अथैतयोस्तु भार्याभ्यामाज्ञाया पत्युरात्मनः । कृष्णमन्त्रोपदेशश्च कर्तव्यः स्त्रीभ्य एव हि ।।१३३।।
અને હવે બન્ને આચાર્યોની પત્નીઓના વિશેષ ધર્મનું નિરૂપણ કરતાં કહે છે કે, બન્ને આચાર્યની જે પત્ની હોય તેમણે, પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણમંત્રનો ઉપદેશ કરવો. પણ પુરુષોને કરવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- કોઇપણ સંપ્રદાયની પરંપરામાં સ્ત્રીને આચાર્ય પદ તરીકેનું ગૌરવ આપવામાં આવેલું હોય, એવી કોઇપણ વ્યવસ્થા જોયામાં આવતી નથી. તમામ સંપ્રદાયોની અંદર દીક્ષા આપનારા આચાર્ય તરીકેનું ગૌરવ પુરુષને જ આપવામાં આવેલું છે. તો આ આપણા સંપ્રદાયની અંદર આચાર્યપદનું ગૌરવ સ્ત્રીને શા માટે ?
આ પ્રશ્નના ઉત્તરમાં જણાય છે કે- સ્ત્રી અને પુરુષોને મોક્ષનો સમાન અધિકાર છે. જેટલો મોક્ષનો અધિકાર પુરુષોને છે, તેટલો જ મોક્ષનો અધિકાર સ્ત્રીઓને પણ છે. માટે મોક્ષમાર્ગમાં આધારભૂત એવી મંત્રદીક્ષા તેનો અધિકાર પણ જેટલો પુરુષોને છે, તેટલો જ સ્ત્રીઓને પણ છે. તેથી પુરુષોની પેઠે જ સ્ત્રીઓને પણ મંત્રદીક્ષા મળવી જ જોઇએ. અને જો આચાર્ય સ્ત્રીઓને મંત્રદીક્ષા આપે તો એમાંથી અનેક પ્રકારના અનર્થો સર્જાય છે. પૂર્વે પણ અનેક ગુરૂઓ જ્યારે જ્યારે મંત્રદીક્ષાના નિમિત્તે સ્ત્રીઓના સંબન્ધમાં આવ્યા હતા, ત્યારે કોઇપણ ગુરૂઓનું ઠેકાણું રહ્યું નથી, અને અનેક પ્રકારના અનર્થો સર્જાયા છે. માટે ગુરૂઓ ગમે તેવા મહાન સમર્થ હોય છતાંપણ મંત્રોપદેશે કરીને પોતાની શિષ્યા બનેલી એવી સ્ત્રીઓના સંબન્ધ થકી ધર્મભ્રષ્ટ થાય છે. જેને કારણે આખા સંપ્રદાયને લાંછન લાગે છે. આવો વિચાર કરીને શ્રીજીમહારાજે આચાર્યપદ તરીકેનું ગૌરવ આચાર્યની પત્નીઓને આપેલું છે. જેથી ભવિષ્યમાં સ્ત્રીઓના સંબન્ધે કરીને આચાર્યોને કોઇ જાતનાં કલંકો લાગે નહિ. અને રામાનંદ સ્વામીએ પણ ધર્મદેવને જ્યારે મંત્રદીક્ષાનો અધિકાર આપેલો હતો, ત્યારે ઘણા મુમુક્ષુ પુરુષો ધર્મદેવ પાસે ઉદ્ધવસંપ્રદાયની દીક્ષા લેવા માટે આવતા હતા. અને સ્ત્રીઓ પણ આવતી હતી. તે સમયે ધર્મદેવે એકાન્તમાં બેસીને વિચાર કર્યો કે, હું જો સ્ત્રીઓને મંત્રદીક્ષા આપીશ તો એમાંથી અનેક ખરાબ પરંપરાઓ સર્જાશે. અને ગુરૂઓ પોતાની શિષ્યા થયેલી સ્ત્રીઓના સંબન્ધે કરીને ધર્મભ્રષ્ટ થશે. આવો વિચાર કરીને ધર્મદેવ પણ ભક્તિમાતા દ્વારા જ સ્ત્રીઓને મંત્રદીક્ષા અપાવતા હતા. એજ રીતે શ્રીજીમહારાજ પણ અનેક પ્રકારના અનર્થોનો વિચાર કરીને, આપણા ઉદ્ધવસંપ્રદાયની અંદર આચાર્યની પરંપરામાં આચાર્યપદનું ગૌરવ આચાર્યની પત્નીઓને આપેલું છે.
અહીં બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, કોઇપણ સંપ્રદાયની પરંપરામાં ત્યાગીઓને મહાદીક્ષા આપનારા ગુરૂ ગૃહસ્થ હોય એવી વ્યવસ્થા પણ અત્યાર સુધી ક્યાંય જોવામાં આવતી નથી. જેમ કે શંકરાચાર્યની પરંપરામાં ચાર પીઠો સ્થાપવામાં આવેલી છે. એ ચારે પીઠોના આચાર્ય ત્યાગીઓ છે. તેથી શંકરાચાર્યની પરંપરામાં ત્યાગીઓને મહાદીક્ષા આપનારા ગુરૂઓ પણ ત્યાગી જ છે. અને રામાનુજસંપ્રદાયમાં પણ ત્યાગીઓને મહાદીક્ષા આપનારા ગુરૂ ત્યાગી જ હોય છે. આ રીતે તમામ સંપ્રદાયોમાં મોટે ભાગે ત્યાગીઓના દીક્ષાગુરૂ ત્યાગીઓ જ હોય છે. પણ આ એક જ ઉદ્ધવ સંપ્રદાયની અંદર ત્યાગીઓના દીક્ષાગુરૂ ગૃહસ્થ છે, આવું શા માટે ?
