देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम् । न कर्तव्यमहिंसैव धर्मः प्रोक्तोस्ति यन्महान् ।।१२।।
મારા આશ્રિત હોય તેમણે દેવતા અને પિતૃઓના યજ્ઞાને માટે પણ બકરા, મૃગલા, સસલા આદિક જીવની હિંસા કરવી નહિ. કારણ કે શાસ્ત્રોમાં અહિંસા છે એજ મોટામાં મોટો ધર્મ કહ્યો છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં કહે છે કે- કોઇ જગ્યાએ શાસ્ત્રોના નામે દેવોની આગળ હિંસા થતી હોય છે, તો કોઇ જગ્યાએ દેવોના યજ્ઞામાં પણ હિંસા થતી હોય છે. તથા પિતૃઓના નામે શ્રાદ્ધમાં પણ હિંસા થતી હોય છે. શ્રીહરિ કહે છે, આવી હિંસા પણ ન કરવી. યજ્ઞામાં નહિ, કોઇ દેવ દેવી સમક્ષ નહિ, અને શ્રાદ્ધમાં પણ નહિ. કારણ કે અહિંસા છે એ જ મોટો ધર્મ છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી સમજાવે છે કે- વેદોમાં કોઇક જગ્યાએ ''યજ્ઞામાં હિંસા કરવી.'' આવો હિંસાનો જે આભાસ છે, એતો કેવળ હિંસાના સંકોચને માટે છે. કોઇ વ્યક્તિ જ્યાં ને ત્યાં બહુ હિંસા કરતો હોય, તેને અટકાવવા માટે છે. પણ નાસ્તિકો અને માંસ ભક્ષણમાં આસક્ત એવા પુરૂષો વેદોનો શું સિદ્ધાન્ત છે, તેને સમજ્યા વિના તદૃન ખોટી રીતે હિંસા પ્રવર્તાવેલી છે. બાકી વિધિરૂપે વેદ કે શાસ્ત્રોમાં કોઇપણ જગ્યાએ હિંસાનું પ્રતિપાદન નથી. કેવળ સંકોચરૂપે જ ક્યાંક જ હિંસાનું પ્રતિપાદન છે. આ વિષયમાં ભાગવતશાસ્ત્ર પ્રમાણરૂપ છે- लोके व्यवायामिषमद्यसेवा नित्यास्तु जन्तो र्न हि तत्र चोदना । व्यवस्थितिस्तेषु विवाहयज्ञासुराग्रहैरासु निवृत्तिरिष्टा ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- આ લોકમાં મૈથુન કરવું, માંસ ભક્ષણ કરવું અને દારૂનું પાન કરવું આ ત્રણ બાબતમાં કોઇને પણ આજ્ઞા કરવી પડતી નથી. એતો આસક્તિથી મનુષ્યોમાં નિત્ય પ્રવર્તેલ છે. આની જ્યાં ત્યાં અને જેમ તેમ બહુ પ્રવૃત્તિ થતાં વેદોએ મર્યાદા બાંધી છે કે સંતાનોત્પત્તિને માટે વિવાહ કરીને મૈથુન કરવું, પણ જ્યાં ત્યાં નહિ. અને માંસ ભક્ષણ કરવામાં બહુ આસક્તિ હોય, અને કોઇપણ પ્રકારે રહી શકાય નહિ, તો અશ્વમેધ યજ્ઞા કરીને માંસ ભક્ષણ કરવું. કારણ કે અશ્વમેધ યજ્ઞા તો રાજા તથા ધનવાન સિવાય સામાન્ય મનુષ્યોથી થઇ શકે નહિ. તેથી આવા નિયમો વડે સામાન્ય મનુષ્યોમાંથી માંસ ભક્ષણની પ્રવૃત્તિ અટકી જાય છે. અને દારૂનું પાન કરવામાં અતિ આસક્તિ હોય, કોઇપણ પ્રકારે રહી શકાય નહિ, તો સૂત્રામણી યજ્ઞા કરીને દારૂનું પાન કરવું. આ રીતે મર્યાદા બાંધીને વેદોએ વધી ગયેલી પ્રવૃત્તિમાં નિવૃત્તિ જ ઇચ્છેલી છે. અર્થાત્ સંકોચ કરાવેલો છે. પણ હિંસા કરવી જ, દારૂનું પાન કરવું જ, એવો કોઇ વેદનો સિદ્ધાન્ત નથી. આ રીતે ભાગવતમાં વર્ણવેલું છે.
