જેના ડાબા પડખામાં રાધિકાજી રહ્યાં છે, અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે, અને વૃન્દાવનમાં વિહાર કરનારા એવા શ્રીકૃષ્ણનું હું હૃદયમાં ધ્યાન કરૂં છું.
वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि । वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये ।।१।।
જેના ડાબા પડખામાં રાધિકાજી રહ્યાં છે, અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે, અને વૃન્દાવનમાં વિહાર કરનારા એવા શ્રીકૃષ્ણનું હું હૃદયમાં ધ્યાન કરૂં છું.
સામાન્યપણે મંગલાચરણ કરવાથી વિઘ્નોનો નાશ થાય છે, અને વિઘ્નોનો નાશ થવાથી ગ્રંથની નિર્વિઘ્નપણે સમાપ્તિ થાય છે. આ રીતે નિર્વિઘ્નપણે ગ્રંથની સમાપ્તિ થવી એ મંગલાચરણનું ફળ શાસ્ત્રોએ બતાવેલું છે. અર્થાત્ મંગલાચરણ કરવાથી કર્મજન્ય જે અંતરાયો હોય, એ નિર્બળ બને છે, તેથી વિઘ્ન કરવા સમર્થ થઇ શકતા નથી.
હવે અહીં એવી એક શંકા ઉપસ્થિત થાય છે કે, કર્મજન્ય અંતરાયો તો કર્માધીન જીવાત્માઓની અંદર હોય છે. પરમાત્મા તો કર્મને આધીન થઇને જન્મ ધારણ કરતા નથી, પરમાત્મા પોતે સ્વતંત્ર છે. માટે કર્મજન્ય અંતરાયો પરમાત્માનો સ્પર્શ કરી શકે જ નહિ. તો પછી પરમાત્માને મંગલાચરણ કરવાનું શું પ્રયોજન છે ? માટે શ્રીજીમહારાજે કરેલું આ મંગલાચરણ નિષ્ફળ હોય એમ જણાય છે, એવી શંકા છે.
આ શંકાનું સમાધાન કરતાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- प्रयोजनं विना तु मंदो।पि न प्रवर्तते ।।इति।। પ્રયોજન વિના તો મૂર્ખ પુરૂષની પણ કોઇ કાર્યમાં પ્રવૃત્તિ થતી નથી, તો સાક્ષાત્ ઇશ્વરની પ્રયોજન વિનાની પ્રવૃત્તિ ક્યાંથી હોય ? ન જ હોય. तस्मादिदं मङ्गलाचरणं मनुष्यलीलया लोकावबोधनायैव ।।इति।। માટે આ શ્રીજીમહારાજે કરેલા મંગલાચરણમાં તો બીજા મનુષ્યોને શિક્ષણ આપવારૂપ પ્રયોજન છુપાયેલું છે. શ્રીજીમહારાજે પોતાના દૃષ્ટાંતથી બીજા મનુષ્યોને શિક્ષણ આપેલું છે કે, કોઇપણ કાર્યના પ્રારંભમાં અવશ્ય પોતાના ઇષ્ટદેવને યાદ કરવા જોઇએ. માટે શ્રીજીમહારાજે કરેલું મંગલાચરણ નિષ્ફળ નથી, સફળ જ છે.
હવે શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી પહેલા શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- જે શ્રીકૃષ્ણના ડાબા ભાગમાં રાધિકાજી ઉભેલાં છે. ''ઉભેલાં છે'' આમ કહ્યું તેથી રાધિકાજીનો સેવાધર્મ બતાવેલો છે, નહિ તો બેઠેલાં છે એમ કહેવું જોઇએ. ઉભેલાં છે આમ કહ્યું તેથી પૂજાને યોગ્ય હાર, ચંદનાદિક ઉપચારોનું પાત્ર હાથમાં લઇને રાધાજી શ્રીકૃષ્ણની સેવામાં ખબડદાર થઇને હાજર રહેલાં છે, આવો ભાવ સૂચવેલો છે.
