न स्पष्टव्याश्च ताः क्वापि भाषणीयाश्च ता नहि । क्रौर्यं कार्यं न कस्मिंश्चिन्न्यासो रक्ष्यो न कस्यचित् ।।
અને વળી બન્ને આચાર્યોએ સમીપ સંબન્ધથી રહિત એવી સ્ત્રીઓનો ક્યારેય પણ સ્પર્શ કરવો નહિ, અને તેની સાથે બોલવું પણ નહિ. અને કોઇ જીવને વિષે ક્રૂરપણું કરવું નહિ, અને કોઇની થાપણ રાખવી નહિ. ।।૧૨૪।।
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- જેમ ત્યાગીઓને સર્વે સ્ત્રીઓના પ્રસંગનો સર્વપ્રકારે ત્યાગ કરી દેવો જોઇએ. તેમ બન્ને આચાર્યોએ પોતાના કુટુંબની સ્ત્રીઓને છોડીને બીજી સર્વે દૂર સંબન્ધવાળી સ્ત્રીઓના પ્રસંગનો સર્વપ્રકારે ત્યાગ કરી દેવો જોઇએ, આવું તાત્પર્ય છે.
અને વળી બન્ને આચાર્યોએ કોઇપણ પ્રાણી ઉપર ક્રૂરપણું કરવું નહિ. અર્થાત્ નિર્દય થવું નહિ. કારણ કે આચાર્ય એ પ્રજાના ગુરૂ છે. તેથી ગુરૂ હમેશાં દયાવાન હોવા જોઇએ. ''गुरवो हि दयालवः'' ।। इति स्मृति ।। આ સ્મૃતિની અંદર કહેલું છે કે- ગુરૂઓ હમેશાં જીવપ્રાણીમાત્ર ઉપર દયા રાખનારા હોવા જોઇએ. માટે બન્ને આચાર્યોએ કોઇ અજ્ઞાની જીવો કદાચ પોતાનો અપરાધ કરી નાખે, છતાં પણ તેમના ઉપર દયા રાખવી, પણ તેમના ઉપર દ્વેષ રાખવો નહિ. કોઇ પોતાનો શત્રુ હોય તેના ઉપર પણ ક્રૂરતા કરવી નહિ. અર્થાત્ શત્રુની સામે પણ શત્રુતાનો ત્યાગ કરીને મિત્રની પેઠે રહેવું. અને વળી બન્ને આચાર્યોએ કોઇનું પણ થાપણ રાખવું નહિ. કોઇ પોતાથી પરિચિત વ્યક્તિ હોય કે અપરિચિત હોય, કોઇપણ વ્યક્તિની થાપણની વસ્તુ પોતાની પાસે રાખવી નહિ. કારણ કે થાપણની વસ્તુ કજીયાનું મૂળ કહેલું છે. જો એ થાપણની વસ્તુમાં પોતાને મોહ ઉત્પન્ન થાય, અને પાછી ન આપે તો કજીયો થાય. અને જેની થાપણની વસ્તુ પોતે સાચવેલી હોય, એ વ્યક્તિનું કદાચ મૃત્યુ થઇ જાય, અને તેના પાછળ કોઇ વારસદાર હોય તો તેના થકી પણ ક્યારેક આપત્તિના પ્રસંગો સર્જાય છે. આ પ્રમાણે થાપણની વસ્તુ સર્વપ્રકારે કજીયાનું મૂળ કહેલું છે, આવો ભાવ છે. ।।૧૨૪।।