एकाग्रेणैव मनसा पत्रीलेखः सहेतुकः । अवधायो।यमखिलैः सर्वजीवहितावहः ।।૭।।
અને હેતુએ સહિત આ શિક્ષાપત્રીનો લેખ સર્વે ભક્તોએ એકાગ્ર મન વડે ધારણ કરવો, અને આ શિક્ષાપત્રીનો જે લેખ છે, તે સર્વે જીવોનું હિતને કરનારો છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, જે આ શિક્ષાપત્રી શ્રીજીમહારાજે લખી છે, એ સર્વે જીવોના હિતને માટે છે. માટે આ શિક્ષાપત્રીને એકાગ્ર મન વડે વાંચવી અને સાંભળવી. કોઇપણ કાર્યની અંદર મનની એકાગ્રતા અતિ આવશ્યક છે. મનની એકાગ્રતા વિના કોઇપણ કાર્ય સિધ્ધ થઇ શક્તું નથી. બીજાં વ્યાવહારિક કાર્યોમાં આસક્ત એવાં મન વડે જો આ શિક્ષાપત્રીનું શ્રવણ કરેલું હોય કે વાંચન કરેલું હોય, તો એ નહિ સાંભળ્યા સમાન અને નહિ વાંચ્યા સમાન છે. શ્રુતિમાં પ્રતિપાદન કર્યું છે કે- अन्यत्रमना।भूवंना।दर्शम्, अन्यत्रमना।भूवं नाश्रौषम् ।। इति ।। કોઇએ પ્રશ્ન કર્યો કે આ માણસને તમે જોયો ? ત્યારે તેના ઉત્તરમાં કહેલું છે કે, મારૂં મન બીજે હતું તેથી હું જોઇ શક્યો નહિ. અથવા મારૂં મન બીજે હતું તેથી હું સાંભળી શક્યો નહિ. આ ઉપરથી એ સાબિત થાય છે કે મનુષ્ય મન વડે જ જોઇ શકે છે, અને મન વડે જ સાંભળી શકે છે. કારણ કે જ્યાં સુધી મન ઇંદ્રિયોને અનુસરે નહિ, ત્યાં સુધી ઇન્દ્રિયો પોતપોતાના વિષયો ગ્રહણ કરી શક્તી નથી. અર્થાત્ મનની જ્યાં સુધી પ્રસન્નતા ન હોય, ત્યાં સુધી ઇન્દ્રિયોને વિષયોનું સ્પષ્ટ જ્ઞાન થતું નથી. માટે જ આ શિક્ષાપત્રીને એકાગ્ર મન વડે ધારણ કરવી, આવો શ્રીહરિનો અભિપ્રાય છે.
અને શ્રીજીમહારાજે આ શિક્ષાપત્રી લખી છે, એ સર્વે જીવોનું હિત કરનારી છે. વાસ્તવમાં તો જે શિક્ષાપત્રીની આજ્ઞા પાળે, તેનું કલ્યાણ તો થાય જ, પરંતુ આ શિક્ષાપત્રીની આજ્ઞા પાળનાર ભક્તના સંબન્ધમાં જો કોઇ આવે, તો તેનું પણ કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે, અમારા ભક્તના ગોળાનું જે કોઇ પાણી પીશે, તેનું પણ અમો કલ્યાણ કરીશું. આ રીતે એકાન્તિક ભક્તોના સંબંધથી બીજા જીવોનું પણ કલ્યાણ થાય છે. માટે આ શિક્ષાપત્રી આડકતરી રીતે (પરંપરાએ) સર્વ જીવોનું હિત કરનારી છે. અને સીધી રીતે જે આ શિક્ષાપત્રીની આજ્ઞા પાળતા હોય એવા ભક્તનું જ કલ્યાણ કરનારી છે. શતાનંદ સ્વામી સમજાવે છે કે, આ શ્લોકમાં ''હેતુએ સહિત શિક્ષાપત્રી ધારણ કરવી'' આમ શ્રીજીમહારાજે કહ્યું, તો એ હેતુ કયા ? તો એ હેતુ હવે પછીના બે શ્લોકમાં શ્રીજીમહારાજ બતાવે છે. ।।૭।।