अतो भवद्बिर्मच्छिष्यैः सावधानतयाखिलैः । प्रीत्यैतामनुसृत्यैव वर्तितव्यं निरन्तरम् ।।१०।।
એજ કારણથી સમગ્ર મારા શિષ્યો હોય તેમણે સાવધાન થઇને પ્રીતિવડે નિરંતર આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય સમજાવતાં કહે છે કે- જો આપણે સાવધાન ન હોઇએ તો જરૂર ઇન્દ્રિયો કુમાર્ગે ચાલી જાય છે. અને આપણે ધર્મમાર્ગ થકી ભ્રષ્ટ થઇએ છીએ. માટે શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરવામાં સાવધાન રહેવું જોઇએ.
અને વળી આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ પ્રેમથી પાલન કરવી જોઇએ. આજ્ઞાઓનું બે પ્રકારે પાલન થાય છે. એક તો પ્રેમથી અને બીજું ભયથી, અર્થાત્ બળાત્કારે પાલન કરવું પડે છે. જેમ કે ન્યાયાધિશની આજ્ઞા, કે પોલીસની આજ્ઞા કોઇ પ્રેમથી પાલન કરતું નથી. પણ બલાત્ ભયથી જ પાલન કરવી પડે છે. પણ આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું જો હું પાલન કરીશ, તો મને મહાસુખની પ્રાપ્તિ થશે. આવા ઉત્સાહથી શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પ્રેમથી પાલન કરવું. અને વળી એક દિવસ કે બે દિવસ નહીં, પરંતુ જ્યાં સુધી શરીરમાં પ્રાણ અને શરીરની સ્મૃતિ હોય ત્યાં સુધી નિરંતર સાવધાન થઇને પ્રેમથી શિક્ષાપત્રીને અનુસારે વર્તવું, આવો શ્રીહરિનો અભિપ્રાય છે. ।।૧૦।।