શ્લોક ૩ - ૬

भ्रात्रो रामप्रतापेच्छारामयोर्धर्मजन्मनोः । यावयोध्याप्रसादाख्यरघुवीराभिधौ सुतौ ।।३।।

मुकुन्दानन्दमुख्याश्च नैष्ठिका ब्रह्मचारिणः । गृहस्थाश्च मयारामभट्टाद्या ये मदाश्रयाः ।।४।।

सधवा विधवा योषा याश्च मच्छिष्यतां गताः । मुक्तानन्दादयो ये स्युः साधवश्चाखिला अपि ।।५।।

स्वधर्मरक्षिका मे तैः सर्वैर्वाच्याः सदाशिषः । श्रीमन्नारायणस्मृत्या सहिताः शास्त्रसम्मताः ।।६।।


ધર્મદેવ થકી જેમનો જન્મ છે, એવા જે અમારા ભાઇ રામપ્રતાપજી તથા ઇચ્છારામજી, તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર આ બન્ને આચાર્યો તથા મુકુન્દાનંદાદિક નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, તથા મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગીઓ, તથા અમારા શિષ્યપણાને પામેલી સધવા અને વિધવા સર્વે બાઇઓ, તથા મુક્તાનંદાદિક જે સર્વે સાધુપુરૂષો. આ બધા સત્સંગીઓએ પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રોમાં પ્રમાણરૂપ તથા શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત અમારા રૂડા આશીર્વાદ વાંચવા ।।૩-૬।।


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ ચારે શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, શ્રીજીમહારાજ પોતાના સર્વે ભક્તોને આશીર્વાદ આપતાં સહુ પ્રથમ બન્ને આચાર્યોનો ઉલ્લેખ કરેલો છે. સામાન્યપણે આપણે કોઇના ઉપર પત્ર લખીએ ત્યારે ઘરમાં કે કુટુંબમાં જે કોઇ મોટો હોય તેનું નામ પહેલું લખીએ છીએ. તેમ બન્ને આચાર્યોનું સંપ્રદાયમાં પ્રથમ સ્થાન છે. અર્થાત્ સંપ્રદાયરૂપી કુટુંબમાં બન્ને આચાર્યો મોટા છે, ગુરૂ છે, તેથી બન્ને આચાર્યોનું પહેલું નામ શિક્ષાપત્રીમાં લખાયેલું છે એમ જાણવું ।।૩।।


બીજા નંબરમાં શ્રીજીમહારાજે નૈષ્ઠિકબ્રહ્મચારીઓનો ઉલ્લેખ કરેલો છે. બ્રહ્મચર્ય એટલે શું ? અને બ્રહ્મચારી એટલે કોણ ? તથા નૈષ્ઠિકબ્રહ્મચારી એટલે કોણ ? આ બાબત શતાનંદ સ્વામીએ સરસ રીતે સમજાવેલી છે- कर्मणा मनसा वाचा सर्वावस्थासु सर्वदा । सर्वत्र मैथुनत्यागं ब्रह्मचर्यं प्रचक्षते ।। इति कौर्मे ।। હમેશાં સર્વે અવસ્થાઓમાં અને સર્વ જગ્યાએ મન, કર્મ અને વચન વડે મૈથુનનો ત્યાગ કરી દેવો તેને બ્રહ્મચર્ય કહેલું છે. એ બ્રહ્મચર્યનું જે પાલન કરે તેને કહેવાય છે બ્રહ્મચારી. અને મરણ પર્યંત જો બ્રહ્મચર્યનું પાલન કરે તો તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય છે.


હવે અહીં કોઇ પ્રતિવાદી એવી શંકા ઉપસ્થિત કરે છે કે ''दीर्घकालं ब्रह्मचर्यम्'' ।। इति कलिवर्ज्येषूक्तेः ।। લાંબા સમયનું નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રત કલિયુગમાં પાલન કરવું નહિ. આ રીતે નૈષ્ઠિકબ્રહ્મચર્યનો જ કલિયુગમાં નિષેધ કરેલો છે. તો આ યુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ ક્યાંથી હોય ? ન જ હોય. તો પછી અહીં ''નૈષ્ઠિક'' આવા શબ્દનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો છે ? 


આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- કલિયુગમાં નૈષ્ઠિક બ્રહ્મચર્યનો જે નિષેધ કરેલો છે, એતો જેને ભગવાનનું બળ ન હોય, ભગવાનનો જેને આશ્રય ન હોય, અને એજ કારણથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં અસમર્થ હોય, એવા પુરૂષોને માટે નિષેધ કર્યો છે. પણ જેને ભગવાનનો આશ્રય છે, ભગવાનનું બળ છે, એવા પુરૂષો તો કલિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. ભાગવતના પ્રથમ સ્કંધમાં કહેલું છે- किन्नु बालेषु शूरेण कलिना धीरभीरुणा । अप्रमत्तः प्रमत्तेषु यो वृको नृषु वर्तते ।। इति ।। આ શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે- જેમ સાવધાન એવો જે વરૂ છે. એતો, જે પશુ ટોળાંનો આશ્રય રાખે નહિ, એવા એકાકી પશુ ઉપર જ પ્રવર્તે છે. પણ જે પશુ ટોળાંનો આશ્રય રાખે છે, તેના ઉપર વરૂની પ્રવૃત્તિ થતી નથી. તેમ જેને ભગવાનનો આશ્રય ન હોય એવા પુરૂષ ઉપર જ કલિયુગની પ્રવૃત્તિ થાય છે. પણ જેને ભગવાનનો આશ્રય છે, એવા પુરૂષો ઉપર કલિયુગ કાંઇ પણ કરી શકતો નથી. માટે ભગવાનનો જેને આશ્રય છે એતો કલિયુગમાં પણ બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. અને વળી ભક્તોની કામવાસના તો ભક્તિ વડે જ નાશ પામી જાય છે. આ બાબત ભાગવતમાં પ્રતિપાદન કરેલી છે- प्रोक्तेन भक्तियोगेन भजतो मा।सकृन्मुनेः । कामा हृदय्या नश्यन्ति सर्वे मयि हृदि स्थिते ।। इति ।। શ્રીકૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે- હે ઉદ્ધવ ! મારૂં ભજન કરનારા ભક્તના હૃદયમાં હું જ્યારે નિવાસ કરૂં છું, ત્યારે ભક્તના હૃદયની સર્વે કામવાસના નાશ પામી જાય છે. માટે ભગવાનની ભક્તિનું જેને બળ છે, એવા પુરૂષોને કલિયુગમાં પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતની ક્ષતિ થતી નથી.


હવે શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી ગૃહસ્થ શબ્દની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- ''ગૃહ'' એટલે પત્ની, પત્નીની સાથે જે રહે તેને ગૃહસ્થાશ્રમી કહેવાય છે. પણ બંગલો બનાવીને તેની અંદર રહેનારો ગૃહસ્થ કહેવાતો નથી. ।।૪।।


હવે ગૃહસ્થોના ઉલ્લેખ પછી ચોથા નંબરે શ્રીજી મહારાજે સધવા અને વિધવા બહેનોનો ઉલ્લેખ કરેલો છે. પતિની સાથે જે સ્ત્રી રહેતી હોય તેને સધવા સ્ત્રી કહેવાય છે. અને જેનો પતિ મૃત્યુ પામી ગયો હોય તેને વિધવા સ્ત્રી કહેવાય છે.


આ શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે બ્રહ્મચારીઓમાં મુકુન્દ બ્રહ્મચારીના નામનો મુખ્યપણે નિર્દેશ કરેલો છે. ગૃહસ્થોમાં મયારામ ભટ્ટનો મુખ્યપણે ઉલ્લેખ થયો છે. અને સંતોમાં મુક્તાનંદ સ્વામીના નામનો મુખ્યપણે ઉલ્લેખ થયો, પણ સધવા અને વિધવા સ્ત્રીઓને મધ્યે કોઇ પણ એક સ્ત્રીના નામનો મુખ્યપણે ઉલ્લેખ કરેલો નથી. તેનું કારણ શતાનંદ સ્વામી સમજાવે છે કે સધવા અને વિધવા સ્ત્રીઓની શાસ્ત્રોમાં પરતંત્રતા બતાવેલી છે. એજ કારણથી અહીં સ્ત્રીઓને મધ્યે કોઇ એક સ્ત્રીના નામનો મુખ્યપણે ઉલ્લેખ કર્યો નથી. અને જે પરતન્ત્ર હોય તેનું નામ પાછળ મૂકવામાં આવે છે. જેમ પિતાની આગળ પુત્રની પરતંત્રતા કહેલી છે, તેથી કોઇપણ પ્રસંગમાં પિતાનું નામ મોખરે હોય છે, અને પાછળ પુત્રનો સમાવેશ હોય છે. એજ રીતે સ્ત્રીઓ પરતન્ત્ર છે. માટે જ અહીં શિક્ષાપત્રીમાં પુરૂષોના નિર્દેશ પછી સ્ત્રીઓના નામનો નિર્દેશ કરેલો છે એમ જાણવું. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે. 