પ્રતિવાદી અહીં શંકા કરે છે. કે હિંસા કરવાની મનાઇ કરો છો તો પછી યજ્ઞા કેવી રીતે કરી શકાય ? વેદમાં તો ''अजेन यजेत'' અજ વડે યજ્ઞો કરવા, આવો વિધિ બતાવેલો છે. શતાનંદ સ્વામી આનો ઉત્તર આપતાં કહે છે કે- અજ વડે યજ્ઞો કરવા એવો જે વિધિ બતાવેલો છે, એ વિધિમાં અજ શબ્દનો અર્થ ડાંગર થાય છે, પણ બકરો નહિ. આ વિષયમાં ધનંજયનું વાક્ય છે કે- ''अजस्त्रैवार्षिको व्रीहिः ।। इति ।। ત્રણ વર્ષ જેમને વિતી ગયાં હોય, અને વાવીએ તો પણ ઉગે નહિ, આવી જે ડાંગર તેને શાસ્ત્રમાં અજ શબ્દથી કહેલ છે. માટે ડાંગર ઇત્યાદિક હોમદ્રવ્યો વડે યજ્ઞો કરવા, પરંતુ બકરાદિક પ્રાણીઓ વડે કદી પણ યજ્ઞો કરવા નહિ.
અને વળી વેદ તો કદી પણ હિંસા કરવાનું કહે જ નહિ. આ વિષયમાં નારદપંચરાત્રનું વાક્ય પ્રમાણરૂપ છે- श्रुतिर्वदति विश्वस्य जननीव हितं सदा । कस्यापि द्रोहजनकं न वक्ति प्रभुतत्परा ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, વેદો તો જગતની માતા છે. માતા જેમ પોતાના બાળકનું હમેશાં હિત જ કહે, તેમ વેદો પણ સારા વિશ્વનું હમેશાં હિત જ કહે છે. કોઇનો દ્રોહ થાય કે હિંસા થાય એવું વેદો કદી પણ કહે જ નહિ. કારણ કે વેદો પણ પ્રભુપરાયણ છે. અને પરમાત્માનો તો એ અભિપ્રાય છે કે સર્વે પ્રાણીઓને પોતાની માફક જોવાં. જેમ મને સન્માન સારૂં લાગે છે, એમ બીજાને પણ સારું લાગતું હશે. અને જેમ અપમાન મને ખરાબ લાગે છે, તેમ બીજાને પણ અપમાન ખરાબ લાગતું હશે. મને જેમ મરવું ગમતું નથી, તેમ બીજાને પણ મરવું ગમતું નહિ હોય. મને મારૂં જીવન વહાલું લાગે છે, તેમ બીજાને પણ વહાલું લાગતું હશે. આ રીતે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવાં, આ પ્રમાણે ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે. માટે સર્વે પ્રાણીઓને પોતાની પેઠે જોવાં, આવો ભગવાનનો અભિપ્રાય છે. તો જે ઇશ્વરનો અભિપ્રાય હોય, એ જ વેદનો હોય છે. માટે વેદો કદી પણ પ્રાણીઓની હિંસા કરવાનું કહે જ નહિ. માટે કોઇપણ પ્રાણીઓની યજ્ઞાને માટે પણ હિંસા કરવી નહિ.
અને વળી હિંસામય યજ્ઞાનું ફળ તો શાસ્ત્રોમાં બહુ જ ખરાબ બતાવેલું છે. આ વિષયમાં ભાગવતનું વાક્ય પ્રમાણરૂપ છે.- भो भो प्रजापते राजन् पशून् पश्य त्वया।ध्वरे । संज्ञाापितान् जीवसंङ्घान् निर्घृणेन सहस्रशः ।। एते त्वां संप्रतीक्षन्ते स्मरन्तो वैशसं तव । संपरेतमयःकुटैश्छिन्दन्त्युत्थितमन्यवः ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, પ્રાચીન બર્હિષ રાજાએ અનેક હિંસામય યજ્ઞો કરેલા હતા. યજ્ઞો કરી કરીને આ જગતની બધી પૃથ્વીને ચિતરી મૂકેલી હતી. એક વખત જ્યાં યજ્ઞાકુંડ થયેલો હોય, ત્યાં ફરીવાર બીજો યજ્ઞાકુંડ થઇ શકે નહિ. તેથી રાજા પાસે યજ્ઞા માટે જગ્યા રહી નહીં. તેથી વિચાર કરે છે કે, મારે યજ્ઞો કઇ જગ્યાએ કરવા ? આમ જ્યાં વિચારે છે, ત્યાં જ પ્રભુની પ્રેરણાથી નારદમુનિ પધાર્યા. રાજા નારદમુનિને કહે છે કે- હે મુને ! આપ મને જગ્યા બતાવો, મેં યજ્ઞો કરીને સારાયે વિશ્વની પૃથ્વીને ચિતરી મૂકી છે. હવે મારી પાસે જગ્યા નથી.
