૪૮. ચાર પ્રકારના કુસંગથી બચવા પ્રાર્થના કરવી.

સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૧૩ તેરસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સંધ્યા સમે બિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલું બળતી હતી, અને શ્રીવાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન્ય થઇ રહી.

તે કેડે શ્રીજી મહારાજ બોલ્યા જે, સર્વે સાવધાન થઇને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા જે, હે મહારાજ! કહો. ? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, એ અમારી આજ્ઞા છે જે, હરિભક્ત માત્રને શ્રીનરનારાયણની મૂર્તિ કાગળમાં લખાવી દઇશું, તે પૂજજો, અને એ પૂજા સર્વે શાસ્ત્રે કરીને પ્રમાણ છે. અને શ્રીમદ્બાગવતને વિષે પણ અષ્ટ પ્રકારની મૂર્તિ કહી છે. માટે ચિત્રમૂર્તિ પણ અતિ પ્રમાણ છે, અને અમારી આજ્ઞા પણ છે. માટે હરિભક્ત માત્રને પ્રાતઃકાળમાં સ્નાન કરીને શ્રીનારાયણની પૂજા કરવી, અને પૂજા કર્યા પછી પ્રદક્ષિણા કરવી, અને સાષ્ટાંગ પ્રણામ કરવા, પછી ભગવાન પાસે એમ માગવું, જે હે મહારાજ ! અમારી કુસંગ થકી રક્ષા કરજો. તે કુસંગ ચાર પ્રકારનો છે. એક તો કુંડા પંથી, બીજો શક્તિપંથી, ત્રીજો શુષ્કવેદાંતી અને ચોથો નાસ્તિક, એ ચાર પ્રકારનો કુસંગ છે. તેમાં જો કુડા પંથીનો સંગ થાય તો ૧વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે. અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂ માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે. અને જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે. અને જો નાસ્તિકનો સંગ થાય તો ર્ક્મનેજ સાચાં કરી પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેમને ખોટા કરી દેખાડે, અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું જે, એ ચાર પ્રકારના માણસનો કોઇ દિવસ સંગ થશો નહિ. અને વળી એમ પ્રાર્થના કરવી જે, હે મહારાજ ! કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઇર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો. અને નિત્યે તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્યે ભગવાનની પ્રાર્થના કરવી"

અને તમે સર્વે હરિભક્ત એમ મનમાં લાવશોમાં, જે એ કાગળ ઉપર ચિત્રામણ છે તે આપણી કેમ કુસંગ થકી રક્ષા કરશે ? એવો ભાવ તો કોઇ દહાડો લાવશોમાં. કાં જે અમે તો સત્પુરૂષ છીએ તે અમારી આજ્ઞાએ કરીને તમે સર્વે નરનારાયણની પૂજા રાખશો તો, અમારે અને નરનારાયણને સુધો મનમેળાપ છે. તે અમે નરનારાયણને કહેશું જે, હે મહારાજ ! જે પંચ વર્તમાનમાં રહીને અમારી આપેલ જે તમારી મૂર્તિ તેને પૂજે તેમાં તમે અખંડ વાસ કરીને રહેજો. માટે એ નરનારાયણ દેવ છે તેને અમે સ્નેહરૂપી પાસે બાંધીને અમે જોરાવરી રાખીશું. માટે તમે સર્વે એમ નિશ્ચે જાણજો જે, એ મૂર્તિ તે શ્રીનરનારાયણ દેવ પંડે જ છે. એવું જાણીને કોઇ દહાડો મૂર્તિ અપૂજ રહેવા દેશો માં અને પ્રાતઃકાળમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કરવી અને પછી બીજો ધંધો કરવો. અને જ્યાં સુધી પંચવર્તમાનમાં રહીને એ નરનારાયણ દેવની પૂજા કરશો ત્યાં સુધી એ મૂર્તિને વિષે શ્રીનરનારાયણ વિરાજમાન રહેશે. એ અમારી આજ્ઞા છે. તે સર્વે દ્રઢ કરીને માનજો. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા તે વચન સર્વે હરિભક્તે માથે ચઢાવ્યાં. ઇતિ વચનામૃતમ્ ।।૪૮।।

૧ બ્રહ્મચર્યાદિક વ્રતરૃપ.