ભગવાન શ્રીહરિએ ધનાઢય ભક્તોના ધર્મોમાં મંદિરો બાંધવાનો કહેલો મહિમા. પૂજાપદ્ધતિનાં પચીસ તંત્રાગમનાં નામ. પ્રતિષ્ઠાવિધિમાં શુભફળ આપનારા મહિનાઓ. વાવ, કુવા, તળાવ આદિ ગળાવવાનું ફળ. વૃક્ષારોપણનો મોટો મહિમા. નવગ્રહ પૂજનનો મહિમા. દાનથી ગ્રહોની પીડાનું નિવારણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે, હે બ્રહ્મન્ !
ગૃહસ્થ જનોએ પોતાના વૈભવને અનુસારે મજબૂત તેમજ ચૂનાથી ધોળાં કરેલાં, સ્થાપન દેવતા માટે યોગ્ય એવાં, સર્વતોભદ્ર મંડળ યુક્ત સિંહાસને સહિત હરિમંદિરો ભક્તિભાવપૂર્વક કરાવવાં.૧
હે રૃડાવ્રતવાળા હે વિપ્ર !
ધનાઢય ગૃહસ્થો જેમ જેમ અતિશય મજબૂત મંદિરો તૈયાર કરાવતા જાય છે, તેમ તેમ તેઓને અધિક અધિક ફળનો ઉત્કર્ષ થતો જાય છે. એમ સૌએ જાણવું.૨
જ્યોતિષશાસ્ત્રાનુસાર પૂર્વાભિમુખ રમણીય મંદિરો તૈયાર કરાવવાં. તે મંદિરની આગળના ભાગમાં મેદાનમાં ભગવાનની સન્મુખ બેઠેલા ને ભગવાનનાં તેમને દર્શન થાય તેવા ગરૃડમંડપની રચના કરાવવી.૩
મંદિરની ફરતે તીર્થવાસીઓને નિવાસ કરવા યોગ્ય કિલ્લાઓએ સહિત બંધીની જગ્યાવાળી રમણીય ધર્મશાળાઓ બંધાવવી.૪
મંદિરમાં ફળ, પુષ્પ અને વૃક્ષોએ યુક્ત બગીચા બનાવવા, તેવી જ રીતે મધુર અને નિર્મળ જળવાળી ને ગરમીની ઋતુમાં પણ જળ ખૂટે નહિ તેવી વાવ પણ કરાવવી.૫
મંદિરના મધ્યભાગમાં શ્રીવાસુદેવ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવી, અગ્નિખૂણામાં અંબિકાદેવીની, નૈઋર્ત્ય ખૂણામાં સૂર્યની, વાયુખૂણામાં બ્રહ્માજીની અને ઇશાનખૂણામાં ગણપતિએ સહિત શિવજીની સ્થાપના કરવી. તે મૂર્તિઓ ઉત્સવો ઉજવી શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરવી.૬-૭
પૂજાપદ્ધતિનાં પચીસ તંત્રાગમનાં નામ :-
હે વિપ્ર !
ભગવાન શ્રીહરિની ઉપાસના પધ્ધતિનો બોધ કરાવનારા પંચરાત્ર અને સપ્તરાત્ર નામના આગમો પૂર્વે ભગવાન શ્રીહરિએ જ કહેલા છે.૮
કાળે કરીને સ્વર્ગમાં તથા આ ભૂમંડળ ઉપર ઋષિમુનિઓએ તે આગમતંત્રોને વિસ્તાર કરી પચીસ સંખ્યામાં વિભાજીત કર્યાં છે. તેઓનાં નામ હું તમને કહું છું, તે સાંભળો.૯
હયગ્રીવ, વૈષ્ણવ, પૌષ્કર, ગાર્ગ્ય, ગાલવ, પ્રાહ્લાદ, નારદીય, શ્રીપ્રશ્ન, શૌનક, શાંડિલ્ય, ઐશ્વર, તાર્ક્ષ્ય, વાસિષ્ઠ, જ્ઞાનસાગર, સ્વાયમ્ભુવ, વિશ્વોક્ત, સત્યોક્ત, કાપિલ, નારાયણીય, આત્રેય, નારસિંહ, આરુણ, બૌધાયમાન, સાનંદ અને અષ્ટાંત આ પચીસ ઉપાસના તંત્રો છે. આ તંત્રોના મધ્યે કોઇ પણ એક તંત્રના વિધાન પ્રમાણે વૈષ્ણવ વિધાનનો આશ્રય કરી મંદિરમાં શ્રીવાસુદેવ ભગવાનની પ્રતિષ્ઠા અને પૂજા કરવી, તેની સાથે તાદાત્મ્યભાવને પામેલા શિવ, સૂર્ય, ગણપતિ અને પાર્વતીદેવીનાં મંદિરો પણ સદ્ગૃહસ્થોએ પોતાના વૈભવ પ્રમાણે બાંધવાં.૧૦-૧૪
પ્રતિષ્ઠાવિધિમાં શુભફળ આપનારા મહિનાઓ :-
હે વિપ્ર !
ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ માસ સર્વે દેવોની પ્રતિષ્ઠામાં શુભ ફળ આપનારા મનાયેલા છે. કેટલાક વિદ્વાનો ચૈત્રમાસને દેવ પ્રતિષ્ઠામાં ઇચ્છતા નથી.૧૫
તેવી જ રીતે વિષ્ણુની પ્રતિષ્ઠામાં માઘમાસ ઉચિત નથી અને દક્ષિણાયન પણ વર્જ્ય છે.૧૬
માઘ, ફાગણ, વૈશાખ, જેઠ અને અષાઢ, આ પાંચ માસમાં અને તેમાં પણ સુદ પક્ષમાં શિવજીની સ્થાપના ઉત્તમ કહેલી છે.૧૭
હે વિપ્ર !
જે પુરુષ દેવાલય અને ધર્મશાળા બંધાવે છે, તે પુરુષ પોતાની સાત પેઢીનો આ સંસારથકી ઉદ્ધાર કરે છે.૧૮
તે બંધાવેલાં દેવાલયોમાં જેટલી સંખ્યામાં ઇંટો ચણતરમાં મૂકે, તેટલાં હજારો વર્ષો સુધી તે દેવાલય બંધાવનારો પુરુષ સ્વર્ગમાં નિવાસ કરીને રહે છે.૧૯
જે પુરુષ લક્ષ્મીજીએ સહિત શ્રીવાસુદેવ ભગવાનનું મજબૂત રમણીય મંદિર બંધાવે છે, તે ચોક્કસ મોક્ષને પ્રાપ્ત કરે છે.૨૦
અને તે મંદિરને ફરતે ધર્મશાલા કે મંડપાદિની રચના કરાવે છે, તો તે સર્વલોકને નમસ્કાર કરવા યોગ્ય નિશ્ચળ વૈકુંઠધામને પામે છે.૨૧
હે વિપ્ર !
જે પુરુષ શ્રીવાસુદેવ ભગવાનનું મંદિર કનિષ્ઠ પ્રકારનું કરાવે તો પણ ઇન્દ્રના લોકને પામે છે. તેમાં કોઇ સંશય નથી.૨૨
ઘણા ધનવાળો પુરુષ અતિશય ઉત્તમ મંદિર બંધાવાથી જે ફળ પ્રાપ્ત કરે છે, તે જ ફળ અલ્પ ધનવાળો પુરુષ પણ પોતાના નિયમમાં તત્પર થઇ શક્તિ પ્રમાણે કનિષ્ઠ પ્રકારનું પણ શ્રીવાસુદેવ ભગવાનનું મંદિર બંધાવે ત્યારે તે જ ફળ પ્રાપ્ત કરે છે.૨૩
બીજાએ બંધાવેલાં મંદિરમાં ઉત્સવ સાથે દેવોનો પ્રતિષ્ઠા વિધિ કરાવે છે, તે પણ સાર્વભૌમ રાજ્યને પ્રાપ્ત કરે છે. અને કેવળ મંદિરનું નિર્માણ કરાવનાર ત્રણ ભુવનના અધિપતિપદને પ્રાપ્ત કરે છે, તથા ભગવાન શ્રીહરિની પૂજા પ્રવાહની પ્રવૃત્તિ કરાવી આપે છે, તે બ્રહ્માના લોકને પ્રાપ્ત કરે છે, અને ત્રણે મંદિર, પ્રતિષ્ઠા અને પૂજા પ્રવાહ એક સાથે કરાવનારો પુરુષ શ્રીવાસુદેવ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે.૨૪
જે પુરુષ કોઇ જાતના દંભ વિના કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમનું મંદિર બંધાવે છે, તે પુરુષ એકસો કુળનો ઉદ્ધાર કરાવી વૈકુંઠમાં નિવાસ કરાવે છે.૨૫
વળી જે પુરુષ દેવાલય તથા મઠાદિકનો ચૂનો લગડાવીને-રંગરોગાનાદિ કરાવીને જીર્ણોદ્ધાર કરાવે છે, તે પુરુષને પણ મોટું પુણ્ય થાય છે.૨૬
જે જનો મંદિર વાળે, લીંપણ કરે અને દીપ પ્રગટાવે તે ત્રણે જણ વિષ્ણુલોકને પામે છે.૨૭
વાવ, કુવા, તળાવ આદિ ગળાવવાનું ફળ :-
હે વિપ્ર !
