શ્લોક ૧૨૬

स्वशिष्यार्पितधान्यस्य कर्तव्यो विक्रयो न च । जीर्णं दत्त्वा नवीनं तु ग्राह्यं तन्नैष विक्रयः ।।१२६।।


અને બન્ને આચાર્યો હોય તેમણે, પોતાના શિષ્યોએ ધર્મ નિમિત્તે આપેલું જે ધાન્ય તેને વેચવું નહિ, અને જુનું થઇ ગયેલું ધાન્ય કોઇકને આપીને નવું લેવું તેને વેચ્યું કહેવાય નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે- પોતાના શિષ્યોએ ધર્મ નિમિત્તે અર્પણ કરેલું ડાંગરાદિક ધાન્ય પોતાના કુટુંબ પરિવારનું પોષણ થાય તેના કરતાં અધિક હોય તો પણ બન્ને આચાર્યોએ તે વેચવું નહિ. કારણ કે ક્યારેક અકસ્માત દુષ્કાળાદિ આપત્કાળ આવી પડે, અને તે સમયે જો પોતાની પાસે ધાન્ય ન હોય તો દુર્દશાની પ્રાપ્તિ થાય છે. અને જો ધાન્યનો સંગ્રહ કરી રાખેલો હોય તો દુષ્કાળ આદિક આપત્કાળમાં પણ સાધુ, બ્રાહ્મણ, ભિક્ષુક અને ગરીબ એવા જીવોનું પોષણ કરી શકાય છે. અને તેણે કરીને પરમ ધર્મનું સંપાદન કર્યું કહેવાય છે. માટે બન્ને આચાર્યોએ ધાન્યને વેચવું નહિ, આવો ભાવ છે.


અને જો ગયા વર્ષમાં ભેળું કરેલું હોય, અર્થાત્ શિષ્યો પાસેથી પ્રાપ્ત થયેલું હોય, અને જંતુ પડી જવાના ભયથી લાંબો સમય રાખી શકાય એમ ન હોય તો, એ ધાન્યને વેચીને બીજું નવું ધાન્ય ખરીદી લેવું. અથવા તો ધાન્યના બદલામાં તેની સમાન જ ધાન્ય લઇ લેવું. આમ કરવાથી એ ધાન્ય વેચ્યું કહેવાતું નથી. પરંતુ ગૃહસ્થધર્મના રક્ષણની પ્રાપ્તિ થાય છે. આવો અભિપ્રાય છે. ।।૧૨૬।।