કળિયુગમાં દાનનો વિશેષ મહિમા. સર્વશ્રેષ્ઠ અન્નદાનનો મહિમા. ભૂમિદાનનો મહિમા. ગૌદાનનો મહિમા. સુવર્ણદાનનો મહિમા. બારસનાં પારણાં કરાવવારૃપ દાનનો મહિમા.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !
આલોકમાં સર્વે દાનોમાં પણ અન્નદાન સર્વ કરતાં શ્રેષ્ઠ કહ્યું છે, કારણ કે અન્ન છે તે પ્રાણીઓના પ્રાણ છે. એથી અન્નનું દાન કરનાર પ્રાણનું દાન કરનારો કહેલો છે, અને કળિયુગમાં અન્નસમા પ્રાણ કહેલા છે.૧
પહેલા કલ્પમાં પ્રજાપતિ બ્રહ્માજીએ અન્નને અમૃત કહેલું છે, ત્રણેલોક અન્ને આશરે જ જીવે છે, તેમાં કોઇ સંશય નથી.૨
હે વિપ્ર !
યાચના કરનાર સત્પાત્ર બ્રાહ્મણને જે ગૃહસ્થ અન્નું દાન કરે છે, તે પરલોકમાં પોતાનું હિત કરનાર એવા ઉત્તમ નિધિનું સર્જન કરે છે.૩
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે અન્ય કોઇ ભૂખ્યા જનને જોઇ, જે ગૃહસ્થ સ્વયં ઉપવાસ કરીને પણ અન્નાર્થીને અન્ન- ભોજન આપી દે છે, તે જ ખરો ધર્મવેત્તા છે.૪
પાપકર્મ કર્યું હોય છતાં પણ જે ગૃહસ્થ અભ્યાગતને અન્ન આપે છે, તેમાં પણ બ્રાહ્મણને વિશેષપણે આપે છે. તે ગૃહસ્થ કરેલાં પાપથી લેપાતો નથી.૫
હે વિપ્ર !
શરીર સંબંધી પંચધાતુ અન્નના અભાવમાં ક્ષીણ થઇ જાય છે, આલોકમાં બલવાન મનુષ્યનું બળ અન્નના અભાવમાં નાશ પામી જાય છે.૬
ત્રણેલોકમાં સ્થાવર જંગમ જે કોઇ પ્રાણીમાત્ર અન્નથી જ જીવે છે. એથી બુદ્ધિશાળી મનુષ્યે ધર્મને અર્થે પણ અન્નનું દાન કરવું.૭
હે રૃડાવ્રતવાળા વિપ્ર !
અન્નદાન કરનાર મનુષ્યનું શરીરનું બળ અને ઇન્દ્રિયોનું બળ-ઓજ, અને પુણ્ય ત્રણે લોકમાં નિરંતર વૃદ્ધિ પામતાં રહે છે. એટલું જ નહિ યશકીર્તિ પણ વૃદ્ધિ પામતી રહે છે.૮
હે વિપ્ર !
