શ્લોક ૧૩૧

भगवन्मन्दिरं प्राप्तो यो।न्नार्थी को।पि मानवः । आदरात्स तु सम्भाव्यो दानेनान्नस्य शक्तितः ।।१३१।।


અને બન્ને આચાર્યો હોય તેમણે, ભગવાનના મંદિર પ્રત્યે આવેલા જે કોઇપણ અન્નાર્થી મનુષ્યો હોય તેમની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદરપૂર્વક સંભાળ રાખવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- મંદિરમાં આવેલો મનુષ્ય કોઇપણ હોય પરિચિત હોય કે અપરિચિત હોય, બ્રાહ્મણ હોય કે શુદ્ર હોય, પણ જો ભૂખ્યો હોય તો તેને યથાયોગ્ય રાંધેલું અન્ન અથવા તો કાચું અન્ન આપવું. ''स्वदेशे परदेशे वा ह्यतिथिं नोपवासयेत्'' ।। इति ।। સ્મૃતિમાં કહેલું છે કે- પોતાના દેશમાં અથવા પરદેશમાં પોતાના આંગણે આવેલા અતિથિને ઉપવાસ કરાવવો નહિ. અર્થાત્ અતિથિને કાંઇ પણ જમવાનું આપવું. અને સાથે પાણી પણ પાવું. ''अन्नदानं प्रशंसन्ति विद्वांसो वेदवादिनः । अन्नमेव यतः प्राणाः प्राणदानसमं हि तत्'' ।। इति ।। આદિત્ય પુરાણમાં વિદ્વાન પુરુષોએ અન્નદાનની ખુબ પ્રશંસા કરેલી છે. કારણ કે આ શરીરની અંદર જે પ્રાણો છે એ અન્નને આધારે રહેલાં છે. તેથી અન્નનું દાન એ પ્રાણદાનની સમાન કહેલું છે. જળનું દાન પણ અન્નના દાનની સમાન જ કહેલું છે. જેમ અન્ન છે એ સર્વે પ્રાણીઓનું જીવન છે, તેમ જળ પણ પ્રાણીઓના જીવનરૂપ કહેલું છે. માટે અન્નના દાનની સાથે જળનું દાન પણ આપવું જોઇએ. અર્થાત્ તરસ્યા માણસને પાણી પણ પાવું જોઇએ. ''अन्नदानात्परं दानं विद्यते नेह किञ्चन । अन्नात् भूतानि जायन्ते जीवन्ति च न संशयः'' ।। इति ।। સ્કંદપુરાણમાં કહેલું છે કે- અન્નદાન સિવાય બીજું કોઇપણ દાન શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો દાન હોય તો અન્નદાન કહેલું છે. અન્નથી જ પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. અને અન્નના આધારે જ જીવે છે. માટે અન્નની સમાન દાન થયેલું નથી. અને ભવિષ્યમાં થશે પણ નહિ. માટે બન્ને આચાર્યોએ મંદિરમાં આવેલા ભૂખ્યા પ્રાણીને અન્નનું દાન આપવું. આ વ્યવસ્થા જો કે બન્ને આચાર્યો જાતે કરી શકે નહિ, પણ તે તે મંદિરોમાં વ્યવસ્થાપક જે સંતો રહેતા હોય તેના દ્વારા કરાવવી, આવો ભાવ છે. ।।૧૩૧।।