શ્લોક ૧૪૦

यथाशक्त्युद्यमः कार्यो निजवर्णाश्रमोचितः । मुष्कच्छेदो न कर्तव्यो वृषस्य कृषिवृत्तिभिः ।।१४०।।


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, પોતાના વર્ણ અને આશ્રમને યોગ્ય એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને ખેતીનો ઉદ્યમ કરનારા જે ગૃહસ્થ સત્સંગી હોય તેમણે બળદીયાના વૃષણનો ઉચ્છેદ કરવો નહિ.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનું વિવરણ કરતાં સમજાવે છે કે- ગૃહસ્થાશ્રમી પુરુષોએ પોતાની શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. પોતાની શક્તિ ઉપરાંત જો ઉદ્યમ કરે અને પછી એ ઉદ્યમ બરાબર ચાલે નહિ, અથવા ખોટ આવે, અને ઉપર ઋણ થતું રહે તો મનુષ્યો ઉપહાસ કરે, તેથી મનમાં ખેદ ઉત્પન્ન થાય અને પછી મરણ પર્યંતનું સાહસ કરવું પડે છે. માટે શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો. આ બાબતમાં લઘુચાણક્યનું વાક્ય પ્રમાણ રૂપ છે. ''अनुचितकर्मारम्भः स्वजनविरोधो बलीयसि स्पर्धा । प्रमदाजन विश्वासो मृत्योर्द्वाराणि चत्वारि'' ।। इति ।। આ શ્લોકનો એ અર્થ છે કે- પોતાને યોગ્ય ન હોય એવા ઉદ્યમનો પ્રારંભ, પોતાના કુટુંબીઓની સાથે વિરોધ કરે છે, માટે હું પણ કરૂં. આ રીતે બળવાનની સાથે સ્પર્ધા અને દુષ્ટ સ્ત્રીઓનો વિશ્વાસ કરવો. આ ચાર મૃત્યુનાં દ્વારો કહેલાં છે. માટે પોતાને યોગ્ય ન હોય એવા ઉદ્યમનો પ્રારંભ કરવો નહિ. શ્રીભાષ્યકાર શતાનંદ સ્વામી કહે છે કે- ઉદ્યમ શબ્દથી કેવળ આ લોકમાં જ સુખને આપનારો ઉદ્યોગ ઇચ્છાયેલો નથી, પરંતુ દેહને અંતે પરલોકમાં સુખને આપનારો પણ ઉદ્યમ કરવો. વિદુરનીતિમાં કહેલું છે કે- દિવસ દરમ્યાન એવું કર્મ કરવું કે, જેથી રાત્રે સુખપૂર્વક નિદ્રા આવી જાય. અને આઠ માસ પર્યંત એવું કર્મ કરી લેવું કે, જેથી વર્ષાઋતુ સુખે જાય. નાની અવસ્થામાં એવું કાર્ય કરવું કે, જેથી વૃદ્ધાવસ્થા સુખપૂર્વક પ્રસાર થાય. અને જીવનપર્યંત એવું કાર્ય કરવું કે, જેથી મરીને પરલોકમાં સુખ પ્રાપ્ત થાય. આ રીતે પરલોકમાં સુખ આપનારો ઉદ્યમ પણ આ લોકના ઉદ્યમની સાથે સાથે કરવો. આવો ભાવ છે. અને વળી ખેતી કરનારા જે ગૃહસ્થ સત્સંગીઓ હોય તેમણે, બળદના વૃષણનું કર્તન કરવું નહિ. અર્થાત્ અંડથી યુક્ત અને નીરોગી બળદને જ ખેતીમાં ખેડવો, આવો ભાવ છે. ।।૧૪૦।।