ઉદ્ધવ ઉચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી મતિજી ।
મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં હવે જુવતિજી ।।૧।।
ઢાળ –જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા કરો તમે ।
ત્યારે સુંદરી કહે સારૂં વીરા, સુખે પધારો રાજી અમે ।।૨।।
પછી ભવન ભવન ગઇ ભામીની, લાવી ભેટ ભૂધર અરથે ।
મહી માખણ દુધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે ।।૩।।
કોઇક ૨કુરમલડો લાવી, કોઇક તલ બાજરી તલ સાંકળી ।
કોઇક ધોતી પોતી પીતાંબર, કોઇ લાવી કાળી કાંબળી ।।૪।।
ભર્યો રથ લઇ ભેટશું, લાવી વસ્તુ બહુ પ્રકારની ।
અગર ચંદન માળા આપી, ઉદ્ધવ કરજો પૂજા મોરારની ।।૫।।
કોઇક કહે ચરણ હૃદે ધરજો, કોઇ કહે અંગોઅંગ ભેટજો ।
કોઇક કહે હૈયે હાથ ચાંપી, કોઇ કહે ચરણમાં લોટજો ।।૬।।
કોઇ કહે જઇ બકી લેજો, કોઇ કહે ગાલ ઝાલી તાણજો ।
કોઇ કહે હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો ।।૭।।
જેને જેવું અંગ હતું, તેણે તે તેવું કા'વિયું ।
હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે આવિયું ।।૮।।
વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઉદ્ધવ કહેજો જઇ કૃષ્ણને ।
દયાનિધિ દયા કરીને, દેજો વહેલાં હરિ દૃષ્ણને ।।૯।।
ઉદ્ધવજી સ્તુતિ કરજો, કર જોડી અમારી વતી ।
નિષ્કુલાનંદના નાથ આગળે, વિધવિધ કરજો વિનતિ ।।૧૦।। કડવું ।।૩૮।।