સ્નેહગીતા - કડવું ૩૧

ઉદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી ।
ભાઇ અમને ભામિનીને શીદ પાડોછો ભૂલીયુંજી, છતે કંથે છાર કો'ને કેણે ચોળીયુંજી ।।૧।।
ઢાળ –છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો વિધવા કેરો વેપાર છે ।
કંથ વિયોગી અંતર રોગી, તેને ભુંસવી ભલી છાર છે ।।૨।।
વળી નર કોઇ નિરભાગી, સુત વિત્ત દારાનો દુઃખિયો ।
તેહ જોગ લઇને જાય જંગલે, થાવાનો કોઇ સ્થળે સુખિયો ।।૩।।
વળી ભવવૈભવ જેને હોય વા'લા, તેતો એક બ્રહ્મ કહી ઉચ્ચરે ।
ભાત્ય ઉભયભ્રષ્ટ થઇને, પછી મનમાન્યા વિષય કરે ।।૪।।
વળી ધણી વિના જે ધ્યાન ધરે, તેતો કોઇકનું ઘર ઘાલવા ।
જેમ આંખ્ય મિંચી બેસે બલાઇ, તેતો ઝડપી ઉંદરને ઝાલવા ।।૫।।
ડગમગ દિલ ચળ ચિત્તવાળા, જેને પ્રતીતિ નહિ પ્રગટતણી ।
તેતો વણ કહ્યે વેપાર એહવો, ભાઇ ધાઇને કરશે તેનો ધણી ।।૬।।
ઉદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર ન દીઠો કાંઇ શોધતાં ।
અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું પરમોદતાં ।।૭।।
બહુ સાધને સાધ્યું હશે, ઉદ્ધવજી એવું જ્ઞાન ।
આટલા દિવસ આવા વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન ।।૮।।
બીજાને તો જોગ ધરાવો, ભાઇ તમે તે ભોગી કેમ રહ્યા ।
અમે કંગાલની ઉપરે, છેક ન થઇએ નિર્દયા ।।૯।।
એવા સંદેશા સાટે ઉદ્ધવ, કેમ ના'ણ્યો કૂપ વિષનો ભરી ।
નિષ્કુલાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી ।।૧૦।। કડવું ।।૩૧।।