શ્લોક ૧૩૬

मात्रा स्वस्रा दुहित्रा वा विजने तु वयःस्थया । अनापदि न तैः स्थेयं कार्यं दानं न योषितः ।।१३६।।


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, યુવાવસ્થાવાળી માતા, બહેન કે દીકરીની સાથે એકાંતસ્થળમાં આપત્કાળ પડયા વિના રહેવું નહિ. અને પોતાની સ્ત્રીનું દાન ક્યારેય કરવું નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- એકાંત સ્થળ સિવાય પણ યુવાન સ્ત્રીનાં દર્શન મનના ક્ષોભને ઉત્પન્ન કરનાર છે. તેથી એકાંતસ્થળમાં તો અવશ્ય મનને ક્ષોભ ઉત્પન્ન કરે જ. માટે ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે આપત્કાળ સિવાય એકાંતસ્થળમાં માતા, બહેન કે દીકરી સાથે રહેવું નહિ. આપત્કાળમાં જો બીજો કોઇ ઉપાય ન હોય તો જેટલું પ્રયોજન હોય તેટલું જ રહેવું, પણ અધિક રહેવું નહિ. ''न मात्रा न दुहित्रा वा न स्वस्रैकान्तशीलता । बलवन्तीन्द्रियाण्यत्र मोहयन्त्यपि कोविदान्'' ।। इति ।। સ્કંદપુરાણમાં પ્રતિપાદન કરેલું છે કે, ઇન્દ્રિયોનો સમૂહ અતિ બળવાન છે, વિદ્વાન પુરુષોને પણ ખેંચી લે છે. અર્થાત્ વિદ્વાન પુરુષોને પણ મોહ પમાડે છે. માટે વિદ્વાન પુરુષોએ પણ માતા, બહેન કે દીકરીની સાથે એકાંતસ્થળનું સેવન કરવું નહિ. કારણ કે એકાંતસ્થળમાં સ્ત્રી પુરુષોનો જે સંયોગ છે, એ બહુ જ ભયંકર છે. પુરુષ ગમે તેટલો જ્ઞાની હોય પણ જ્યારે એકાંતસ્થળમાં યુવાન સ્ત્રીના સંયોગમાં આવે છે, ત્યારે તેનું જ્ઞાન નકામું બની જાય છે. અને તે સમયે કાંઇપણ વિચારી શકતો નથી.


આ બાબતમાં ઘણાને એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે, આ જગતમાં એવો કોણ પુરુષ હોઇ શકે કે માતા, બહેન કે દીકરીની સાથે ખરાબ વ્યવહાર કરે ? ભગવાન વ્યાસજીના મહાન શિષ્ય જૈમિનીય ઋષિને પણ આવો પ્રશ્ન થયો હતો. વ્યાસ ભગવાન જ્યારે મહાભારત લખાવતા હતા, અને જૈમિનીય ઋષિ લખી રહ્યા હતા ત્યારે મા, બહેન અને દીકરીની સાથે એકાંત સ્થળમાં રહેવું નહિ, આવો શ્લોક વ્યાસ ભગવાને લખાવ્યો. પણ જૈમિનીય ઋષિએ લખ્યો નહિ, અને પ્રશ્ન કર્યો કે- આ બાબત તદૃન અશક્ય છે. કારણ કે આ જગતમાં એવો કોઇ દુષ્ટ ન હોઇ શકે કે, પોતાની માતા, બહેન કે દીકરીની સાથે દુર્વ્યવહાર કરે, માટે આ શ્લોક લખવો એ વ્યર્થ છે.


