શ્લોક ૮ - ૯

ये पालयन्ति मनुजाः सच्छास्त्रप्रतिपादितान्   । सदाचारान् सदा तेत्र परत्र महासुखाः  ।।।।

तानुल्लङ्घयात्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धयः  ।  इहामुत्र    महल्लभन्ते  कष्टमेव हि   ।।।।


શ્રીજીમહારાજે શિક્ષાપત્રી લખતાં બે હેતુઓ બતાવેલા છે. જે મનુષ્યો સચ્છાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા સદાચારોનું પાલન કરે છે, તે મનુષ્યો આલોકમાં અને પરલોકમાં મહાસુખીઆ થાય છે. (આ એક હેતુ) અને કુબુદ્ધિવાળા જે મનુષ્યો સચ્છાસ્ત્રોમાં કહેલા અહિંસાદિક સદાચારોનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુંસાર વર્તન કરે છે તે મનુષ્યો તો આ લોકમાં અને પરલોકમાં મહાદુઃખિયા થાય છે. (આ બીજો હેતુ) ।।૮-૯।।


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ બે શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- સુખનું મૂળ ધર્મ કહેલો છે. તેથી ધર્મનું રક્ષણ કરનારા મનુષ્યો આલોકમાં અને પરલોકમાં બ્રહ્માદિકના સુખ કરતાં પણ અધિક મહાસુખીઆ થાય છે. એ હેતુથી આ શિક્ષાપત્રીની અંદર રહેલા ધર્મનું યથાર્થ પાલન કરવું. આ પહેલો હેતુ છે. ।।૮।। 

અને વળી જે પુરૂષો સદાચારનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર વર્તન કરે છે, તે પુરૂષો જેનું વર્ણન ન થઇ શકે એવા અનિર્વચનીય દુઃખને પામે છે. ભગવદ્ગીતામાં પણ કહેલું છે કે- यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ।। इति ।। જે પુરૂષો શાસ્ત્રની મર્યાદાનો તિરસ્કાર કરીને ઇચ્છાનુસાર આચરણ કરે છે, તે પુરૂષો આલોકને વિષે કોઇ પણ પ્રકારની સિદ્ધિ અને સુખને પામતા નથી, અને મહાદુઃખીયા થાય છે. તેમજ પરલોકમાં સારી ગતિને પામતા નથી. ભાગવતમાં પણ કહેલું છે કે यदसौ शास्त्रमुल्लङ्घय स्वैराचार्यार्यगर्हितः अवर्तत चिरं कालमघायुरशुचिर्मलात् ।। આ ભાગવતના શ્લોકમાં પ્રતિપાદન કરેલું છે કે, અજામેલનો જ્યારે મૃત્યુ સમય પ્રાપ્ત થયો છે, ત્યારે અજામેલને લેવા માટે યમના દૂતો આવેલા છે. એ યમના દૂતોને જોઇને ભય પામેલા અજામેલે પુત્રના યોગે નારાયણના નામનું ઉચ્ચારણ કરેલું છે. તેથી તત્કાળ જ વિષ્ણુના પાર્ષદો હાજર થયા છે. યમના દૂતો અને વિષ્ણુના પાર્ષદોનો સંવાદ થયો છે, તેમાં વિષ્ણુના પાર્ષદો કહે છે કે, આ અજામેલે નારાયણનું નામ લીધેલું છે, તેથી આ અજામેલ અમારો છે. અને યમના દૂતો કહે છે કે, આ અજામેલે શાસ્ત્રોનું ઉલ્લંઘન કરીને ઇચ્છાનુસાર આચરણ કરેલું છે, અને જીવનપર્યંત પાપમય આયુષ્ય વ્યતીત કરેલી છે, અને વળી વેશ્યાનું અન્ન ભક્ષણ કરેલું હોવાથી અતિ અપવિત્ર થયેલો છે, અને એ પાપોનું પ્રાયશ્ચિત પણ કરેલું નથી. માટે આ અજામેલને અમો ધર્મરાજા પાસે લઇ જઇશું. કારણ કે આલોકમાં જેને પાપોનું પ્રાયશ્ચિત કરેલું ન હોય તેને ધર્મરાજા દંડ વડે પ્રાયશ્ચિત કરાવીને શુધ્ધ કરે છે. આમ જ્યાં કહેલું છે ત્યાં પણ શાસ્ત્રોની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને જે ઇચ્છા અનુસાર આચરણ કરે છે, એ મહાદુઃખી થાય છે. માટે શ્રીહરિનો અભિપ્રાય એવો છે કે- જો તમો આ બન્ને હેતુઓની સાથે શિક્ષાપત્રીને ધારણ કરશો તો ''મર્યાદાનું પાલન કરનાર મહાસુખીયા થાય છે'' આવા મહા સુખના સ્વાર્થથી અને ''મર્યાદાનો ત્યાગ કરનારા મહા દુઃખી થાય છે'' આવા મહાદુઃખના ભયથી આ શિક્ષાપત્રીની યથાર્થ આજ્ઞાઓનું પાલન થશે જ. માટે આ બન્ને હેતુઓની સાથે એકાગ્ર મન વડે શિક્ષાપત્રીને ધારણ કરવી આવું તાત્પર્ય છે. ।।૯।।