શ્લોક ૧૩૮

अन्नाद्यैः शक्तितो।भ्यर्च्यो ह्यतिथिस्तैर्गृहागतः । दैवं पैत्र्यं यथाशक्ति कर्तव्यं च यथोचितम् ।।१३८।।


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષો હોય તેમણે, પોતાને ઘેર આવેલો જે અતિથિ, તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નાદિક વડે પૂજા કરવી. તથા હોમાદિક જે દેવકર્મ, અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તેને પણ પોતાના સામર્થ્ય પ્રમાણે અને વિધિપ્રમાણે કરવું.


શ્રી ભાષ્યકાર શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે- શ્રીજીમહારાજે ગૃહસ્થને મનુષ્ય યજ્ઞા, દૈવયજ્ઞા અને પિતૃયજ્ઞા આ ત્રણ યજ્ઞોનો ઉપદેશ આ શ્લોકમાં કરેલો છે. ગૃહસ્થોના ઘરમાં સ્વાભાવિક રીતે પાંચ જગ્યાએ પાપો થાય છે. ''कण्डनी पेषणी चुल्ली उदकुम्भी च मार्जनी । पञ्च सूना गृहस्थस्य ताभिः स्वर्गं न विन्दति'' ।। इति ।। આ ભવિષ્ય પુરાણના શ્લોકમાં પાંચ હિંસાનાં સ્થળો કહેલાં છે. એક ધાન્યાદિકને બરાબર સાફ કર્યું ન હોય તો ખાંડણીમાં ખાંડતી વખતે પાપ થાય છે. બીજું ઘંટીમાં ધાન્યાદિકને પીસતી વખતે પાપ થાય છે. ત્રીજું ચુલાનું પાપ છે. અગ્નિમાં રસોઇ કરતી વખતે જે જીવ જંતુઓ મરે છે, એ ચુલ્લાનું પાપ કહેવાય છે. ચોથું પાણીયારામાં પણ પાપ થાય છે. અને પાંચમું સાવરણી કાઢતી વખતે પાપ થાય છે. આ પાંચ જગ્યાએ હિંસાઓ સ્વાભાવિક રીતે થયા કરે છે. તેથી એ પાંચ હિંસાનાં પાપોના નિવારણને માટે ગૃહસ્થોએ પોતાના ઘરમાં પાંચ મહાયજ્ઞો પ્રતિદિન અવશ્ય કરવા જોઇએ. બ્રહ્મયજ્ઞા, દૈવયજ્ઞા, પિતૃયજ્ઞા, મનુષ્યયજ્ઞા, અને પાંચમો ભૂતયજ્ઞા આ પાંચ યજ્ઞોને જે ગૃહસ્થ કરે છે તેનાં અજાણતાં થયેલાં તમામ પાપોનો નાશ થઇ જાય છે. તેમાં પ્રતિદિન પરમાત્માની પૂજા કરવી, ભગવાનનું નામકીર્તન કરવું, સચ્છાસ્ત્રો વાંચવાં સાંભળવાં વગેરેને બ્રહ્મયજ્ઞા કહેવાય છે. અને પ્રતિદિન ઘરમાં અગ્નિહોત્ર નામનું કર્મ કરવું. અર્થાત્ હવન દ્વારા ઇન્દ્રાદિક દેવોનું તર્પણ કરવું તેને દેવયજ્ઞા કહેવાય છે. અને પિતૃતર્પણ કરવું. અર્થાત્ શ્રાદ્ધાદિક જે કર્મ કરવું તેને પિતૃયજ્ઞા કહેવાય છે. અને અતિથિઓનો સત્કાર કરવો, પૂજન કરવું એ મનુષ્ય યજ્ઞા કહેવાય છે. અને ભૂતપ્રાણી માત્રને જે બલિ અર્પણ કરવું. પશુઓને ચારો નાખવો, પક્ષીઓને ચણ નાખવું વગેરે ભૂતયજ્ઞા કહેવાય છે. આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોની અંદર વર્ણવેલા છે. તેમાં શ્રીજીમહારાજ મનુષ્યયજ્ઞા, દેવયજ્ઞા અને પિતૃયજ્ઞા આ ત્રણ યજ્ઞાનો ઉપદેશ કરતાં કહે છે કે, ગૃહસ્થાશ્રમી પુરુષોએ પોતાને ઘેર આવેલા કોઇપણ ભિક્ષુક જે અતિથિ તેને નિરાશ કરવા નહિ. અતિથિને અન્નાદિક વડે સત્કાર કરીને સંતુષ્ટ કરવા. અતિથિને સંતુષ્ટ કરવાથી સાક્ષાત્ પરમાત્મા સંતુષ્ટ થાય છે. ''येनार्चितो।तिथिःप्रीत्या तेन संप्रीणितो हरिः'' ।। इति ।। આ પરાશરસ્મૃતિના વાક્યનો એ અર્થ છે કે, જેમણે પ્રેમથી અતિથિની પૂજા કરેલી છે, તેમણે સાક્ષાત્ ઇશ્વરને પ્રસન્ન કરેલા છે. માટે અતિથિ જ્યારે પોતાને ઘેર પધારે ત્યારે સાક્ષાત્ ભગવાન મારે ઘેર પધાર્યા છે. આ પ્રમાણે અતિથિમાં ભગવદ્ભાવ લાવીને અતિથિનું સન્માન કરવું. અને અન્નવસ્ત્રાદિકે કરીને અતિથિની પૂજા કરવી, પણ તિરસ્કાર કે અનાદર ક્યારેય પણ કરવો નહિ. અને જો તિરસ્કાર પૂર્વક અનાદર કરવામાં આવે તો નરકની પ્રાપ્તિ પણ થાય છે. આ વિષયમાં ભાગવતનો પંચમસ્કંધ પ્રમાણરૂપ છે. ભાગવતના પંચમસ્કંધમાં કહેલું છે કે, જે ગૃહસ્થાશ્રમી પુરુષ પોતાને ઘેર આવેલા અતિથિને જોઇને જાણે ક્રોધથી અતિથિને બાળી રહેલો હોય ને શું ? તેની પેઠે તિરસ્કાર દૃષ્ટિથી અતિથિ સામું જુએ છે. તો તિરસ્કારદૃષ્ટિવાળો પુરુષ નરકમાં પડે છે. અને ત્યાં વજ્રની સમાન ચાંચવાળાં ગીધડા, કાગડા અને બગલા ઇત્યાદિક પક્ષીઓ તેનાં નેત્રોને બળાત્કારે ખેંચી કાઢે છે. માટે ગૃહસ્થાશ્રમી પુરુષોએ ઘેર આવેલા અતિથિને તિરસ્કાર દષ્ટિથી જોવા નહિ. અને અતિથિને નિરાશ પણ કરવા નહિ. જેના ઘરમાં અતિથિની જળ વડે પણ પૂજા થતી નથી, અને અતિથિઓ નિરાશ થઇને પાછાં વળે છે. તે પુરુષના ઘરને પણ શાસ્ત્રોમાં શિયાળીયાંને રહેવાના બોળની સમાન કહેલાં છે. માટે ગૃહસ્થોએ અતિથિની પ્રેમથી પૂજા કરવી.


