સ્નેહગીતા - કડવું ૨૪<br />

છબીલોજી દઇ ગયા બાઇ છેહજી, જાણી જન અજ્ઞા આપણે અતિ સેહજી ।
મૂઢમતિ જોઇ અબળાનો દેહજી, શિયા ગુણ જોઇ રાખે આપણશું નેહજી ।।૧।।
ઢાળ –શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો આપણશું આચરે ।
જોઇ જોઇને જોયું અંતે, સાર નવ દીઠું સરે ।।૨।।
બાઇ અસન અતિ જડમતિ, તેતો શું સમઝિયે સ્નેહને ।
જાડાબોલી ૩પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને ।।૩।।
વાટે ઘાટે વનમાં વિચરૂં, વળી છુટે છેડે ફરીએ ।
એવા ગુણ જાણી આપણા, બાઇ હેત તોડયુંછે હરિએ ।।૪।।
સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી ।
બાઇ એવા કુળમાં ઉપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતિ ।।૫।।
પ રંગ અંગે નહિ આપણે, વળી પ્રિતમાંહિ પ્રીછું નહિ ।
એવાં કઠોર નઠોર ૪ નગણાં જાણી, નંદલાડીલે તજ્યાં લહિ ।।૬।।
બાઇ વનચરિયો નિર્લજ્જ ફરિયો, વળી વ્યભિચાર ભાવે એને ભજી ।
એવા ગુણ જાણી આપણા, બાઇ તેહ સારૂં તેણે તજી ।।૭।।
ક્યાં પારસ ને ક્યાં પથરો, ક્યાં કાચ ને ક્યાં કંચન ।
એહ આગળ બાઇ એમ આપણે, તેણે માન્યું નહિ એનું મન ।।૮।।
દૈવ જોગે દોયજ દહાડા, પ્રકટયો હતો થર સુખનો ।
પલટિ પળ ને પ્રિયે પરહર્યોં, દઇ ગયા દિવસ દુઃખનો ।।૯।।
વળી અવગુણ જોયા આપણા, ના'વ્યો સંદેશો નવ લહી સારને ।
નિષ્કુલાનંદને નાથે સજની, વિસારી બાઇ વ્રજનારને ।।૧૦।। કડવું ।।૨૪।।