અને વળી જે શ્રીકૃષ્ણના વક્ષઃસ્થલમાં લક્ષ્મીજી રહ્યાં છે. ''श्रयति हरिम्'' इति श्रीः ।। હમેશાં જે ભગવાનનો જ આશ્રય કરીને રહે, તેને કહેવાય લક્ષ્મી, આવી લક્ષ્મી શબ્દની વ્યુત્પત્તિ છે. અર્થાત્ લક્ષ્મીજી, ભગવાન શ્રીકૃષ્ણ થકી એક ક્ષણવાર પણ દૂર થઇ શકતાં નથી. આ વિષયમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે.- ''चला।पि यच्छ्री र्न जहाति कर्हिचित् ।। इति ।। આ વાક્યનો એ અર્થ છે કે લક્ષ્મીજી અતિ ચંચળ છે. એક જગ્યાએ સ્થિર રહી શકતાં નથી. રાજા હોય તેને રંક કરી દે, અને રંક હોય તેને રાજા કરી દે. અને વળી મોટા મોટા રાજાઓ પણ લક્ષ્મીની પ્રાર્થના કરે છે, છતાં લક્ષ્મીજી બધાનો તિરસ્કાર કરી, એક જ ભગવાનના ચરણકમળનું સેવન કરે છે. ચંચળ હોવા છતાં ભગવાનનો ક્યારેય પણ ત્યાગ કરતાં નથી.
હવે લક્ષ્મીજી વક્ષઃસ્થલમાં રહ્યાં છે, તેનું પ્રમાણ શું ? તો કહે છે કે ભાગવતના અષ્ટમસ્કંધને વિષે સમુદ્રમંથનની કથા છે, તેમાં કહેલું છે કે- तस्याः श्रियस्त्रिजगतो जनको जनन्या वक्षोनिवासमकरोत् परमं विभूतेः ।। इति ।। સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલાં લક્ષ્મીજીએ ભગવાનને સર્વેગુણોથી સંપન્ન માનીને, નવા કમળની માળા ભગવાનના કંઠમાં પહેરાવી, અને પછી લજ્જાની સાથે ભગવાનની આગળ જ્યારે ઉભાં રહ્યાં ત્યારે ત્રણે લોકના પિતા ભગવાને ત્રણે લોકનાં માતા લક્ષ્મીજીને વક્ષઃસ્થળમાં અવિચળ વાસ આપ્યો. આ રીતે લક્ષ્મીજીના વક્ષઃસ્થળમાં નિવાસ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે.
વળી જે શ્રીકૃષ્ણ રાધા અને લક્ષ્મીજીની સાથે વૃન્દાવનમાં વિહાર કરી રહ્યા છે. અહીં કદાચ કોઇને શંકા થાય કે વૃન્દાવનમાં તો ભગવાન શ્રીકૃષ્ણ કેવળ રાધિકાજીની સાથે જ વિહાર કરી રહ્યા હતા. અને લક્ષ્મીજીનો શ્રીકૃષ્ણની સાથે વિહાર તો દ્વારિકામાં જ પ્રસિદ્ધ છે. કારણ કે રૂક્મિણીરૂપ લક્ષ્મીજી શ્રીકૃષ્ણ ભગવાનને દ્વારિકામાં જ પરણ્યાં હતાં. અને ત્યાંજ વિહાર કરેલો હતો. છતાં અહીં રાધાલક્ષ્મીની સાથે વૃન્દાવનમાં શ્રીકૃષ્ણનો વિહાર શા કારણથી કહ્યો ?
આના સમાધાનમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે, વાત બિલકુલ સાચી છે. જે મનુષ્યરૂપે રહેલાં રૂક્મિણીરૂપ લક્ષ્મીજીનો વિહાર દ્વારિકામાં જ પ્રસિદ્ધ છે, છતાં મનુષ્યો જોઇ ન શકે એવાં દિવ્યસ્વરૂપે લક્ષ્મીજી હમેશાં શ્રીકૃષ્ણના વક્ષઃસ્થલમાં રહે છે. માટે દિવ્ય સ્વરૂપે લક્ષ્મીજી હમેશાં વૃન્દાવનમાં પણ શ્રીકૃષ્ણની સાથે જ હતાં. આ વિષયમાં ભાગવતનો દશમસ્કંધ પ્રમાણરૂપ છે. जयति ते।धिकं जन्मना व्रजः श्रयत इन्दिरा शश्वदत्र हि ।। इति ।। ગોપીઓ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે કહે છે કે- હે પ્રભુ ! તમારા જન્મને લીધે આ વ્રજ અધિક શોભે છે. કારણ કે આ વ્રજમાં તમારી સાથે લક્ષ્મીજી નિરંતર રહેલાં છે. આ રીતે વૃન્દાવનમાં શ્રીકૃષ્ણ સાથે લક્ષ્મીજીના વિહાર વિષયે ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે.
