स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्य च वा क्वचित् । मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा ।।१३।।
અને અમારા આશ્રિતો હોય તેમણે સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઇ મનુષ્યનો વધ સર્વપ્રકારે ક્યારેય પણ કરવો જ નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ મનુષ્ય શરીરથી સર્વે પુરૂષાર્થોની પ્રાપ્તિ થાય છે. માટે આ મનુષ્ય શરીરનો જો વધ કરી નાખવામાં આવે તો સર્વે પુરૂષાર્થોનો વધ કર્યો કહેવાય છે.
શાસ્ત્રોમાં મનુષ્યોની હિંસાનાં ત્રણ નિમિત્તો મુખ્યપણે બતાવ્યાં છે. સ્ત્રી, ધન અને રાજ્ય. જોકે આપણે મનુષ્યનો વધ કરીએ અને તેના બદલામાં સ્ત્રીની પ્રાપ્તિ થઇ જતી હોય, અથવા ધન તથા ચક્રવર્તી રાજ્યની પ્રાપ્તિ થતી હોય, તો પણ મનુષ્યનો વધ તો સર્વ પ્રકારે ત્યાજ્ય છે. ક્યારેય પણ કરવો નહિ. કારણ કે- મનુષ્યનો વધ કરનારા મનુષ્યને ફરીવાર મનુષ્ય જન્મની પ્રાપ્તિ થતી નથી. नृत्वं नरकभोगान्ते नृहन्तुर्न पुनर्भवेत् ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે- મનુષ્યનો વધ કરનાર પુરૂષને પ્રથમ નરકની પ્રાપ્તિ થાય છે. અને નરકને ભોગવ્યા પછી પણ ફરીવાર મનુષ્ય જન્મની પ્રાપ્તિ થતી નથી. પરંતુ પશુ-પક્ષીની યોનિને પામે છે. માટે કોઇપણ સ્વાર્થને માટે મનુષ્યનો વધ કરી નાખવો નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૩।।