હવે અહીં સર્વથી છેલ્લે શ્રીજીમહારાજે સાધુપુરૂષોનો નિર્દેશ કરેલો છે. साध्नुवन्ति साधयन्ति वा धर्मं परकार्यं वेति साधवः ।। इति ।। ધર્મકાર્ય અથવા પરોપકારનું કાર્ય પોતે સાધે અને બીજાને સધાવે તેને સાધુપુરૂષો કહેલા છે. અહીં સંતોને શ્રીજીમહારાજે સર્વથી પાછળ યાદ કર્યા છે, એનું કારણ શતાનંદ સ્વામી સમજાવતાં કહે છે કે, આ સત્સંગની સંપૂર્ણ જવાબદારી શ્રીજીમહારાજે આચાર્ય અને સંતો ઉપર મૂકેલી છે. આ બન્ને તમામ સત્સંગને સાચવનારા છે. તેથી આચાર્ય સૌથી આગળ અને સંતો સહુથી પાછળ રહીને સત્સંગીઓ ઉપર દેખરેખ રાખે છે. અને વળી સંતોને સ્વધર્મમાં વિક્ષેપ કરનાર વ્યાવહારિક કાર્યોમાં આસક્તિનો અભાવ હોય છે. તેથી મોટે ભાગે સંતો ધર્મનિષ્ઠ જ હોય છે. આ કારણે શ્રીજીમહારાજે ધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદ આપવા માટે સંતોને છેલ્લે સંભારેલા હોય એમ જણાય છે. ।।૫।।


આ રીતે શ્રીજીમહારાજે તમામ ભક્તજનોને સંભારીને આશીર્વાદ આપેલા છે કે, શ્રીકૃષ્ણ ભગવાન સર્વે ભક્તોને એવી આત્મશક્તિ આપે કે જેથી આ શિક્ષાપત્રીમાં રહેલા ધર્મોનું સરળતાથી પાલન થઇ શકે. શતાનંદ સ્વામી સમજાવે છે કે, શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણ ભગવાનને સંભારીને જે આશીર્વાદ આપેલા છે. તે ભક્તોને એવું સૂચવે છે કે, ભગવાનને સંભારીને જો આશીર્વાદ આપવામાં આવે તો પોતાની અંદર રહેલા અહંકારનો નાશ થાય છે. અને એ આશીર્વાદ ફળે છે. પણ જો અહંકારથી (હું કહું છું ને, જા તારૂં સારૂં થશે. આવા અહંકારથી) આપવામાં આવે તો એ આશીર્વાદો કદીપણ સફળદાઇ થતા નથી, આ રીતે શ્રીજીમહારાજે ભક્તોને શીખામણ આપેલી છે. અને જે શ્રીજીમહારાજે આશીર્વાદો આપ્યા છે. એ તમામ શાસ્ત્રોને માન્ય છે. કારણ કે શાસ્ત્રોમાં સ્વધર્મનું રક્ષણ કરવું એ જ સર્વસુખનું મૂળ કહેલું છે. सुखमेवेप्सितं लोके सर्वेषामपि देहिनाम् । तन्मूलं तु स्मृतो धर्मः तं रक्षेद्यत्नत    स्ततः ।। इति ।। શાસ્ત્રોમાં પુત્રનું રક્ષણ થાય, કે ધનનું રક્ષણ થાય કે સ્ત્રીનું રક્ષણ થાય તેને સર્વે સુખનું મૂળ બતાવેલું નથી. સર્વે સુખનું મૂળ તો ધર્મના રક્ષણને જ બતાવેલું છે. સ્મૃતિમાં કહેલું છે કે- આ લોકમાં સર્વે પ્રાણીઓને સુખ જ ઇચ્છિત છે. દુઃખ કોઇને પણ જોઇતું નથી. સર્વે પ્રાણીઓ સુખને શોધે છે. પણ સુખનું મૂળ તો ધર્મ કહેલ છે. માટે પ્રયત્ન પૂર્વક ધર્મનું રક્ષણ કરવું જોઇએ.આ રીતે સ્મૃતિએ ધર્મના રક્ષણને સર્વે સુખોનું કારણ બતાવેલ છે. માટે જ શ્રીજીમહારાજે આપેલા સ્વધર્મનું રક્ષણ કરનારા આશીર્વાદ શાસ્ત્રમાન્ય છે. અને આ રીતે પત્ર લખતી વખતે જે આશીર્વાદ આપવા એ શિષ્ટાચારની રીતિ કહેલી છે. ।।૬।।