આવા જે શ્રીકૃષ્ણ તેનું હું હૃદયમાં ધ્યાન કરૂં છું. હૃદય એટલે હૃદયાકાશમાં જે કમળ છે, ત્યાં સાક્ષાત્ ભગવાનનો વાસ છે. માટે સર્વે શાસ્ત્રોમાં ધ્યાન કરવા યોગ્ય સ્થાન હૃદયને જ બતાવેલું છે. ભાગવતના આઠમા સ્કન્ધમાં ગજેન્દ્રની સ્તુતિ છે.- मुक्तात्मभिः स्वहृदये परिभाविताय ।। इति ।। ગજેન્દ્ર કહે છે કે- હે પ્રભુ ! જે મુક્તાત્માઓ પોતાના હૃદયમાં તમારો સાક્ષાત્કાર કરે છે, એવા તમોને નમસ્કાર કરૂં છું. આ રીતે ભાગવતમાં પરમાત્માનો સાક્ષાત્કાર હૃદયમાં જ બતાવેલો છે. માટે હૃદય જ ધ્યાન કરવા યોગ્ય સ્થાન કહેલું છે.
હવે અહીં કદાચ કોઇને શંકા થાય કે ભક્તો હોય તો તે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન કરે, અહીં સહજાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણને પોતાના ઇષ્ટદેવ સ્વીકારીને ધ્યાન કર્યું, માટે સહજાનંદ સ્વામી પણ એક શ્રીકૃષ્ણના ભક્ત છે. આ રીતે સહજાનંદ સ્વામીને ભક્ત તરીકે સ્વીકારવા એ તદૃન યોગ્ય નથી. કારણ કે શિક્ષાપત્રી લખતી વખતે સહજાનંદ સ્વામીએ ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો છે. ઉપદેષ્ટા હોય તેની પ્રાથમિક્તા હોય છે જે, પ્રથમ પોતે આચરણ કરીને શિષ્યોને શિક્ષણ આપવું. અહીં સહજાનંદ સ્વામીએ શિષ્યોના શિક્ષણને માટે ઉપદેષ્ટાનો ધર્મ સ્વીકાર્યો તેથી એ કાંઇ ભક્ત બની જતા નથી. એતો સાક્ષાત્ ઇશ્વર છે. કેવળ ઉપદેષ્ટા તરીકે મનુષ્યનું પાત્રજ ભજવેલું છે. જેમ રૂપક કરતી વખતે કોઇ હિરણ્યાક્ષનું પાત્ર ભજવે, તેણે કરીને એ કાંઇ હિરણ્યાક્ષ બની જતો નથી, એ તો કેવળ તેનું અનુકરણ કરે છે. જેમ કોઇ શિક્ષક વિદ્યાર્થીઓને શીખડાવવા માટે પાટી ઉપર એકડો ગુંઠે, તેથી તે શિક્ષક કાંઇ વિદ્યાર્થી બની જતો નથી. શિક્ષક શિક્ષકના સ્થાને જ રહે છે, અને વિદ્યાર્થી વિદ્યાર્થીના સ્થાને રહે છે. એજ રીતે ભક્તોને શીખડાવવા માટે સહજાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણનું ધ્યાન કર્યું, તેણે કરીને સહજાનંદ સ્વામી કાંઇ ભક્ત બની જતા નથી. સહજાનંદ તો એક સાક્ષાત્ પૂર્ણાવતાર જ છે. અને અવતાર તથા અવતારીનું અભેદપણું હોવાથી સહજાનંદ સ્વામીને અવતારી પણ કહી શકાય છે. આવો અભિપ્રાય છે. ।।૧।।