તે સમયે નારદજી કહે છે કે- તમો કેવા યજ્ઞો કરો છો ? રાજાએ ઉત્તર આપ્યો કે- ''હિંસામય.'' ત્યારે નારદજી કહે છે, ''અરે !!! રાજન્ ! હિંસામય યજ્ઞો કદી થતા હશે ? હિંસામય યજ્ઞાનું ફળ તો તમે જુઓ. !!! તમોએ યજ્ઞામાં નિર્દયપણે મારેલાં હજારે હજાર પશુઓ તમારી રાહ જોઇને આકાશમાં ઉભાં છે. જુઓ ! એ સર્વે પશુઓ તમને બોલાવે છે કે- ''અહીં આવ, અહીં આવ'' તારો બદલો લઇએ. નિર્દય એવો તું, તે નિર્દોષ એવાં અમને મારેલાં છે, માટે અહીં આવ, તને તારા કર્મનું ફળ આપીએ. આ રીતે સર્વે પશુઓ પોકારે છે. માટે હે રાજન્ ! મર્યા પછી તમો જ્યારે પરલોકમાં જશો ત્યારે તમને જોઇને ક્રોધિત થયેલાં બધાં પશુઓ તમારા તલ તલ જેટલા ટુકડા કરી નાખશે. આ રીતે જ્યારે નારદે કહ્યું, ત્યારે રાજાને પણ નારદજીની કૃપાથી આકાશમાં ક્રોધિત થયેલાં પશુઓ દેખાયાં છે. તેથી રાજા અતિ ભયભીત થઇને હિંસામય યજ્ઞો છોડી દીધા હતા. આ રીતે હિંસામય યજ્ઞાનું ફળ અતિશે ખરાબ કહેલું છે.
હવે પ્રતિવાદી શંકા કરે છે કે- પ્રત્યક્ષ પશુને માર્યા વિના ખરીદેલા માંસ વડે યજ્ઞા કરીએ તો શું દોષ છે ? શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે, તેમાં પણ દોષ છે.- પ્રથમ તો માંસ વડે યજ્ઞો થાય જ નહિ. અને ખરીદેલા માંસ વડે યજ્ઞો કરનારો પણ ઘાતકી જ કહેલો છે. માર્કંડેયમુનિએ (૧) એક માંસ લાવનાર, (૨) પશુને મારવા માટે અનુમોદન આપનાર, (૩) માંસના કટકા કરનાર, (૪) ખરીદનાર, (૫) વહેંચનાર, (૬) રાંધનાર, અને (૭) માંસ ખાનાર. આ સાતેયને ઘાતકીની ગણનામાં આવરેલા છે. માટે ખરીદેલા માંસથી પણ યજ્ઞા થાય નહિ, આવું તાત્પર્ય છે.
હવે જેવી રીતે દેવતાઓના યજ્ઞામાં હિંસા કરવી નહિ. એવી જ રીતે પિતૃઓના યજ્ઞામાં કે શ્રાદ્ધમાં પણ હિંસા કરવી નહિ. પિતૃઓ માંસથી કદી પણ તૃપ્ત થતા નથી. આ વિષયમાં ભાગવતની અંદર નારદમુનિનું વચન છે. - न दद्यादामिषं श्राद्धे नाचाद्यात् धर्मतत्त्ववित् । मुन्यन्नैः स्यात् परा प्रीतिर्यथा न पशुहिंसया ।।इति।। નારદજી કહે છે કે, શ્રાદ્ધમાં પિતૃઓને કદીપણ માંસ અર્પણ કરવું નહિ. અને પોતાને માંસનું ભક્ષણ કરવું નહિ. કારણ કે પિતૃઓ મુનિઓનું અન્ન જે સામો, નિવાર, દૂધ અને ઘીથી જેવા પ્રસન્ન અને તૃપ્ત થાય છે, તેવા માંસથી કદીપણ તૃપ્ત થતાં નથી. માટે સહજાનંદ સ્વામીનો અભિપ્રાય એવો છે કે, કોઇપણ ધાર્મિક ક્રિયાની અંદર કોઇપણ પ્રકારની હિંસા કરવી નહિ. સાત્વિકતાથી જ સર્વે ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરવું. ।।૧૨।।