गृहाख्याश्रमिणो ये स्युः पुरुषा मदुपाश्रिताः । स्वासन्नसम्बन्धहीना न स्पृश्या विधवाश्च तैः ।।१३५।।
(હવે ગૃહસ્થાશ્રમીઓના વિશેષ ધર્મો કહે છે.)
મારા આશ્રિત એવા જે ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, પોતાના સમીપ સંબન્ધથી રહિત એવી વિધવા સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહિ.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાતાં કહે છે કે- ગૃહસ્થાશ્રમી પુરુષોએ દૂર સંબન્ધવાળી કે સંબન્ધથી રહિત, એવી કોઇપણ વિધવા સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહિ. અર્થાત્ ગૃહસ્થાશ્રમી પુરુષોએ દૂરસંબન્ધવાળી વિધવા સ્ત્રિયોની સાથે જરૂર વિનાનો કોઇપણ પ્રસંગ રાખવો નહિ. સર્વત્ર પ્રસંગ જ વિપરીત ફળના કારણ રૂપ છે. શાસ્ત્રોમાં વિધવા સ્ત્રીના સ્પર્શને અતિ અમંગળ બતાવેલો છે તેનું કારણ પણ એ જ હોઇ શકે કે, જેથી વિધવા સ્ત્રીની સાથે પુરુષના બિન જરૂરી પ્રસંગને નિવારી શકાય. અને વિધવા સ્ત્રીનેપણ બ્રહ્મચર્યના ધર્મનું પાલન કરતી હોવાથી દૂર સંબન્ધવાળા પુરુષોનો પ્રસંગ રાખવો એ અયોગ્ય છે. આ બધી બાબતોને લક્ષમાં રાખીને શાસ્ત્રોએ વિધવા સ્ત્રીના સ્પર્શને અતિ અમંગળ બતાવેલો હોય એમ જણાય છે, આવો અભિપ્રાય છે. માટે ગૃહસ્થાશ્રમીઓએ સમીપ સંબન્ધથી રહિત એવી વિધવા સ્ત્રીઓથી દૂર રહેવું ।।૧૩૫।।