શ્લોક ૧૩૦

मया प्रतिष्ठापितानां मन्दिरेषु महत्सु च । लक्ष्मीनारायणादीनां सेवा कार्या यथाविधि ।।१३०।।


અને વળી બન્ને આચાર્યો હોય તેમણે, અમોએ મોટાં મંદિરોમાં પ્રતિષ્ઠાવિધિથી સ્થાપન કરેલાં લક્ષ્મીનારાયણાદિક ભગવાનનાં સ્વરૂપોની સેવા વિધિ પ્રમાણે કરવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજના ત્રણ સંકલ્પો હતા. તેમાં આ પણ એક સંકલ્પ હતો કે મોક્ષમાર્ગ અબાધિત અને સતત વહેતો રહે તેને માટે મારે મંદિરોની રચના કરીને તેમાં પરમાત્માનાં અર્ચાસ્વરૂપોની સ્થાપના કરવી. આવા પોતાના સંકલ્પને અનુસારે પરબ્રહ્મ પરમાત્મા એવા સહજાનંદ સ્વામીએ અમદાવાદ, ભુજ, વડતાલ આદિક ધામોમાં મોટાં મોટાં મંદિરો બંધાવ્યાં છે. અને એ મંદિરોમાં નરનારાયણદેવ, લક્ષ્મીનારાયણદેવ, આદિક પરમાત્માનાં અર્ચાસ્વરૂપો પધરાવ્યાં છે. તો બન્ને આચાર્યો હોય તેમણે, એ અર્ચાસ્વરૂપોની સેવા વિધિ પ્રમાણે કરવી. અર્થાત્ વિઠ્ઠલેશજીએ કહેલી રીતિ વડે સેવા કરવી.


શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિશ્લેષણ કરતાં કહે છે કે- શ્રીજીમહારાજે આ શ્લોકમાં લક્ષ્મીનારાયણ દેવનો મુખ્યપણે નિર્દેશ કરેલો છે. અને બીજા દેવોનો આદિ શબ્દથી નિર્દેશ કરવામાં આવ્યો છે. તેથી તેનો એવો અર્થ સમજવો નહિ કે લક્ષ્મીનારાયણદેવ મોટા છે, અને બીજા દેવો ન્યૂન છે. પણ શ્રીજીમહારાજ જ્યારે આ શિક્ષાપત્રી લખી રહ્યા હતા ત્યારે લક્ષ્મીનારાયણદેવની સમીપે રહેલા હતા. તેથી જ લક્ષ્મીનારાયણ દેવનો પ્રધાનપણે આ શ્લોકમાં નિર્દેશ કર્યો છે, એમ જાણવું. પણ બીજાં સ્વરૂપોની ન્યૂનતા છે એવી શંકા કરવી નહિ. કારણ કે ૧૧૨ મા શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને પોતે જ બધાં ભગવાનનાં સ્વરૂપોની એકતા પ્રતિપાદન કરેલી છે. માટે મંદિરોમાં પધરાવેલાં ભગવાનનાં જુદાં જુદાં સ્વરૂપોમાં ભેદ સમજવો નહિ. જ્યારે વેદોક્તવિધિથી પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ત્યારે પરમ તત્ત્વ જે એક પરમાત્મા છે. તેનો જ મૂર્તિઓની અંદર આવિર્ભાવ કરવામાં આવે છે. અલગ અલગ મૂર્તિઓની અંદર અલગ અલગ તત્ત્વોનો આવિર્ભાવ કરવામાં આવતો નથી. આવિર્ભાવનો વેદોક્ત મંત્ર પણ સર્વે મૂર્તિઓની પ્રતિષ્ઠાઓમાં એક જ હોય છે. મંત્ર પણ જુદા જુદા હોતા નથી. એક જ મંત્રથી એક જ તત્ત્વને મૂર્તિઓની અંદર બોલાવવામાં આવે છે. માટે બન્ને આચાર્યો હોય તેમણે, સર્વે પરમાત્માના સ્વરૂપોમાં અભેદ ભાવનો (એકતાનો) સ્વીકાર કરીને વિઠ્ઠલેશજીએ કહેલો જે વિધિ, તેને અનુસારે સેવા પૂજા કરવી.


ભગવાનના ભક્તો હોય તેમણે, પોતાના સેવક ઘણા હોય છતાં પણ ભગવાનની સેવા જાતે જ કરવી જોઇએ, આવો વિવેક છે. પણ આચાર્ય એક અને મંદિરો ઘણાં હોવાથી એ સંભવી શકે તેમ નથી. માટે આચાર્યોએ સેવા કરવી તેનો લક્ષ્યાર્થ એ જાણવો કે, પોતપોતાના દેશ વિભાગમાં આવતાં મંદિરોમાં પૂજારીઓની નિયુક્તિ કરીને ભગવાનનાં સ્વરૂપોની સેવા કરાવવી. અને ભગવાનના સ્વરૂપોની સેવા પૂજા બરાબર થાય છે કે નહિ ? તેની સંભાળ બન્ને આચાર્યોએ રાખવી, આવો ભાવ છે. ।।૧૩૦।।