અભ્યાગતને અન્ન પ્રદાન કરનાર મનુષ્યોના પોતાના સંકલ્પથી રચેલાં સ્થાવર, જંગમ રૃપ ભવનો તરુણસૂર્યનાં કિરણો સમાન ઉજ્જવળ થઇ સ્વર્ગમાં પ્રકાશે છે.૯
પછી તે પીતવર્ણા તથા શ્વેતવર્ણા સોનાના મહેલો અને સુવર્ણની ઉજ્જવલ શય્યાઓને અન્નનું દાન કરનાર પુરુષ પામે છે. તેથી અન્નનું દાન કરો.૧૦
એક લાખ જેટલા વિપ્રોને અથવા દશ હજાર વિપ્રોને અથવા એકહજાર વિપ્રોને અથવા સો વિપ્રોને જે સદ્ગૃહસ્થ પોતાની શક્તિ અનુસાર દૂધપાક આદિ શ્રેષ્ઠ અન્નવડે તૃપ્ત કરે છે, તે ગૃહસ્થ સુવર્ણના જેવા અને સૂર્યની સમાન ચળકતા વિમાનમાં બેસીને સ્વર્ગમાં નિવાસ કરે છે, ત્યાં દેવતાઓના ગણો તેમની કીર્તિનું ગાન કરે છે.૧૧-૧૨
ભૂમિદાનનો મહિમા :-
હે વિપ્ર આલોકમાં ભૂમિદાનને પણ મહાદાન કહેલું છે. મનુષ્ય ભૂમિનું દાન કરી સર્વે કામનાઓને પ્રાપ્ત કરે છે.૧૩
જે પુરુષ પાકેલાં ધાન્યથી ભરપૂર ગાયના ચર્મ જેટલી પણ ભૂમિનું સ્વધર્મનિષ્ઠ બ્રાહ્મણને દાન કરે છે, તે પુરુષ જેનો અંત જ ન હોય તેટલા પુણ્યને પામે છે.૧૪
એક બળદ અને સો ગાયો, જેટલી ભૂમિમાં સુઇ શકે, તેટલી ભૂમિને ગોચર્મ ભૂમિ કહેલી છે.૧પ
આવી ભૂમિનું દાન કરનાર પુરુષ સર્વ પાપથકી મુક્ત થઇ તત્કાળ અશ્વમેધયજ્ઞા કરતાં પણ અધિક પુણ્યને નિશ્ચય પામે છે.૧૬
મહાબુદ્ધિશાળી પુરુષ એક પૃથ્વીનું દાન કરે તેનાથી સુવર્ણદાન, રૃપાનું દાન, વસ્ત્રદાન, મણિઓનું દાન, મોતીઓનું દાન, અને રત્નોનું દાન, આ સર્વે દાનો આપોઆપ થઇ જાય છે. એક પૃથ્વીના દાનથી ઉપરોક્ત બધાય દાનનું ફળ પ્રાપ્ત થાય છે.૧૭
આલોકમાં ભૂમિનું દાન કરનાર પોતાની પૂર્વની પાંચ અને ભવિષ્યમાં થનારી પાંચ અને સ્વયં પોતે એમ અગિયાર પેઢીને તારે છે.૧૮
જે પુરુષ ગૃહસ્થાશ્રમને ઉપયોગી સર્વે ઉપકરણોએ યુક્ત નૂતન અને મજબૂત ઘરનું વિધિવત્ પૂજન કરી પવિત્ર બ્રાહ્મણને દાન કરે છે. તે પ્રજાપતિ બ્રહ્માના સત્યલોકને પામે છે.૧૯
જે બ્રહ્મલોકમાં ચારે બાજુ સુવર્ણમાંથી નિર્મિત કિલ્લાઓ શોભે છે. જ્યાં ઊંચા ઊંચા અનેક પ્રકારના રત્નો જડિત સુંદર મહેલો પ્રકાશે છે. આવા મહેલોને ઘરનું દાન કરનાર પ્રાપ્ત કરે છે.૨૦
ગૌદાનનો મહિમા :-
હે વિપ્ર !
જે ગૃહસ્થપુરુષ સારા સ્વભાવવાળી, સુશીલ વાછરડાંએ સહિત વસ્ત્રોથી શણગારેલી, સુંદર આકૃતિવાળી, રૃપાળી, બહુ દૂધવાળી, સુવર્ણના શીંગડાવાળી, રૃપાની ખરીવાળી, કંઠમાં મણિમય મોતીના હાર ધારણ કરેલી, ગાયનું દક્ષિણા અને દોહન પાત્રે સહિત શાસ્ત્રોક્ત વિધિથી કુટુંબવાળા પવિત્ર બ્રાહ્મણને દાન કરે છે, તે ગૃહસ્થ પુરુષ વિષ્ણુલોકને પામે છે.૨૧-૨૨
સુવર્ણદાનનો મહિમા :-
હે વિપ્ર !
