સ્નેહગીતા - કડવું ૩૬

વીરા નથી વિસરતી ઉદ્ધવ એહ વારતાજી, દિલડું દાઝેછે એ સુખ સંભારતાંજી ।
 વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને દેખાડીએ જ્યાં હરિ ગાયો ચારતાજી ।।૧।।
ઢાળ –ગાયો ચારતા ગોવિંદ જિયાં, તિયાં ઉદ્ધવને તેડી ગયાં ।
વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ વનનાં દેખાડિયાં ।।૨।।
ઇયાં એણે અઘાસુર માર્યો, ઇયાં બ્રહ્માજીએ વત્સ હરિયાં ।
ઇયાં બેસી અન્ન જમિયા, ઇયાં વત્સ બાળક બીજાં કરિયાં ।।૩।।
આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર ।
આ સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।।
આ ઠામે એણે અમને રોક્યાં, આ ઠામે મહી લઇ લુટિયાં ।
આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે કરી માંટ મારાં ફુટિયાં ।।૫।।
ઇયાં એણે વેણ વગાડી, ઇયાં રમાડયાં એણે રાસ જો ।
ઇયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઉદાસજો ।।૬।।
પછી ઇયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।
જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।।
ઇયાં વશ કીધા અમે, ઇયાં આવ્યા હતા અલબેલ ।
ઇયાં રાસ ફરી રચિયો, પછી રમાડિયાં રંગરેલ ।।૮।।
ઉદ્ધવને સર્વે સ્થળ દેખાડતાં, અતિ આંખડિયે આંસુ ઝરે ।
ઉદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।।
એવાં સુખ નથી દીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે ।
નિષ્કુલાનંદના નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।।