શ્લોક ૧૪૩

ससाक्ष्यमन्तरा लेखं पुत्रमित्रादिनापि च । भूवित्तदानादानाभ्यां व्यवहार्यं न कर्हिचित् ।।१४३।।

અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના તો પોતાના પુત્ર મિત્રાદિકની સાથે પણ પૃથ્વી અને ધનના લેણદેણે કરીને વ્યવહાર ક્યારેય કરવો નહિ.

 શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો અભિપ્રાય સમજાવતાં કહે છે કે- પુત્ર મિત્રાદિકની સાથે પણ લખાણ કર્યા વિના પૃથ્વી ધનાદિકની લેવડ દેવડ કરવી નહિ. જ્યારે આર્થિક કે પૃથ્વીના લેણદેણનો પ્રશ્ન આવે ત્યારે સગા પુત્રનો પણ વિશ્વાસ કરવો નહિ. આ કળીયુગમાં તો પુત્રો પણ પિતાની પાસે કાગળ ઉપર સહી કરાવડાવીને પિતાને લુંટી લેનારા જોયામાં આવે છે. અને મિત્રો પણ ક્યારે વિશ્વાસઘાત કરે તેનું કાંઇ નક્કી નહિ. માટે પુત્ર હોય કે મિત્ર હોય અથવા બીજા કોઇ સ્વજનો હોય તેમની સાથે પણ સાક્ષીએ સહિત લખાણ કર્યા વિના ક્યારેય વ્યવહાર કરવો નહિ. અને લખાણ કર્યા વિના જો ધનાદિકની લેવડ દેવડ કરે તો પાછળથી મહાન ઝઘડાનો સંભવ રહે છે. માટે પ્રથમથી જ સાક્ષીની સહીવાળો લેખ લખાવી કરીને ત્યાર પછી જ પૃથ્વીની કે ધનની લેવડ દેવડ કરવી. જેથી ભવિષ્યમાં ક્લેશ થવાનો સંભવ રહે નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૪૩।।