જે ગૃહસ્થ બ્રાહ્મણને દક્ષિણાએ સહિત સુવર્ણનું દાન કરે છે, તેનું અંતઃકરણ ક્યારેય મલીન થતું નથી. તે સર્વ દોષો થકી મુક્ત થઇ જાય છે.૨૩
તલદાનનો મહિમા :-
હે વિપ્ર !
જે પુરુષ માઘમાસમાં તાંબાનું તલભરેલું પાત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે, તે પુરુષને ક્યારેય યમપુરીનાં દર્શન કરવાં પડતાં નથી.ર૪
જે પુરુષ ઉનાળાની ઋતુમાં જળનું અને પગરખાનું દાન કરે છે, અને વર્ષાઋતુમાં છત્રીનું દાન કરે છે, તે પુરુષ ચંદ્રલોકને પામે છે.૨૫
બારસનાં પારણાં કરાવવારૃપ દાનનો મહિમા :- હે વિપ્ર ! જે પુરુષ એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ભગવાનના ભક્ત બ્રાહ્મણોને અને વૈરાગ્યવાન સંતપુરુષોને વિશેષપણે ભોજન કરાવે છે, તે પુરુષને સર્વયજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીહરિ તેમના ઉપર પ્રસન્ન થઇ તેમના મનની સર્વે ઇચ્છાઓ પૂર્ણ કરે છે.ર૬-ર૭
જે પુરુષ માગસર માસની એકાદશીનું વ્રત કરી બારસને દિવસે કેશવ ભગવાનનું પૂજન કરી તેમના ભક્તોને જમાડે છે. તે પુરુષને અશ્વમેઘયજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.ર૮
જે પુરુષ પોષ માસની એકાદશીનું વ્રત કરી બારસને દિવસે નારાયણ ભગવાનનું પૂજન કરી બ્રાહ્મણોને અને સંતોને જમાડે છે, તેમને વાજપેય યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.ર૯
જે પુરુષ માઘમાસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે માધવ ભગવાનનું પૂજન કરી સંતો-બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેમને રાજસૂયયજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૦
જે પુરુષ ફાગણમાસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ગોવિંદ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડી પ્રસન્ન કરે છે, તેમને અતિરાત્રયજ્ઞાનું ફલ પ્રાપ્ત થાય છે.૩૧
જે પુરુષ ચૈત્ર માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન કરી, પોતાની શક્તિ પ્રમાણે સંતો બ્રાહ્મણોને જમાડે છે, તે પુરુષ પોંડરીકયજ્ઞાનું ફળ પ્રાપ્ત કરે છે. અને દેહને અંતે દેવોને દુર્લભ એવા ભગવાનના દિવ્ય લોકને પામે છે.૩૨-૩૩
જે પુરુષ વૈશાખ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે મધુસૂદન ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડી પ્રસન્ન કરે છે, તેમને અગ્નિષ્ટોમયજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૪
વળી જે પુરુષ જેઠ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ત્રિવિક્રમ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે, તેમને ગવાયનયજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૫
જે પુરુષ અષાઢ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે વામન ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે, તેમને સોમયજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૬
જે પુરુષ શ્રાવણ માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે શ્રીધર ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે, તેમને વિશ્વજીતયજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૭
જે પુરુષ ભાદરવા માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે ઋષિકેશ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે, તેમને સોત્રામણી યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૮
વળી જે પુરુષ આસો માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે પદ્મનાભ ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે, તેમને સોમયાગ યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૩૯
જે પુરુષ કાર્તિક માસમાં એકાદશીનું વ્રત કરી બારસને દિવસે દામોદર ભગવાનનું પૂજન કરી સંતો બ્રાહ્મણોને જમાડે છે, તે પુરુષને સર્વમેધ યજ્ઞાનું ફળ પ્રાપ્ત થાય છે.૪૦
હે વિપ્ર !
