संस्थाप्या विप्रं विद्वांसं पाठशालां विधाप्य च । प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत् ।।१३२।।
અને બન્ને આચાર્યો હોય તેમણે, વિદ્યાર્થીને ભણાવવાની શાળા બનાવડાવીને અને તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને આ પૃથ્વી ઉપર સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી. કેમ જે વિદ્યાદાને કરીને મોટું પૂણ્ય થાય છે.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- શ્રીજીમહારાજે બન્ને આચાર્યોને આ શ્લોકમાં વિદ્યા પ્રવર્તનની શિખામણ આપેલી છે. તેમાં વિદ્યાઓ અનેક પ્રકારની કહેલી છે. એ બધી વિદ્યાઓમાં ઉત્તમ વિદ્યા જો હોય તો બ્રહ્મવિદ્યા છે. બ્રહ્મવિદ્યાને પરાવિદ્યા પણ કહેવામાં આવે છે. અને સદ્વિદ્યા પણ કહેવાય છે. વિદ્યા અને સદ્વિદ્યામાં મોટું અંતર રહેલું છે. આ લોકના ભૌતિક જીવનને જે કેવળ સુખ આપે તેને વિદ્યા કહેવાય છે. અને મૃત્યુ પછી જે વિદ્યા શાશ્વત સુખ આપે છે, જે વિદ્યા મનુષ્યને પરમ તત્ત્વ પરમાત્મા તરફ દોરી જાય છે, અર્થાત્ જે વિદ્યાથી પરમ તત્ત્વ પરમાત્માની ઓળખાણ થાય, તેને સદ્વિદ્યા કહેવામાં આવે છે.
અને વળી વિદ્યા પણ ગુણના યોગે કરીને ત્રણ પ્રકારની કહેવાય છે. ''સાત્વિક, રાજસિક અને તામસિક'' આ ત્રણ પ્રકારની વિદ્યાને મધ્યે જે વિદ્યા પરોપકારને માટે ઉપયોગી બને છે તે વિદ્યાને સાત્વિક વિદ્યા કહેવાય છે. અને જે વિદ્યા કેવળ પોતાના જ ભૌતિક સુખને માટે ઉપયોગી બને છે તે વિદ્યાને રાજસિક વિદ્યા કહેવાય છે. અને વળી જે વિદ્યા કેવળ બીજાના દુઃખને માટે ઉપયોગી બને તે વિદ્યાને તામસિક વિદ્યા કહેવાય છે. અને જે વિદ્યા પરમપદને પમાડે તે વિદ્યાને તો પરાવિદ્યા, સદ્વિદ્યા અથવા તો નિર્ગુણ વિદ્યા પણ કહેવાય છે. આ શ્લોકમાં શ્રીજીમહારાજે બન્ને આચાર્યોને કેવળ ભૌતિક જીવનને સુખ આપનારી વિદ્યાના પ્રવર્તનની શિખામણ આપેલી નથી. પરંતુ ભૌતિક વિદ્યાની સાથે સદ્વિદ્યાના પ્રવર્તનની શિખામણ આપેલી છે. કારણ કે સદ્વિદ્યાએ કરીને મનુષ્ય આધ્યાત્મિક માર્ગની ઉન્નતિના શિખરે પહોંચી શકે છે. માટે આચાર્યોએ પાઠશાળાની સ્થાપના કરીને તેમાં વિદ્વાન બ્રાહ્મણોને રાખીને, આ પૃથ્વી ઉપર સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરવી અને કરાવવી. આંધળાને ચક્ષુનું દાન આપવાથી જે પૂણ્ય થાય છે. એજ પૂણ્ય વિદ્યાદાને કરીને થાય છે.- ''विद्वांसं मानयित्वा विपुलधनशुभावाससंप्रश्रयाद्यैर्विद्यां भूमौ द्विजेषु प्रथयति महता ह्यादरेणैव यस्तु । तच्छिर्ष्यांश्चान्नतैलागदवसनमठैः पुस्तकैः पाठयोग्यैर्यश्च प्रीणात्यभीष्टं सकलमपि फलं प्राप्नुतस्तौ दुरापम्'' ।। इति ।। સાહિત્ય શતકને વિષે કહેલું છે કે, જે પુરુષ પુષ્કળ ધન, વિનય આદિકે કરીને વિદ્વાનનું સન્માન કરીને આ પૃથ્વી ઉપર વિદ્યાને વિસ્તારે છે. અને જે પુરુષ ભણનારા વિદ્યાર્થીને અન્નની, રહેઠાણની અને પુસ્તકાદિકની તમામ સગવડ કરી આપે છે. તે બન્ને પુરુષ સમગ્ર ઇચ્છિત ફળને પામે છે. માટે બન્ને આચાર્યો એ આ પૃથ્વી ઉપર સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, અને પોતે પણ કરવી, આવો અભિપ્રાય છે. ।।૧૩૨।।