વિધિનું નિરૃપણ કર્યું, એ નામે ચોત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. -૩૪-