શ્લોક ૧૪૨

गवादीनां पशूनां च तृणतोयादिभिर्यदि । सम्भावनं भवेत्स्वेन रक्ष्यास्ते तर्हि नान्यथा ।।१४२।।


અને વળી ગૃહસ્થ સત્સંગી હોય તેમણે ગાય, બળદ, ભેંસ આદિક પશુઓની ઘાસ અને જળાદિકે કરીને પોતાથી જો સંભાવના થાય તો પશુઓને રાખવાં, અને જો સંભાવના ન થાય તો ન રાખવાં.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- પોતાથી પશુઓને જો બરાબર પાળી શકાય તો પશુઓને પોતાના ઘરમાં રાખવાં, અને જો ન પાળી શકાય તો બીજાને પાલન કરવા માટે આપી દેવાં. ઘરમાં બાંધી રાખવાં નહિ. અને જો ભૂખ્યાં તરસ્યાં પશુઓને બાંધી રાખેલાં હોય તો ગૃહસ્થને મહાન અનર્થની પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં એક સ્મૃતિ વાક્ય સાક્ષી આપે છે. ''क्षुधा तृषा तीव्रदंशविषमस्थानसीदताम् । पशूनामेव निःश्वासैऋर्द्धिः सर्वा।पि नश्यति'' ।। इति ।। આ સ્મૃતિવાક્યનો એ અર્થ છે કે- પશુઓ ભૂખ્યાં થયેલાં હોય, તરસ્યાં થયેલાં હોય અને માખીઓ તીવ્રદંશો મારતી હોય, છતાંપણ કીચડમાં જો બાંધી રાખેલાં હોય તો એ પશુના નિઃશાસાથી ગૃહસ્થની સર્વે સંપત્તિનો નાશ થઇ જાય છે. અને પૂર્વનાં સર્વે પૂણ્યનો પણ નાશ થઇ જાય છે. માટે પોતાથી પશુઓની જો બરાબર સંભાળ રાખી શકાય તો જ પશુઓને પોતાના ઘરમાં રાખવાં. નહિ તો રાખવાં નહિ.


અને વળી શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- પોપટ આદિક પક્ષીઓ પાળેલાં હોય તો એમની પણ સમય સમયને અનુસારે અન્નના દાણા તથા જળ તે વડે જો સંભાળ રાખી શકાય તો જ પક્ષીઓને પાળવાં, નહિ તો પાળવાં નહિ, આવો અભિપ્રાય છે. ।।૧૪૨।।