कस्यापि प्राणिनो हिंसा नैव कार्या।त्र मामकैः । सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्धया कदाचन ।।११।।
અને અમારા આશ્રિતો હોય તેમણે, કોઇપણ જીવપ્રાણીમાત્રની હિંસા ન કરવી; અને જાણી જોઇને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ ઇત્યાદિક જીવની પણ હિંસા ક્યારેય કરવી નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- મન, કર્મ અને વચનથી કોઇનો અપકાર કરવો નહિ, કોઇને કષ્ટ આપવું નહિ. તેને શાસ્ત્રોએ અહિંસા કહેલી છે. અહિંસા વ્રતતો અતિ સૂક્ષ્મ અને ગહન છે. હિંસા કર્યા વિના તો આ સંસારમાં કોઇ ભોગજન્ય પદાર્થોની પ્રાપ્તિ પણ થતી નથી. શારીરિક કોઇપણ કર્મ કરતી વખતે હિંસા તો થતી જ હોય છે. હિંસાનો મુખ્ય સ્રોત બુદ્ધિ છે. બુદ્ધિ કોઇપણ વસ્તુનો નિર્ણય કરીને વચન તથા કર્મમાં મનને પ્રવૃત કરે છે. બુદ્ધિમાં જેવો નિશ્ચય થાય છે એ પ્રમાણે મન, શરીરને અને વાણીને પ્રવર્તાવે છે. તેથી જ્યારે સંપૂર્ણ સાત્વિક બુદ્ધિ થાય, ત્યારે જ સૂક્ષ્મ હિંસાથી બચી શકાય છે. શતાનંદ સ્વામી સમજાવે છે કે- જીવપ્રાણીમાત્રની હિંસા કરવી નહિ. તેમાં કદાચ કોઇ એમ સમજી બેસે કે શ્રીજીમહારાજે હિંસાનો નિષેધ કરેલો છે, એતો બકરાં મૃગલાં આદિ મોટાં પ્રાણીઓની હિંસાનો નિષેધ કર્યો છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- આવી મોટી હિંસા કરતા હોય એતો આ શિક્ષાપત્રીને લાયક જ કહેવાય નહિ. માટે શ્રીહરિ કહે છે કે, મારા આશ્રિતોએ જાણી જોઇને મચ્છર, માંકડ આદિક સૂક્ષ્મ જીવની પણ ક્યારેય હિંસા કરવી નહિ. અજાણતાં જો થઇ જાય તો ભક્તના વ્રત અને તપાદિકના પુણ્યથી એ પાપનો નાશ થઇ જાય છે, પણ જાણી જોઇને કરેલાં પાપો ક્યારેય પણ નાશ પામતાં નથી.
શાસ્ત્રોમાં અજાણતાં થયેલાં પાપોનો જ પ્રાયશ્ચિત વિધિ બતાવેલો છે. જેમ કે- कृत्वा पापं पूर्वमबुद्धिपूर्वं पुण्यानि चेत् कुरुते बुद्धिपूर्वम् । स तत्पापं नूदते धर्मशीलो वासो यथा मलिनं क्षारयुक्त्या ।। इति ।। આ શ્લોકમાં વ્યાસ ભગવાન કહે છે કે- પુરૂષ પ્રથમ અજાણતાં કોઇ પાપ કરી નાખેલું હોય, અને પછી જ્યારે ખબર પડે, ત્યારે પશ્ચાતાપ પૂર્વક તે પાપના નિવારણને માટે જો કાંઇક પુણ્ય કરે, તો તે પુરૂષ એ પાપને દૂર કરી શકે છે. જેમ મલિન વસ્ત્ર પાવડર વડે કે સાબુન વડે શુદ્ધ થઇ શકે છે. તેમ અજાણતાં કરેલું પાપ જ પ્રાયશ્ચિત વડે દૂર થઇ શકે છે. પણ જાણીજોઇને કરેલું પાપ તો પ્રાયશ્ચિત વડે પણ દૂર થઇ શકતું નથી. આ વિષયમાં યાજ્ઞાવલ્ક્ય ઋષિનું વચન પ્રમાણરૂપ છે.- प्रायश्चितैरपैत्येनो यदज्ञाानकृतं भवेत् । कामतो व्यवहार्यस्तु वचनादिह जायते ।। इति ।। યાજ્ઞાવલ્ક્ય કહે છે કે- અજાણતાં કરેલું પાપ જ પ્રાયશ્ચિત વડે દૂર થાય છે. જાણી જોઇને કરેલું પાપ તો પ્રાયશ્ચિત વડે પણ દૂર થતું નથી. પરંતુ જાણી જોઇને કરેલાં પાપમાં તો પ્રાયશ્ચિત આપનારા પુરૂષના વચનના બળથી એ પાપી પુરૂષ આલોકમાં વ્યવહારને યોગ્ય થાય છે. અર્થાત્ લોકમાં ભળી જાય છે પણ પાપ દૂર થતું નથી.
કદાચ અહીં કોઇને શંકા થાય કે- પાપને લીધે જ એ પાપી મનુષ્ય વ્યવહારને અયોગ્ય બનેલો હતો, અને જાણીને કરેલું પાપ તો નાશ પામતું નથી. તો પાપ નાશ પામ્યા વિના પાપી માણસ વ્યવહારમાં કેવી રીતે ભળી શકે ?
આના ઉત્તરમાં શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- પાપની બે શક્તિ છે. એક તો નરક ઉત્પન્ન કરનારી, અને બીજી વ્યવહારને રોકનારી. તેમાં જાણીને કરેલાં પાપમાં નરકને ઉત્પન્ન કરનારી શક્તિનો નાશ થતો નથી. છતાં પણ વ્યવહારને રોકનારી શક્તિનો તો નાશ થઇ જાય છે. અર્થાત્ આલોકમાં એ વ્યવહારમાં ભળી જાય છે. પણ જાણીને કરેલું પાપ પુણ્યથી ઠેલાતું નથી. અને પ્રાયશ્ચિત કરનારો પુરૂષ બન્નેનાં ફળને જુદાં જુદાં ભોગવે છે. આ વિષયમાં પરાશરગીતાનું વાક્ય પ્રમાણરૂપ છે. अज्ञाानाद्धि कृतं पापं तपसैवाभिनिर्नुदेत् । बुद्धया कृत्वा तु यः पापं शुभमेवा।नुतिष्ठति ।। प्रायश्चितं नरः कृत्वा उभयं सो।श्नुते पृथग् ।। इति ।। પરાશર ઋષિ કહે છે કે- અજાણતાં કરેલું પાપ તપ વડે દૂર થાય છે. પણ જે માણસ જાણીને પાપ કરે છે, અને પછી એ પાપને દૂર કરવા માટે પુણ્ય કરે છે. તો એ પાપી માણસ પાપ અને પુણ્ય આ બન્નેનાં ફળો જુદાં જુદાં ભોગવે છે. પ્રથમ જે પાપ કરેલું હોય, તેનું ફળ નરક ભોગવે છે અને નરકને ભોગવી લીધા પછી પાપને ઠેલવા માટે જે પુણ્ય કરેલું હોય, એ પુણ્યનું ફળ સુખ ભોગવે છે. પણ જાણીને કરેલાં પાપો પુણ્યથી ઠેલાતાં નથી. માટે બુદ્ધિપૂર્વક પાપાચરણ સર્વ પ્રકારે ક્યારેય પણ કરવું નહિ, આવું તાત્પર્ય છે. ।।૧૧।।