જે પુરુષો કૂવા, વાવ અને તળાવ કરાવે છે, તેઓને તો તે પુણ્યકર્મથી અવિનાશી ફળ પ્રાપ્ત થાય છે, તે નક્કી છે.૨૮
જેમણે કરાવેલાં સરોવરમાં વર્ષાકાળ સુધી જો પાણી રહે તો તેમને પ્રતિદિન અગ્નિહોત્ર હવનનું ફલ પ્રાપ્ત થાય છે.૨૯
જેમણે કરાવેલાં તળાવમાં શરદઋતુ સુધી પાણી રહે છે, તેમને એકહજાર ગાયના દાનનું ફળ પ્રાપ્ત થાય છે.૩૦
જેમણે તૈયાર કરાવેલાં તળાવમાં હેમંતઋતુ સુધી પાણી રહે છે, તેમણે બહુ સુવર્ણના દાને યુક્ત કરેલા યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૧
હે રૃડા વ્રતવાળા વિપ્ર !
જે પુરુષે તૈયાર કરાવેલાં તળાવમાં શિશિરઋતુ સુધી પાણી રહે છે, તે પુરુષને અગ્નિષ્ટોમ યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૨
જેમણે ગળાવેલાં તળાવમાં વસંતઋતુ સુધી પાણી રહે છે, તે પુરુષને અતિરાત્ર યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૩
તેમણે ગળાવેલાં તળાવમાં ગ્રીષ્મકાળ સુધી પાણી રહે તે વાજિમેઘ યજ્ઞાનું ફળ પ્રાપ્ત કરે છે.૩૪
વળી જે પુરુષે ખોદાવેલાં તળાવમાં ગાયો, સંતો અને મનુષ્યો સદાય પાણી પીએ છે, તે પુરુષ સર્વકુળને તારે છે.૩૫
તૃષાતુર સર્વે પ્રાણીઓ જંતુઓ જેમના જળાશયમાં પાણી પીએ છે તે પુરુષને અગણિત પૂણ્ય પ્રાપ્ત થાય છે.૩૬
વૃક્ષારોપણનો મોટો મહિમા :-
હે વિપ્ર !
તળાવ કે સરોવરની ચારે બાજુના ફરતા પ્રદેશમાં જે પુરુષ વડ આદિક છાયાપ્રધાન વૃક્ષો રોપાવે તો તે પુરુષ આલોકમાં કીર્તિને પામે અને પરલોકમાં અક્ષય સુખને પ્રાપ્ત કરે છે.૩૭
માટે સુખાર્થી ગૃહસ્થ પુરુષોએ જળાશયના કિનારા ઉપર અને સમીપના પ્રદેશમાં સારાં વૃક્ષોથી સુશોભિત કુત્રિમ આરામનાં સ્થળો, ઉપવનો, બગીચા આદિ તૈયાર કરાવવા.૩૮
તે બગીચામાં ફલ તથા પુષ્પ ઉપયોગી અને પિતૃ કે દેવતાઓના તર્પણમાં ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરાવવું.૩૯
જે પુરુષ એક પીપળો, એક લીંબડો, એક વડલો, દશ આંબલી, ત્રણ કોઠનાં વૃક્ષો ત્રણ બીલીપત્રનાં, ત્રણ આંબળાનાં વૃક્ષો અને નવ આંબાનાં વૃક્ષનું રોપણ કરે છે, તે પુરુષ નરકને ક્યારેય પામતો નથી.૪૦
હે વિપ્ર !
