શ્લોક ૧૨૩

मज्ज्येष्ठावरजभ्रातृसुताभ्यां तु कदाचन । स्वासन्नसम्बन्धहीना नोपदेश्या हि योषितः ।।१२३।।


હવે સર્વ પ્રથમ ધર્મવંશી આચાર્યોના ધર્મો કહીએ છીએ. અમારા મોટાભાઇ એવા રામપ્રતાપના પુત્ર અયોધ્યાપ્રસાદજી, અને નાના ભાઇ એવા ઇચ્છારામના પુત્ર રઘુવીરજી, આ બન્ને આચાર્યોએ પોતાના સમીપ સંબન્ધથી રહિત એવી સ્ત્રીઓને મંત્રોપદેશ તથા ધર્મોપદેશ ક્યારેય પણ કરવો નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- આ સંપ્રદાયમાં બન્ને આચાર્યોનું પ્રધાન સ્થાન છે. બન્ને આચાર્યો સંપ્રદાયના રાજા છે. શાસ્ત્રોમાં કહેલું છે કે- ''राजा कालस्य कारणम्, यथा राजा तथा प्रजा'' ।। इति ।। રાજા જો ધર્મનિષ્ઠ હોય તો પ્રજા પણ ધર્મનિષ્ઠ બને છે. અને રાજા તથા પ્રજા બન્ને જો ધર્મનિષ્ઠ હોય તો કળીયુગમાં પણ સત્યયુગ પ્રવર્તી શકે છે. માટે જ કહેલું છે કે, રાજા એ કાળનો કારણ છે. જેવો રાજા એવું જ વાતાવરણ રાજ્યમાં પ્રવર્તે છે. તેમ બન્ને આચાર્યો પણ સંપ્રદાયના રાજા હોવાથી, આચાર્ય જો ધર્મનિષ્ઠ હોય તો પુરો સંપ્રદાય પણ ધર્મનિષ્ઠ બની શકે છે. સંપ્રદાયની શોભા ધર્મમાં હોય છે. આ એક સંપ્રદાય નહિ, પરંતુ તમામ સંપ્રદાયની જે શોભા છે, અને તમામ સંપ્રદાયનું જે તેજ છે, એ સદાચારોને આધારિત છે. અર્થાત્ ધર્મને આધારિત છે. અને બન્ને આચાર્યો ધર્મની ગાદીના વડા છે. આ ધર્મની ગાદી કોઇ સાધારણ ગાદી નથી. આ ધર્મની ગાદીને રામાનંદ સ્વામી જેવા સમર્થ સદ્ગુરુએ પાવન કરેલી છે. અને આ જ ધર્મની ગાદીને અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ સહજાનંદ સ્વામીએ પાવન કરેલી છે. આવી પવિત્ર ધર્મની ગાદીએ બન્ને આચાર્યો વિરાજમાન છે. તેથી શ્રીજીમહારાજ આચાર્યની પદવીને અધર્મથી રહિત શુદ્ધ બનાવવા માટે કહે છે કે - બન્ને આચાર્યોએ પોતાના સમીપ સંબન્ધથી રહિત એવી સ્ત્રીઓને શ્રીકૃષ્ણમંત્રનો ઉપદેશ કરવો નહિ. તથા ધર્મોપદેશ પણ કરવો નહિ. પોતાની સમીપ સંબન્ધવાળી જે સ્ત્રીઓ હોય, તે સ્ત્રીઓને તો મંત્રોપદેશ તથા ધર્મોપદેશ કરવો.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- બન્ને આચાર્યો કેવળ પોતાના કુટુંબ પુરતા જ ગૃહસ્થની સમાન છે. બાકી તો બન્ને આચાર્યો મહાત્યાગી છે. કારણ કે બન્ને આચાર્યોના તમામ ધર્મો મોટે ભાગે ત્યાગીઓની સમાન વર્ણવેલા છે. માટે બન્ને આચાર્યોએ સમીપ સંબન્ધથી રહિત એવી સ્ત્રીઓનો પ્રસંગ સર્વપ્રકારે છોડી દેવો જોઇએ.


અને જો કોઇ સમીપ સંબન્ધથી રહિત એવી મુમુક્ષુ સ્ત્રી મંત્રદીક્ષા ગ્રહણ કરવા માટે આવે. તો પોતે જેને ઉપદેશ કરેલો છે. એવી પોતાની પત્ની દ્વારા મંત્રોપદેશ કરાવવો, પણ પોતે કરવો નહિ.- ''मात्रा स्वस्रा दुहित्रा वा नाविविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति'' ।। इति ।। ભાગવતમાં કહેલું છે કે- એકાંતસ્થળમાં માતા, બહેન કે દીકરીની સાથે પણ પ્રસંગ રાખવો નહિ. કારણ કે ઇન્દ્રિયો અતિ બળવાન છે. વિદ્વાન પુરુષોને પણ સ્ત્રી તરફ ખેંચી જાય છે. તેથી બન્ને આચાર્યો સમીપ સંબન્ધથી રહિત એવી સ્ત્રીઓને જો પોતે મંત્રોપદેશ કરે, તો પોતાની શિષ્યા બનેલી સ્ત્રીઓના પ્રસંગને કારણે પોતાને સ્વધર્મ થકી ભ્રષ્ટ થવાના પ્રસંગો સર્જાય છે. ''नन्वग्निः प्रमदा नाम घृतकुम्भसमः पुमान् । स्त्रीपुंप्रसङ्ग एतादृक् सर्वत्र त्रासमावह'' ।। इति ।। ભાગવતમાં કહેલું છે કે- સ્ત્રી અગ્નિની સમાન છે અને પુરુષ ઘીના ઘડાની સમાન છે. જેમ અગ્નિની સમીપે ઘી પીગળ્યા વિના રહે જ નહિ. તેમ સ્ત્રીને સમીપે પુરુષ પીગળ્યા વિના રહેતો નથી. અર્થાત્ સ્ત્રીને સમીપે પુરુષ જરૂર વિકારને પામે છે. આ રીતે સ્ત્રી-પુરુષનો પરસ્પર પ્રસંગ સર્વત્ર ભયને આપનારો છે. ગમે તેવો જ્ઞાની હોય છતાં સ્ત્રીઓની સમીપે તેના વિચારો બદલાયા વિના રહેતા નથી. માટે બન્ને આચાર્યોએ ધર્મની ગાદીને અધર્મથી રહિત શુદ્ધ રાખવા માટે દૂર સંબન્ધવાળી સ્ત્રીઓને મંત્રદીક્ષા આપીને પોતાની શિષ્યા બનાવવી નહિ. કારણ કે શિષ્યા બનેલી સ્ત્રીના પ્રસંગ થકી ગુરૂને સ્વધર્મ થકી ભ્રષ્ટ થવાના પ્રસંગો સર્જાય છે. માટે બન્ને આચાર્યોએ સાવધાન રહીને કેવળ પુરુષને જ મંત્ર દીક્ષા આપવી. અને સ્ત્રીઓમાં સમીપ સંબન્ધવાળી સ્ત્રીઓને જ મંત્રદીક્ષા આપવી. અને વળી આ મર્યાદા દાદા ધર્મદેવે જ બાંધેલી છે. માટે બન્ને આચાર્યોએ આ મર્યાદા અવશ્ય પાલન કરવી જ જોઇએ, આવો અભિપ્રાય છે. ।।૧૨૩।।