लिखामि सहजानंदस्वामी सर्वान्निजाश्रितान् । नानादेशस्थितान् शिक्षापत्रीं वृत्तालयस्थितः ।।२।।
શ્રીજીમહારાજ બીજા શ્લોકમાં પોતાનો પરિચય આપતાં કહે છે કે, વૃત્તાલય પુરમાં રહ્યો એવો સહજાનંદ સ્વામી જે હું, તે જે તે જુદા જુદા દેશો પ્રત્યે રહેલા સર્વે મારા આશ્રિતો પ્રતિ આ શિક્ષાપત્રી લખું છું.
શ્રી ભાષ્યકાર શતાનંદસ્વામી આ શ્લોકનો અભિપ્રાય નિરૂપણ કરતાં કહે છે કે- શ્રીજીમહારાજ જનોના કલ્યાણને માટે જુદા જુદા દેશોમાં વિચરણ કરે છે. કોઇ એક જ સ્થળમાં લાંબો સમય રહેતા નથી, પણ આ શિક્ષાપત્રી લખી એ દરમ્યાન શ્રીજીમહારાજ વૃત્તાલયપુરમાં રહેલા હતા. તેથી અહીં વૃત્તાલયપુરનો ઉલ્લેખ કરેલો છે, એમ સમજવું.
અને વળી આ ગ્રંથ કોણે લખ્યો છે, એ ગ્રંથકર્તાનું પણ વિશેષ જ્ઞાન જો ન હોય તો એ ગ્રંથને વાંચવા સાંભળવામાં બુદ્ધિમાન પુરૂષોની પ્રવૃત્તિ થતી નથી. તેથી શ્રીજીમહારાજે ''सहजानन्दस्वामी'' આવું પ્રસિદ્ધ પોતાનું નામ લખેલું છે.
હવે શતાનંદ સ્વામી ''સહજાનંદ'' શબ્દનો અર્થ કરતાં સમજાવે છે કે- જેની અંદર સહજ આનંદ રહ્યો હોય, તેને કહેવાય સહજાનંદ. સંસારી મનુષ્યોમાં સહજ આનંદ હોતો નથી, પરંતુ હરવા ફરવાના સાધનોથી પ્રાપ્ત થતો કુત્રિમ (બનાવટી) આનંદ હોય છે. પણ પરમાત્માની અંદર તો સ્વસ્વરૂપનો સહજ આનંદ હોય છે. માટે આ શિક્ષાપત્રીની યથાર્થ આજ્ઞાઓનું પાલન કરનારા ભક્તોને સ્વસ્વરૂપનો સહજ આનંદ આપવા માટે શ્રીજીમહારાજે પોતાના અનેક નામોમાંથી અહીં ''सहजानन्दस्वामी'' આવા પોતાના નામનો ઉલ્લેખ કરેલો છે.
હવે અહીં શ્રીજીમહારાજે મારા આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રી લખું છું, આમ કહ્યું, તેથી પોતાના આશ્રિતો સિવાય બીજાને આ શિક્ષાપત્રીમાં અધિકાર નથી એમ નહિ. પરંતુ આ શિક્ષાપત્રીની અંદર માનવમાત્રનો અધિકાર છે. છતાં પણ આ શિક્ષાપત્રીની અંદર રહેલા ધર્મોનો તત્કાળ જ સ્વીકાર કરી લેવામાં પોતાના આશ્રિતોનો મુખ્ય અધિકાર છે, એ જણાવવા માટે ''निजाश्रितान्'' ''મારા આશ્રિતો પ્રત્યે'' આવો ઉલ્લેખ શ્રીજીમહારાજે કરેલો હોય એમ જણાય છે.
હવે અહીં ગઢપુર, વડતાલ, અમદાવાદ, કે ભુજના હરિભક્તો પ્રત્યે આ શિક્ષાપત્રી લખું છું, આવો કોઇ એક દેશનો ઉલ્લેખ નહિ કરીને, જુદા જુદા દેશો પ્રત્યે રહેલા મારા આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રી લખું છું. આમ કહ્યું તેથી એમ જણાય છે કે શ્રીહરિના શિષ્યો ઘણા છે. અને શ્રીહરિનો પ્રતાપ દેશ વિદેશમાં સમુદ્રપર્યન્ત વ્યાપીને રહેલો હોય એમ જણાય છે.
અને વળી આ શિક્ષાપત્રી શ્રીજીમહારાજે કોઇની પાસે લખાવી નથી, પોતે જ જાતે હાથમાં કલમ લીધી છે. એની સ્પષ્ટતા માટે ''लिखामि सहजानन्दस्वामी'' હું પોતે જ લખી રહ્યો છું. આવો અહીં ઉલ્લેખ કરેલો છે. આવો અભિપ્રાય છે. ।।૨।।