શ્લોક ૧૩૯

यावज्जीवं च शुश्रूषा कार्या मातुः पितुर्गुरोः । रोगार्तस्य मनुष्यस्य यथाशक्ति च मामकैः ।।१३९।।


અને વળી મારા આશ્રિત એવા જે ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, માતા, પિતા અને ગુરૂ તથા રોગાતુર એવા કોઇપણ મનુષ્ય તેની સેવા જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકનો ભાવ સમજાવતાં કહે છે કે- માતા-પિતાની સેવા કરવી એ પુત્રોનો પરમ ધર્મ કહેલો છે. અને ગુરૂની સેવા કરવી એ શિષ્યનો પરમ ધર્મ કહેલો છે. તેજ રીતે રોગાતુર માણસની સેવા કરવી એ માણસની પરમ માનવતા કહેલી છે. માતા-પિતા અને ગુરૂ આ ત્રણે જ્યારે પ્રસન્ન થાય છે. ત્યારે સર્વે તપની સમાપ્તિ થઇ જાય છે. અને આ ત્રણની સેવા કરવી એ જ પરમ તપ કહેલું છે. ભાગવતમાં પણ શ્રીકૃષ્ણ ભગવાને માતા-પિતા પ્રત્યે કહેલું છે કે- ''सर्वार्थसंभवो देहो जनितः पोषितो यतः । न तयोर्याति निर्वेशं पित्रोर्मर्त्यः शतायुषा'' ।। इति ।। હે પિતા ! હે માતા ! સર્વે પુરુષાર્થને આપનારો આ દેહ જે માતાપિતા થકી ઉત્પન્ન થયેલો છે. અને જે માતા-પિતા થકી પોષણને પામેલો છે. એ માતા-પિતાના ઉપકારનો બદલો મનુષ્ય સો વર્ષે પણ વાળી શકતો નથી. માટે જે પુત્ર શરીરથી સેવા કરવામાં સમર્થ હોય છતાંપણ માતા-પિતાની સેવા કરતો નથી. અને ધને કરીને સમર્થ હોય છતાં પણ માતા-પિતાને જે પુત્ર આજીવિકા વૃત્તિ આપતો નથી. તે પુરુષ રૌરવ નામના નરકમાં પડે છે. અને યમદૂતો તેના જ શરીરનું માંસ તેને ખવડાવે છે. માટે માતા-પિતા અને ગુરૂની સેવા યથાશક્તિ કરવી. તેજ રીતે રોગે કરીને પીડાને પામેલા મનુષ્યની સેવા પણ યથાશક્તિ કરવી. પરાશરસ્મૃતિમાં કહેલું છે કે- ''रोगाग्निशस्त्राद्यार्तस्य प्राणिनो दयया।न्वहम् । कार्या सेवा यथाशक्ति भैषज्यान्नोदकादिभिः'' ।। इति ।। કોઇપણ રોગથી પીડાને પામેલા પ્રાણીની દયાએ કરીને ઔષધ, અન્ન, જળ ઇત્યાદિકે કરીને યથાશક્તિ સેવા કરવી. રોગીની સેવા કરનારને ગૌદાનની સમાન ફળ પ્રાપ્ત થાય છે. આવો અભિપ્રાય છે. ।।૧૩૯।।