અને વળી ગૃહસ્થાશ્રમી પુરુષોએ ઇન્દ્રાદિક દેવોનું તર્પણ તથા અગ્નિહોત્ર ઇત્યાદિક દેવસંબન્ધી કર્મ અને શ્રાદ્ધાદિક પિતૃસમ્બન્ધી કર્મ પોતાની શક્તિને અનુસારે અને અધિકારને અનુસારે કરવું. જે ગૃહસ્થ દેવ સંબન્ધી કર્મ તથા પિતૃ સંબન્ધી કર્મ કરતો નથી તેને મહાન દોષ લાગે છે. આ બાબતમાં સ્મૃતિનું વાક્ય પ્રમાણરૂપ છે. ''दैवं पित्र्यं यथावितं यो नाचरति मूढधीः । क्षीणपुण्यः पतत्येव रौरवे स न संशयः'' ।। इति ।। આ સ્મૃતિવાક્યનો એ અર્થ છે કે, મૂઢ બુદ્ધિવાળો જે પુરુષ દેવ સંબન્ધી અને પિતૃસંબન્ધી કર્મ કરતો નથી તે પુરુષના પૂણ્યનો નાશ થઇ જાય છે. અને રૌરવ નામના નરકમાં પડે છે. એમાં કોઇ જાતનો સંશય નથી. માટે ગૃહસ્થાશ્રમી પુરુષોએ શક્તિ પ્રમાણે એ બન્ને કર્મો કરવાં. આવો ભાવ છે. ।।૧૩૮।।