શ્લોક ૧૨૭

भाद्रशुक्लचतुर्थ्यां च कार्यं विघ्नेशपूजनम् । इषकृष्णचतुर्दश्यां कार्या।र्चा च हनुमतः ।।१२।।


અને બન્ને આચાર્યો હોય તેમણે, ભાદરવા સુદિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી. તથા આસો વદિ ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજ આ શિક્ષાપત્રીમાં પોતાના સર્વે ભક્તજનોને વારંવાર એવી શિખામણ આપી રહ્યા છે કે, જો પોતાથી પૂણ્ય ન થઇ શકે તો કાંઇ નહિ, પણ પાપ તો ક્યારેય પણ કરવું નહિ. અને જો પોતાથી કોઇનું ભલું ન થાય તો કાંઇ નહિ, પણ કોઇનું ભુંડું તો ક્યારેય પણ કરવું નહિ. તેમ પોતાથી કોઇ દેવને આદર ન આપી શકાય તો કાંઇ નહિ, પણ કોઇ દેવનો અનાદર તો ક્યારેય પણ કરવો નહિ.


કેટલાક સર્વોપરિ ઉપાસનાનો જે કેફ ધરાવનારા છે, તેઓ ગણપતિ, હનુમાનજી આદિક દેવોની પૂજા કરવાનો પણ સંકોચ અનુભવે છે. અને એ દેવોનું પૂજન કરવાથી અન્યાશ્રય નામનો દોષ લાગે છે. અર્થાત્ બીજાનો આશ્રય કર્યો કહેવાય છે. અને તેથી જ ઉપાસનાનો ભંગ થાય છે, આવું કેટલાક માનતા હોય છે. પણ શતાનંદ સ્વામી કહે છે કે, પોતાના ઇષ્ટદેવને છોડીને બીજા ગણપતિજી, કે હનુમાનજી આદિક દેવોની પૂજા કરવાથી અન્યાશ્રય નામનો દોષ લાગતો નથી. અર્થાત્ બીજાનો આશ્રય કર્યો કહેવાતો નથી. અને તેથી જ ઉપાસનાનો પણ ભંગ થતો નથી. કારણ કે બીજાનો આશ્રય કર્યો ત્યારે જ કહેવાય, અને ઉપાસનાનો ભંગ પણ ત્યારે જ કહેવાય કે, પોતાના ઇષ્ટદેવનું કર્તાપણું છોડીને બીજા દેવાદિકને કર્તા સમજે. તેથી આ જગતના કર્તા હનુમાનજી તથા ગણપતિ છે. આવી ભાવનાથી જો હનુમાનજી કે ગણપતિની પૂજા કરવામાં આવે, તોજ બીજાનો આશ્રય કર્યો કહેવાય છે. અને તેથી જ ઉપાસનાનો ભંગ થાય છે. પણ ગણપતિ, હનુમાનજી આદિક સર્વે દેવો મારા ઇષ્ટદેવની જ વિભૂતિઓ છે. મારા ઇષ્ટદેવ સર્વે વિભૂતિઓની અંદર અંતર્યામિપણે રહેલા છે. આવી ભાવનાથી જો ગણપતિ આદિ દેવોની પૂજા કરવામાં આવે, તો એ વિભૂતિઓ દ્વારા પોતાના ઇષ્ટદેવનું જ પૂજન છે. અને તેથી જ કોઇપણ જાતનો દોષ લાગતો નથી. તેમાં ગણપતિ તો સર્વે વિઘ્નોનું હરણ કરનારા છે. અને શાસ્ત્રોમાં ગણપતિને ભગવાનના અવતાર તરીકે વર્ણવેલા છે. માટે બન્ને આચાર્યો એ ભાદરવા માસની સિદ્ધિ વિનાયક નામની ચતુર્થીને દિવસે વિઘ્નરાજ ગણપતિની માટીની મૂર્તિ બનાવી, તેનું વિધિપૂર્વક પૂજન કરવું. ભવિષ્યોત્તરને વિષે કહેલું છે કે- ''एवं यः पूजयेत्तस्य संकटं लीयते।खिलम् । न विघ्नं जायते क्वापि वाञ्छितं प्राप्नुयात् फलम्'' ।। इति ।। જે પુરુષ વિધિપૂર્વક ગણપતિનું પૂજન કરે છે, તેનાં સર્વે સંકટો નાશ પામી જાય છે. અને કાર્યોની અંદર કોઇપણ વિઘ્ન થતું નથી. અને ઇચ્છિત ફળને પામે છે. માટે બન્ને આચાર્યોએ વિધિપૂર્વક ગણપતિની પૂજા કરવી. અને એજ રીતે આસો મહિનાના વદ પક્ષની નરકચતુર્દશીને દિવસે મહાવીર હનુમાનજીનું તેલ, સિન્દુર, આકડાનાં પુષ્પો વિગેરેથી પૂજન કરવું. શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- આ બન્ને દેવતાઓનું પૂજન જો કે આચાર્યને ઉદેશીને અહીં વિધાન કરેલું છે. છતાં આ પૂજન સર્વે ગૃહસ્થાશ્રમી સત્સંગીઓને પણ સાધારણ છે. માટે બીજા તમામ ગૃહસ્થ સત્સંગીઓએ પણ આ બે દેવતાનું પૂજન કરવું, આવો અભિપ્રાય છે. ।।૧૨૭।।