આ લોકમાં જે ગૃહસ્થ પુરુષો વિષ્ણુભગવાનને રાજી કરવા માટે આ કહ્યું તે પ્રમાણે પૂર્તકર્મરૃપ પુણ્યકર્મ કરે છે, તેને ભગવાનની ભક્તિનો સંબંધ હોવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. માટે કોઇ પણ પૂર્તકર્મરૃપ સુકૃત શ્રીવાસુદેવ ભગવાનની ભક્તિ યુક્ત જ કરવું.૪૧
નવગ્રહ પૂજનનો મહિમા :-
હે વિપ્ર !
ગૃહસ્થજનોએ નિરંતર અથવા પ્રતિમાસ, અથવા પ્રતિવર્ષ વિધિથી સૂર્યાદિ ગ્રહોનું પૂજન કરવું, તેમાં રાજાઓએ વિશેષપણે પૂજન કરવું.૪૨
તેમાં પણ જે ગૃહસ્થને જે ગ્રહ દુષ્ટ ભવનમાં રહ્યો હોય તે ગ્રહનું તો વિશેષપણે પૂજન કરવું, પ્રસન્ન થયેલો ગ્રહ સુખ આપે છે, અને કોપાયમાન થયેલો ગ્રહ પીડા આપે છે, તે નક્કી છે.૪૩
જો સૂર્ય જન્મરાશિના સપ્તમસ્થાને રહે તો તે અતિક્રૂર છે, કારણ કે એ રીતના સૂર્યે રાવણનો વિનાશ કર્યો હતો. તે જ રીતે અષ્ટમસ્થાને રહેલા ચંદ્રે હિરણ્યકશિપુનો વિનાશ કર્યો હતો.૪૪
અષ્ટમભાવમાં ગયેલા મંગળ ગ્રહે નમુચિ નામના અસુરને રણમાં ઇન્દ્રદ્વારા રગદોળ્યો હતો. તનુભાવમાં ગયેલા બુધે પાંડવોને પણ જુગાર રમવા પ્રેર્યા હતા.૪૫
જન્મસ્થ ઉદયભાવમાં રહેલા ગુરુગ્રહે દુર્યોધન રાજાનો વિનાશ કર્યો હતો. છઠ્ઠા શત્રુભાવમાં રહેલા શુક્રે હિરણ્યાક્ષને યુદ્ધમાં જોડી પતન કરાવ્યું હતું.૪૬
આદ્યભાવમાં રહેલા શનિગ્રહે સૌદાસ નામના રાજાને રાક્ષસભાવ પ્રગટાવી મનુષ્યનું માંસ ખાવામાં પ્રવૃત્ત કર્યો હતો. તેમજ આદ્યભાવમાં રહેલા રાહુએ નિષધના અધિપતિ નળરાજાને પીડા પમાડી આખી પૃથ્વી પર ભટકાવ્યો હતો.૪૭
વળી મૂર્તિ ભવનમાં રહેલા નવમા કેતુગ્રહે સંગ્રામજીત રાજાને નળરાજાની જેમ જ પીડા આપી હતી, આ પ્રમાણે અનેક રાજાઓ અનેક પ્રકારે ગ્રહદોષથી પીડા પામ્યા છે.૪૮
દાનથી ગ્રહોની પીડાનું નિવારણ :-
હે વિપ્ર !
જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા પાસેથી પોતાના દુષ્ટ સ્થાને રહેલા ગ્રહોને જાણીને વિધિપૂર્વક દાન આપી તેમના દોષના નિવારણને અર્થે શાન્તિકર્મ કરાવવું.૪૯
સૂર્યને માણિક્યનું દાન કરવાનું કહેલું છે. ચંદ્રને મુક્તાફળનું, મંગળને વિદ્રુમનું દાન, બુધને મરકતમણિનું દાન, ગુરુગ્રહને ગારુત્મતનું દાન કરવાનું કહેલું છે. શુક્રને પુષ્પરાગમણિનું દાન, શનિને નિર્મળ નીલમણિનું દાન, રાહુને ગોમેદ અને કેતુને વૈદૂર્યમણિનું દાન આપવાનું કહેલું છે.૫૦
હે વિપ્ર !
