यथाधिकारं संस्थाप्याः स्वे स्वे धर्मे निजाश्रिताः । मान्याः सन्तश्च कर्तव्यः सच्छास्त्राभ्यास आदरात् ।१२९
અને બન્ને આચાર્યો હોય તેમણે, પોતાનો આશ્રય કરીને રહેલા જે શિષ્યો હોય તેમને અધિકારને અનુસારે પોતપોતાના ધર્મમાં સ્થાપન કરવા, અને સંતોને પરમ આદર થકી માનવા. તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ પણ આદર થકી કરવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આ શ્લોકમાં શ્રીજીમહારાજે આચાર્યોને ત્રણ આજ્ઞાઓ કરેલી છે. એક તો પોતાના શિષ્યોને ધર્મમાર્ગમાં વર્તાવવા. અને સંતોને માનવા. તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ કરવો. તેમાં ધર્મમાર્ગનું પ્રવર્તન કેવળ ઉપદેશથી થઇ શકતું નથી. પુરુષ પોતે જ્યારે ધર્મનિષ્ઠ બને ત્યારે જ, એ બીજાને ધર્મમાર્ગમાં પ્રવર્તાવી શકે છે. પોતે જો ધર્મમાં શિથિલ હોય તો પોતાના શિષ્યોને ક્યારેય પણ ધર્મમાં પ્રવર્તાવી શકે નહિ. સામાન્ય વ્યક્તિ જ્યારે ધર્મથી રહિત થાય છે. ત્યારે એક જ વ્યક્તિને નુકશાન થાય છે. પણ ધર્મગુરૂઓ જ્યારે ધર્મથી રહિત થાય ત્યારે તેની અસર વ્યાપક સમસ્ત સમુદાય ઉપર થાય છે. અને વળી બન્ને આચાર્યો ધર્મગુરૂ થઇને જો પોતાના શિષ્યોને ધર્મમાર્ગે પ્રવર્તાવે નહિ, તો શિષ્યોએ કરેલા પાપનો ગુરૂને વિષે પ્રવેશ થાય છે. આ વિષયમાં શંખસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. ''राजा प्रजानां शमलं याति धर्ममशिक्षयन् । आचार्यो निजशिष्याणां स्त्रीणां तत्पतयस्तथा'' ।। इति ।। આ શ્લોકનો એ ભાવ છે કે, રાજા પ્રજા પાસેથી કરવેરો ગ્રહણ કરે છે. તેથી રાજાની ફરજ છે કે પ્રજાને સદ્માર્ગે વાળવી જોઇએ. છતાં જો રાજા પ્રજાને ધર્મનું શિક્ષણ આપીને સદ્માર્ગે વાળે નહિ તો પ્રજાએ કરેલા પાપનો અમુક અંશ રાજાને પ્રાપ્ત થાય છે. અને આચાર્યોની પણ ફરજ છે કે- પોતાના શિષ્યોને ધર્મમાર્ગે પ્રવર્તાવવા જોઇએ. છતાં જો આચાર્યો પોતાના શિષ્યોને ધર્મમાર્ગે પ્રવર્તાવે નહિ, તો શિષ્યોએ કરેલા પાપનો અમુક અંશ આચાર્યને પ્રાપ્ત થાય છે. અને સ્ત્રી જો કુમાર્ગે જાય તો એ પાપનો અમુક અંશ તેના પતિને લાગે છે. માટે બન્ને આચાર્યો હોય તેમણે પોતે પ્રથમ પોતાના ધર્મમાં રહીને પોતાના શિષ્યોને ધર્મમાર્ગે પ્રવર્તાવવા, આવી શ્રીહરિની આજ્ઞા છે.
