શ્લોક ૧૨૮

मदाश्रितानां सर्वेषां धर्मरक्षणहेतवे । गुरुत्वे स्थापिताभ्यां च ताभ्यां दीक्ष्या मुमुक्षवः ।।१२८।।

અને સર્વે મારા આશ્રિતોના ધર્મરક્ષણને માટે ગુરૂપણાને વિષે સ્થાપન કરેલા બન્ને આચાર્યોએ શરણે આવેલા મુમુક્ષુજનોને દીક્ષા આપવી.

શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું તાત્પર્ય સમજાવતાં કહે છે કે- શ્રીજીમહારાજે ગુરૂપદના કેટલાક અધિકારો બન્ને આચાર્યોને જ સમર્પિત કરેલા છે. તેથી શ્રીજીમહારાજ કહે છે કે- મારા આશ્રિતોને આચાર્યોએ દીક્ષા આપવી. અનંતજન્મોનાં પાપોને ધોઇને જે આત્મદીપને પ્રજવલ્લિત કરે તેને દીક્ષા કહેવામાં આવે છે. અને એ દીક્ષા બે પ્રકારની છે. એક સામાન્ય દીક્ષા અને બીજી મહાદીક્ષા. તેમાં શરણે આવેલા અને જન્મ મરણરૂપી સંસૃતિ થકી મુકાવાને ઇચ્છતા એવા કોઇપણ બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શુદ્રો હોય કે તેમની સ્ત્રીઓ હોય, આ બધાયને સામાન્ય દીક્ષા ગ્રહણ કરવામાં અધિકાર કહેલો છે. તેથી આ બધાયને શ્રીકૃષ્ણનો સામાન્ય મંત્ર આપીને સામાન્ય દીક્ષા આપવી. તથા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણે વર્ણને મહાદીક્ષા ગ્રહણ કરવામાં અધિકાર છે. તેથી આ ત્રણે વર્ણનો કોઇપણ પુરુષ પોતાને શરણે આવેલો હોય, અને ઉત્તમ અધિકારી હોય તો મહાદીક્ષા આપીને તેના ઉપર અનુગ્રહ કરવો. સામાન્ય દીક્ષા ગ્રહણ કરવામાં સર્વે વર્ણવાળા પુરુષોને તથા તેમની સ્ત્રીઓને અધિકાર છે. પણ મહાદીક્ષા ગ્રહણ કરવામાં તો ત્રણે વર્ણોને મધ્યે પણ જે ઉત્તમ અધિકારી હોય તેને જ અધિકાર છે. અને આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર દીક્ષા આપવાનો અધિકાર પણ શ્રીજીમહારાજે બન્ને આચાર્યોને જ આપેલો છે. માટે આપણે જો સહજાનંદ સ્વામીના આશ્રિત હોઇએ, અને સહજાનંદ સ્વામીના વચનમાં જો વિશ્વાસ હોય તો બન્ને ગાદી દ્વારા જ દીક્ષા પ્રાપ્ત કરવી જોઇએ. બન્ને ગાદી સિવાયની જે દીક્ષા છે, એ દીક્ષામાં પોતાના ઇષ્ટદેવની આજ્ઞાનો અનાદર હોવાથી, એ દીક્ષા અનન્ત જન્મોનાં પાપોને ધોઇને આત્મદીપને પ્રજવલ્લિત કરી શકે નહિ.

દીક્ષાની અંદર ગુરૂ, શિષ્ય અને મંત્ર આ ત્રણ તત્ત્વોની પ્રધાનતા હોય છે. તેમાં મંત્ર છે એ બીજ છે. અને શિષ્ય છે એ ખેતર છે. અને ગુરૂ છે એ મંત્રરૂપી બીજને શિષ્યરૂપી ખેતરમાં વાવનારા છે. માટે આ ત્રણે તત્ત્વો ઉત્તમ હોવાં જોઇએ. તેમાં દીક્ષા આપવાના અધિકારને પામેલા સમર્થ મહાન ગુરૂ જ્યારે પાત્ર એવા શિષ્યને વિષે શ્રીકૃષ્ણમંત્રરૂપી બીજને વાવે છે, ત્યારે એ મંત્રરૂપી બીજ એકાન્તિક ધર્મરૂપી જે વૃક્ષ તે રૂપે પાંગરીને શિષ્યને આધ્યાત્મિક માર્ગની ઉન્નતિના શિખરે પહોંચાડે છે. માટે આપણે જો સહજાનંદ સ્વામીના આશ્રિત હોઇએ તો, સહજાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે બન્ને આચાર્યો થકી જ દીક્ષા ગ્રહણ કરવી જોઇએ, આવો અભિપ્રાય છે. ।।૧૨૮।।