ઋષિમુનિઓએ સૂર્યાદિ નવગ્રહોના ક્રમ પ્રમાણે ધેનુ, શંખ, લાલવર્ણનો બળદ, સુવર્ણ, પીળુંવસ્ત્ર, શ્વેત અશ્વ, કાળીગાય, કૃષ્ણલોહ અને લોહની દક્ષિણા કહી છે. અર્થાત્ સૂર્યની શાંતિના કર્મમાં ગાયની દક્ષિણા આપવી. ચંદ્રને શંખ, મંગળને લાલવર્ણનો બળદ, બુધને સુવર્ણ, ગુરુને પીળુંવસ્ત્ર, શુક્રને શ્વેત અશ્વ, શનિને કાળીગાય, રાહુને કાળું લોખંડ અને કેતુને લોખંડ વિધિપૂર્વક અર્પણ કરવું. આ રીતે સ્નાન, દાન, હવન અને બલિથી નવે ગ્રહો પ્રસન્ન થાય છે. જોકે દુષ્ટ સ્થાને રહેલા આ નવ ગ્રહો સર્વ પ્રાણીને પીડે છે.પ૧
છતાં પણ જે સદાય દેવ, બ્રાહ્મણને વંદન કરે છે, ગુરુના વચનનું પાલન કરે છે, પ્રતિદિન સંતોની સેવા કે સત્શાસ્ત્રોનું વાંચન કે હોમકર્મ, કરે છે, વૈષ્ણવાદિ-મહાયજ્ઞોનું દર્શન કરે છે, મનમાં શુભ સંકલ્પો કરે છે, ભગવાન શ્રીહરિના નામમંત્રોનો જપ કરે છે, દાન આપે છે, તેવા પુરુષોને આ ગ્રહો ક્યારેય પીડા આપી શકતા નથી.૫૨
હે વિપ્ર !
સંન્યાસી, વાનપ્રસ્થ, બ્રહ્મચારી, દીનજન, સાધુ, અને યાચકનું યથાશક્તિ અન્નાદિકથી પોષણ કરવું, તે જ ગૃહસ્થોને માટે અત્યંત હિતકારી છે. તેથી તેનું આચરણ અવશ્ય કરવું.૫૩
હે વિપ્ર !
પુરાણોમાં ઋષિમુનિઓએ ગૃહસ્થાશ્રમને ઇતર આશ્રમ કરતાં એટલા માટે જ શ્રેષ્ઠ કહ્યો છે.પ૪
અતિથિ પોતાના ઘરનાં આંગણે આવે તો આદરપૂર્વક ઊભા થઇ, તેમની સન્મુખ જઇ, નમસ્કાર કરી, આસન આપવું, ને યથાયોગ્ય તેમની પૂજા કરવી.પપ
સુમધુર વચનોથી સ્વાગતાદિ પ્રશ્નો કરી, અતિથિને શક્તિ પ્રમાણે જમાડવો. જો અતિથિ પ્રસન્ન થાય તો એ ગૃહસ્થ ત્રિલોકી પ્રસન્ન થઇ એમ જાણે.પ૬
જો આ રીતે અતિથિનું પૂજનાદિ ન કરે તો તે ગૃહસ્થ આ પૃથ્વીપર વિષમ ઘરરૃપી અંધારા કૂવામાં પડી, શા માટે પીડા અનુભવે ?૫૭
માટે હે વિપ્ર !
અતિથિઓનો સત્કાર ગૃહસ્થોનો મુખ્ય ધર્મ છે. બાકી આલોકમાં પશુ, પક્ષી, મૃગલાં વિગેરે અનેક જીવો માત્ર પોતાનું પેટ ભરનારા છે. જો ગૃહસ્થ પુરુષ પણ તેઓની સમાન માત્ર પેટભરો થાય તો તેને પશુ-પક્ષીની સમાન જાણવો.૫૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ગૃહસ્થના ધર્મોમાં પૂર્તકર્મો આદિક વિધિઓનું નિરૃપણ કર્યું, એ નામે બારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૨--