स्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु कर्हिचित् । न स्पष्टव्या न भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च ।१३४
અને વળી બન્ને આચાર્યની પત્નીઓએ પોતાના સમીપ સંબન્ધ વિનાના પુરુષોનો સ્પર્શ ક્યારેય કરવો નહિ. અને તેમની સાથે બોલવું પણ નહિ. અને તેમને પોતાનું મુખ પણ દેખાડવું નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- આચાર્યની પત્નીઓએ દૂર સંબન્ધવાળા અથવા સંબન્ધ રહિત એવા પુરુષોનો બુદ્ધિપૂર્વક સ્પર્શ કરવો નહિ. અને તેઓની સાથે બોલવું નહિ. અને પોતાનું મુખ પણ દેખાડવું નહિ. મુખ દેખાડવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે પાછાં વળીને ઉભાં રહેવું, અથવા તો ગુમટો વાળીને પોતાનું મુખ ઢાંકી દેવું. શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- ગુરૂસ્ત્રીઓને આ રીતે કરવું એજ યોગ્ય છે. અને જો એમ કરવામાં ન આવે તો દર્શન અને નમસ્કારાદિકને માટે પુરુષોની ભીડ થવા માંડે. અને પછી એ ભીડને નિવારવી અશક્ય બને. અને વારંવાર ગુરુસ્ત્રીઓને પુરુષોનો પ્રસંગ થવા માંડે. તેથી સ્વધર્મ થકી ભ્રષ્ટ થવાનો પણ પ્રસંગ આવે. માટે પોતાનું મુખ પહેલેથી જ ઢાંકી દેવું, જેથી કોઇ દર્શનાદિક માટે આવે જ નહિ. અને પુરુષનો બહુ પ્રસંગ જ રહે નહિ. પુરુષના પ્રસંગથી સદાચારી એવી પણ સ્ત્રી ભ્રષ્ટ થાય છે. આ બાબતમાં મનુસ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. ''भ्रश्यति स्वेतरेषां वै नारी पुंसां प्रसङ्गतः । पतिव्रता सुशीला।पि तस्मात्तं प्रयता त्यजेत्'' ।। इति ।। આ પદ્યનો એ અર્થ છે કે- સ્ત્રી પતિવ્રતા હોય, સુશીલ હોય છતાંપણ પોતાના પતિ સિવાય પર પુરુષના પ્રસંગથી ભ્રષ્ટ થઇ જાય છે. માટે પ્રયત્ન પૂર્વક પરપુરુષનો પ્રસંગ છોડી દેવો. આ પ્રમાણે મનુસ્મૃતિમાં કહેલું છે. માટે આચાર્યની પત્નીઓએ પોતાના સમીપ સંબન્ધથી રહિત એવા પુરુષનો પ્રસંગ રાખવો નહિ. આવો અભિપ્રાય છે. ।।૧૩૪।।