અને વળી બન્ને આચાર્યોએ સાધુપુરુષોને આદર થકી માનવા. અર્થાત્ સાધુપુરુષોને શ્રદ્ધાથી પૂજવા. કારણ કે સંતોનો જો હમેશાં સમાગમ હોય તો દૈવી સંપત્તિનાં બીજો ઉગીને પાંગરતાં રહે છે. અને વળી સાધુપુરુષોના પૂજન વિના ભગવાનનું પૂજન પણ પૂર્ણ ફળ આપનારૂં થતું નથી. ''नाहमात्मानमाशास मद्बक्तैः साधुभिर्विना'' ।। इति ।। ભાગવતમાં ભગવાન દુર્વાસાઋષિ પ્રત્યે કહે છે કે- હે ઋષિ ! જે ભક્તો મને રાજી કરવા માટે મારી પ્રતિમાને શ્રદ્ધાથી પૂજે છે, પણ મારા ભક્ત સાધુપુરુષોની જે પુરુષ પૂજા કરતો નથી, તે પુરુષની પૂજાને હું બહુ માનતો નથી. કારણ કે હું મારા ભક્ત સાધુ વિના તો મારા સ્વરૂપની પણ સ્પૃહા કરતો નથી. અને તમોએ મારા પરમ ભક્ત અંબરીષ રાજાનો અપરાધ કરેલો છે. માટે મારા ભક્ત અંબરીષ રાજાની તમે ક્ષમા યાચના કરો. આ પ્રમાણે ભગવાનના ભક્ત સાધુના પૂજન વિના ભગવાન પોતાના પૂજનને પણ સ્વીકારતા નથી. માટે બન્ને આચાર્યોએ ભગવાનના ભક્ત સાધુપુરુષોને આદર થકી પૂજવા.
અને વળી આચાર્યો હોય તેમણે, વેદાદિક સચ્છાસ્ત્રનો અભ્યાસ પણ આદર થકી કરવો. ''ब्राह्मणेन निष्कारणं षडङ्गो वेदो।ध्येतव्यो ज्ञोयश्च'' ।। इति ।। વેદની અંદર પ્રતિપાદન કરેલું છે કે- તપ અને વિદ્યા આ બન્ને બ્રાહ્મણોનું પરમ કલ્યાણ કરનારાં છે. માટે બ્રાહ્મણો હોય તેમણે નિષ્કામભાવથી છ અંગો સહિત વેદનો સારી રીતે અભ્યાસ કરવો. કારણ કે વેદાદિક સચ્છાસ્ત્રોના અભ્યાસ વિના તો બ્રાહ્મણોને અંધ કહેવાય છે.- ''श्रुतिस्मृति उभे नेत्रे ब्राह्मणस्य प्रकीर्तिते । एकया रहितः काणो द्वाभ्यां त्वन्धः स वै मतः'' ।। इति ।। દાન ખંડમાં કહેલું છે કે- શ્રુતિ અને સ્મૃતિ બ્રાહ્મણોનાં નેત્રો કહેવાય છે. તેથી શ્રુતિ અને સ્મૃતિ આ બન્નેમાંથી બ્રાહ્મણ જો એકને ભણેલો ન હોય તો, એ બ્રાહ્મણ કાંણો કહેવાય છે. અને જો બન્નેને ભણેલો ન હોય તો, એ બ્રાહ્મણને અંધ કહેવામાં આવે છે. અને તેમાં પણ ગુરૂપદ ઉપર જે વિરાજમાન હોય, તેમને સંપ્રદાયના સિદ્ધાંતનું તો પૂર્ણ જ્ઞાન હોવું જોઇએ. અને એમાં પણ ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત મતનું તો પૂર્ણ જ્ઞાન હોવું જોઇએ. કારણ કે કોઇ જીજ્ઞાસુ હોય અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને જાણવાની ભાવનાથી આચાર્ય પાસે આવે, અને આચાર્ય જો તેને સમજાવી ન શકે તો ગુરૂપદનું ગૌરવ નાશ પામી જાય છે. માટે બન્ને આચાર્યો હોય તેમણે વેદાદિક સચ્છાસ્ત્રોનો અભ્યાસ પરમ આદર થકી કરવો જોઇએ, આવો ભાવ છે. ।।૧૨૯।।