શ્લોક ૧૪૪

कार्ये वैवाहिके स्वस्यान्यस्य वार्प्यधनस्य तु । भाषाबन्धो न कर्तव्यः ससाक्ष्यं लेखमन्तरा ।।१४४।।


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષોએ પોતાના તથા બીજાના વિવાહ સંબન્ધી કાર્યમાં આપવા યોગ્ય ધનની સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના કેવળ બોલી કરવી જ નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- વ્યવહાર વાંકો છે. જ્યાં વ્યવહાર આવે છે, ત્યાં વિક્ષેપો અવશ્ય આવે છે. અને એ વિક્ષેપો કુટુંબના સંબન્ધોમાં વિપરીત અસર કરનારા બને છે. માટે પોતાના અથવા બીજાના વિવાહ સંબન્ધી કાર્યમાં જે કાંઇ પણ કન્યાને અર્પણ કરવા યોગ્ય વસ્તુ હોય તેનું સાક્ષીએ સહિત લખાણ કરીને જ વ્યવહાર કરવો. અર્થાત્ વિવાહ સમયે કન્યાદાનમાં આપવા યોગ્ય ધન હોય કે પછી પહેરામણીમાં આપવા યોગ્ય ધન હોય, એ ધનની સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના કેવળ વાણીમાત્રથી પ્રતિજ્ઞા કરવી નહિ. અહીં પણ પ્રથમ સાક્ષીની સહીવાળો લેખ લખાવીને પછી જ વિવાહ સંબન્ધી વ્યવહારનો નિશ્ચય કરવો. પણ કેવળ મૌખિક વ્યવહાર કરવો નહિ. કારણ કે લખાણ કર્યા વિના કેવળ મૌખિક વ્યવહાર કરવાથી અનેક પ્રકારના ક્લેશો ઉત્પન્ન થાય છે, આવો ભાવ છે. ।।૧૪૪।।