આના સમાધાનમાં એવું જણાય છે કે- શ્રીજીમહારાજનો અભિપ્રાય એ હોવો જોઇએ કે, જો દીક્ષા આપનારા આચાર્ય તરીકેનું ગૌરવ કોઇ ત્યાગી પુરુષને આપવામાં આવશે તો ત્યાગી દીક્ષાગુરુ કેવળ પુરુષોને જ મંત્રદીક્ષા આપી શકશે. કારણ કે મહાત્યાગીઓ પણ સ્ત્રીઓના પ્રસંગે કરીને ધર્મભ્રષ્ટ થયા છે, અને થશે.
અને જો કોઇ ઉચ્ચ કક્ષાના ગૃહસ્થ પુરુષને દીક્ષા આપનારા આચાર્ય તરીકેનું ગૌરવ આપવામાં આવશે તો એ ગૃહસ્થ આચાર્ય ત્યાગી પુરુષોને તથા ગૃહસ્થ પુરુષોને મંત્રદીક્ષા આપી શકશે. અને ગૃહસ્થ આચાર્યની જે પત્ની હોય એ પોતાના પતિની આજ્ઞાથી સ્ત્રીઓને પણ મંત્રદીક્ષા આપી શકશે. આ રીતની વ્યવસ્થા કરવાથી ભવિષ્યમાં કોઇપણ જાતના અનર્થો સર્જાશે નહિ. અને સ્ત્રીઓને માટે મંત્રદીક્ષાનો જે અધિકાર છે, એ પણ સુરક્ષિત રહેશે. અર્થાત્ સ્ત્રીઓ પણ મંત્રદીક્ષાથી વંચિત રહેશે નહિ. આવો વિચાર કરીને શ્રીજીમહારાજે ત્યાગી સાધુઓના પણ દીક્ષાગુરૂ તરીકેનું ગૌરવ ધર્મવંશી એવા ગૃહસ્થ આચાર્યને આપેલું હોય એમ જણાય છે.
આ પ્રમાણે પ્રાસંગિક વિવરણને અહીં સમાપ્ત કરીને હવે, શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી ૧૩૩ મા શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે, બન્ને આચાર્યોનાં સુનંદા અને વિરજા નામનાં પત્નીઓએ (અયોધ્યાપ્રસાદજીનાં સુનંદા અને રઘુવીરજીનાં વિરજા) શરણે આવેલી સ્ત્રીઓને પોતાના પતિની આજ્ઞાથી, શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ આપીને સધવા તથા વિધવા સ્ત્રીઓના ધર્મોનો પણ યથાયોગ્ય ઉપદેશ આપવો. અહીં શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી વિશેષ સમજાવતાં કહે છે કે- શાસ્ત્રોમાં જો કે પુરુષ ગુરૂને જ દીક્ષામંત્ર આપવાનો અધિકાર સંભળાય છે. આચાર્યની પત્નીઓને દીક્ષામંત્ર આપવાનો અધિકાર તો નથી. પણ પોતાના પતિની આજ્ઞાથી પત્નીઓ જો દીક્ષામંત્ર સ્ત્રીઓને આપે, તો એમાં કોઇ જાતનો દોષ નથી. કારણ કે પતિ પત્નીનું એક અંગપણે કાર્ય કરવાપણું કહેલું છે. તેથી પત્નીએ આપેલો મંત્રોપદેશ પતિએ જ આપેલો ગણાય છે. માટે પોતાના પતિની આજ્ઞાથી આચાર્યની પત્નીઓ કેવળ સ્ત્રીઓને જો મંત્રોપદેશ આપે, અને આચાર્ય પોતાની પત્નીને ઉપદેશ આપીને, પત્ની દ્વારા સ્ત્રીમાત્રને ઉપદેશ અપાવે, એમાં બન્નેને કોઇ જાતનો દોષ નથી. અને જો આવી વ્યવસ્થા કરવામાં ન આવે, અને પુરુષોની સમક્ષ આચાર્યની પત્નીઓ ઉપદેશ આપવા માંડે, અને સ્ત્રીઓની સમક્ષ આચાર્યો જો ઉપદેશ આપવા માંડે તો મોટા અનર્થની પ્રાપ્તિ થાય છે. કારણ કે સ્ત્રી પુરુષનો પ્રસંગ સર્વત્ર ત્રાસને આપનારો કહેલો છે. માટે આચાર્યોની પત્નીઓએ પોતાના પતિની આજ્ઞાથી શરણે આવેલી સ્ત્રીઓને જ માત્ર મંત્રોપદેશ આપવો. પણ પતિની આજ્ઞા વિના સ્વતન્ત્રપણે ક્યારેય પણ ઉપદેશ આપવો નહિ, આવો ભાવ છે. ।।૧૩૩।।