તે સમયે વ્યાસ ભગવાને કહ્યું કે- કાંઇ વાંધો નહિ, પણ અત્યારે ખાલી જગ્યા રાખો, તમોને જ્યારે ઇચ્છા થાય ત્યારે લખજો. પછી એક સમયે હિમાલયના એકાન્ત સ્થળમાં જૈમિનીય ઋષિ પોતાની ઝુપડીમાં રહેતા હતા, મંદ મંદ વરસાદ વરસતો હતો, વીજળીના કડાકા થતા હતા, રાત્રીનો સમય હતો, ઠંડો પવન વાતો હતો, એ સમયે વ્યાસ ભગવાન જૈમિનીય ઋષિની બહેનનું રૂપ ધારણ કરી રાત્રીના સમયે ત્યાં ગયા. રાત્રીના અંધારામાં જ્યારે વીજળીનો ચમકારો થતો હતો, ત્યારે એ ચમકારામાં બહેનનું શરીર દેખાતું હતું. કપડાં ભીંજાઇ ગયાં હતાં. તેથી શરીરની સાથે ચોંટી ગયાં હતાં. આવા સમયે બહેન પોતાની ઝુપડી પાસે આવ્યાં એટલે જૈમિનીય ઋષિ પર્ણકુટીમાંથી બહાર નીકળી ગયા. અને બહેનને એ પ્રર્ણકુટીમાં પ્રવેશ આપ્યો. પણ વીજળીના ચમકારામાં બહેનની જે આકૃતિ જોયેલી હતી, એ આકૃતિ સોંસરી હૃદયમાં ઉતરી ગઇ, અને મન કામે કરીને ખળભળી ઉઠયું. ચિત્તની અંદર બહેનનું જ ચિંતવન થવા લાગ્યું. બરાબર મધ્ય રાત્રીના સમયમાં જૈમિનીય ઋષિએ ઝુપડીનો દરવાજો ખખડાવ્યો. ઝુપડીનો દરવાજો ખોલવા માટે બહેનને જણાવ્યું, પણ બહેને ના પાડી દીધી કે, હે ભાઇ ! અત્યારે રાત્રીનો સમય છે અને અહીં હું એકલી સ્ત્રી છું, તેમાં પણ આ એકાંત સ્થળ છે, માટે હું ઝુપડી નહિ ખોલું. તે સમયે જૈમિનીય ઋષિએ કહ્યું કે- મારી એક વસ્તુ અંદર રહી ગઇ છે એ લેવી છે, માટે ખોલો. હૃદયની અંદર વિકાર જાગૃત થયો હતો તેથી એ વિકારે ખોટું બોલાવડાવ્યું. છતાં બહેને દરવાજો ખોલ્યો નહિ. તેથી જૈમિનીય ઋષિ ઝુંપડીને તોડીને પણ અંદર ગયા. અને બહેનનો હાથ પકડીને જ્યાં મુખમાં હાથ ફેરવવા ગયા, ત્યાંતો વ્યાસ ભગવાનની ધોળી દાઢી જૈમિનીય ઋષિના હાથમાં આવી ગઇ. અને વ્યાસ ભગવાનને જોઇને જૈમિનીય ઋષિ નીચું જોઇ ગયા. તે સમયે વ્યાસ ભગવાને કહ્યું કે- જૈમિનીય ! હવે આગળ ખાલી રાખેલી જગ્યાએ પહેલાંવાળો શ્લોક લખશો કે કેમ ? તે સમયે જૈમિનીય ઋષિએ તરત જ આ શ્લોક મહાભારતમાં લખી નાખ્યો.- ''मात्रा स्वस्रा दुहित्रा वा ना।विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामो विद्वांसमपि कर्षति'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે, માતા, બહેન અને દીકરીની સાથે પણ એકાંતસ્થળમાં રહેવું નહિ. કારણ કે ઇન્દ્રિયો બહુ બળવાન છે. વિદ્વાન પુરુષોને પણ ઢસડી જાય છે. માટે ગૃહસ્થપુરુષોએ માતા, બહેન અને દીકરીની સાથે એકાંતસ્થળનું સેવન આપત્કાળ પડયા વિના ક્યારેય પણ કરવું નહિ, આવો ભાવ છે.


અને વળી ગૃહસ્થ પુરુષોએ પોતાની પત્નીની કોઇ યાચના કરતો હોય છતાંપણ પત્નીનું દાન કરવું નહિ. બીજી બધી વસ્તુ દાનમાં અપાય, પણ પોતાની પત્ની કદીપણ દાનમાં અપાય નહિ, કારણ કે પત્નીનું દાન કરવાથી પત્નીના પતિવ્રતાધર્મનો ભંગ થાય છે. પતિવ્રતાધર્મનો ભંગ થવાથી અતિપાતક નામનું પાપ લાગે છે. અને આ પાપ સ્ત્રીના પતિને લાગે છે. માટે ગૃહસ્થ પુરુષોએ સ્ત્રીનું દાન ક્યારેય પણ કરવું નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૩૬।।