यथाशक्ति यथाकालं सङ्ग्रहो।न्नधनस्य तैः । यावद्वययं च कर्तव्यः पशुमद्बिस्तृणस्य च ।।१४१।।
અને વળી ગૃહસ્થ સત્સંગીઓ હોય તેમણે, પોતાના સામર્થ્ય પ્રમાણે અને સમયને અનુસારે જેટલો પોતાના ઘરમાં ખર્ચ હોય તેટલા અન્ન ધનનો સંગ્રહ કરવો. અને જેના ઘરમાં પશુ હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે અને સમય સમયને અનુસારે ઘાસનો સંગ્રહ કરવો.
શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- પોતાના ઘરમાં દર વર્ષે જેટલો વપરાશ હોય તેને અનુસારે ડાંગર, ઘઉં આદિક અન્ન અને રૂપિયા આદિક ધનનો સંગ્રહ કરવો. જે સમયે જે અન્ન સસ્તું મળતું હોય તે સમયે તે અન્નનો સંગ્રહ કરી લેવો. અને વળી જેના ઘરમાં પશુઓ હોય એવા ગૃહસ્થ સત્સંગીઓએ પશુના ભક્ષણને યોગ્ય એવા ઘાસનો સંગ્રહ પણ, જે સમયે ઘાસ સસ્તું મળતું હોય તે સમયે કરી લેવો. અન્ન અને ધનનો સંગ્રહ કરવો કે ઘાસનો સંગ્રહ કરવો એ તો ગૃહસ્થો માટે દેખાતું જ ફળ છે. માટે આમાં કોઇ પ્રમાણની જરૂર નથી, આવો અભિપ્રાય છે. ।।૧૪૧।।