શ્લોક ૧૨૫

प्रतिभूत्वं न कस्यापि कार्यं च व्यावहारीके । भिक्षयापदतिक्रम्या न तु कार्यमृणं क्वचित् ।।१२५।।

અને બન્ને આચાર્યો હોય તેમણે, વ્યવહાર કાર્યને વિષે કોઇનું પણ જામીનપણું કરવું નહિ. અને કોઇ આપત્કાળ આવી પડે તો ભિક્ષા વડે નિર્વાહ કરીને આપત્કાળને ઉલ્લંઘવો, પણ કોઇનું કરજ તો ક્યારેય પણ કરવું નહિ.


શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- બન્ને આચાર્યો હોય તેમણે ખરીદવું, વેચવું, લેવું, દેવું ઇત્યાદિક સમગ્ર વ્યાવહારિક કાર્યને વિષે પોતાના કે પારકા કોઇપણ પુરુષનું જમાનગરુ કરવું નહિ. કેમ કે જામીનપણામાં કારણ વિના મોટા ક્લેશની પ્રાપ્તિ થાય છે. માટે બન્ને આચાર્યોએ કોઇપણ વ્યાવહારિક કાર્યમાં જામીન પડવું નહિ, અર્થાત્ કોઇનું પ્રતિનિધિ બનવું નહિ, આવું તાત્પર્ય છે.


અને વળી દેવ ઇચ્છાથી ક્યારેક પોતાના ધન અથવા ધાન્યાદિકનું હરણ થઇ જાય ઇત્યાદિક જ્યારે આપત્કાળ આવી પડે, ત્યારે બન્ને આચાર્યો હોય તેમણે, બ્રાહ્મણોને માટે વિધાન કરેલી ભિક્ષાવૃત્તિથી જ એ આપત્કાળને દૂર કરવો. પણ કોઇ પાસેથી ધન ગ્રહણ કરીને ઋણ ક્યારેય પણ કરવું નહિ. કારણ કે ઋણ અતિ દુઃખરૂપ કહેલું છે. ''नाधमर्ण्यसमं दुःखं गृहिणामिह किञ्चन'' ।। इति ।। સ્કંદપુરાણમાં કહેલું છે કે ગૃહસ્થાશ્રમી પુરુષોને ઋણની સમાન બીજું કોઇ પણ દુઃખ નથી. અર્થાત્ ગૃહસ્થાશ્રમી પુરુષોને ઋણ અતિ બોજારૂપ કહેલું છે. તેથી ઋણને અતિ દુઃખરૂપ શાસ્ત્રોમાં બતાવેલું છે. ''पञ्चमे।हनि षष्ठे वा शाकं पचति यो गृहे । अनृणी चाप्रवासी च स वारिचर मोदते'' ।। इति ।। મહાભારતમાં યક્ષે યુધિષ્ઠિર રાજાને પ્રશ્ન પુછેલો છે કે, આ લોકમાં કોણ આનંદને પામે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં યુધિષ્ઠિર રાજાએ કહેલું છે કે, જે પુરુષ પોતાના ઘરમાં પાંચમે કે છઠ્ઠે દિવસે કેવળ શાક બનાવીને જમતો હોય પણ તેના ઉપર ઋણનો બોજો ન હોય, અને તેને જો પ્રવાસ વેઠવો પડતો ન હોય, તો એ પુરુષ આનંદને પામે છે. પણ ઋણી પુરુષ ભલે સારૂં સારૂં જમતો હોય, અને ભલે પોતાના ઘરમાં બેઠો હોય તો પણ એ દુઃખી છે. અને વળી દેવ ઇચ્છાથી ઋણ ચુકવ્યા વિના જો પોતાનું મરણ થઇ જાય તો પણ મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે. માટે બન્ને આચાર્યોએ સર્વ પ્રકારે ક્યારેય પણ કોઇનું ઋણ કરવું નહિ, આવું તાત્પર્ય છે. શતાનંદ સ્વામી કહે છે કે- આ બાબત આચાર્યોને ઉદેશીને વિધાન કરેલી છે, છતાં સર્વને માટે આ બાબત સાધારણ છે. અર્થાત્ ઋણ બધાયને માટે દુઃખરૂપ છે. માટે જેમ બને તેમ પ્રાણની આપત્તિ વિના કોઇએ પણ ઋણ કરવું નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૨૫।।