આ બારસની તિથિ વિષ્ણુદેવતાની તિથિ છે. તેથી નારાયણ ભગવાનને અતિશય પ્રિય છે, તે તિથિમાં જે કાંઇ સુકૃત કરવામાં આવે, તેનું અવિનાશી ફળ પ્રાપ્ત થાય છે.૪૧
આ બારસની તિથિને દિવસે બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવું ને ભગવાનના ભક્તોને તે તે ઋતુને યોગ્ય ભોજન કરાવી પ્રસન્ન કરવા.૪૨
હે વિપ્ર !
આવી રીતે બારસને દિવસે પુણ્યકર્મ કરનારો સદ્ગૃહસ્થ ઘંટડીઓના સમૂહથી સુશોભિત સૂર્યની સમાન પ્રકાશિત દિવ્ય વિમાનમાં બેસી ભગવાનના ધામને પામે છે.૪૩
હે વિપ્ર !
જે મનુષ્ય રોગાર્ત મનુષ્યોના રોગની નિવૃત્તિ થાય તે માટે ઔષધ અને ઘી સાથે રૃચિકર અન્નનું દાન કરે છે, તે મનુષ્ય સ્વયં રોગ રહિત થઇ દીર્ઘ આયુષ્ય ભોગવે છે.૪૪
જે પુરુષ વેદનું પુસ્તક અથવા કોઇ સત્શાસ્ત્રનું પુસ્તક અથવા શ્રીમદ્ભાગવત પુરાણનું પુસ્તક અથવા મહાભારતનું પુસ્તક દાનમાં આપે છે. તેમને અક્ષયફળની પ્રાપ્તિ થાય છે. અને તેમનાં સર્વ પાપનો નાશ થઇ જાય છે.૪૫
જે પુરુષ શિયાળામાં વસ્ત્રોનું, કાષ્ઠનું તથા ગરમ ધાબળાનું બ્રાહ્મણોને દાન કરે છે, તેનું સુખ નિરંતર વૃદ્ધિ પામતું રહે છે.૪૬
હે વિપ્ર આ ભૂમંડળ ઉપરની જે જે વસ્તુ પોતાને અતિશય પ્રિય હોય તેમજ પોતાની પત્નીને જે વસ્તુ અતિશય પ્રિય હોય તે વસ્તુને અક્ષય રાખવા અથવા અનંતગણી વધતી રહે તેવી ઇચ્છાવાળા પુરુષે સ્વધર્મનિષ્ઠ અને ભગવદ્ ભક્ત એવા બ્રાહ્મણને દાનમાં આપવી.૪૭
જે પુરુષ ચૈત્ર સુદ બારસમાં પ્રતિદિન શ્વેતવસ્ત્રનું દાન કરે છે, તે પુરુષ અનંતગણા સમય સુધી સ્વર્ગના સુખને પામે છે.૪૮
જે મનુષ્ય વૈશાખ માસમાં સુવર્ણનું અને જેઠ માસમાં છત્રી અને પગરખાંનું દાન કરે છે, તથા અષાઢ માસમાં શય્યાનું દાન કરે છે, તે મનુષ્ય શ્વેતદ્વિપ ધામને પામે છે.૪૯
જે પુરુષ શ્રાવણ માસમાં શ્રીમદ્ભાગવતના પુસ્તકનું દાન કરે, ભાદરવામાં ગાયનું દાન કરે, આસો માસમાં વિધિવત્ ઘોડાનું દાન કરે તે પુરુષ પોતાના કુળનો ઉદ્ધાર કરે છે.૫૦
હે વિપ્ર !
વળી જે પુરુષ કાર્તિ માસમાં ઊનનું, માગસર માસમાં નમકનું, પોષ માસમાં અન્નના પર્વતનું, ફાગણ માસમાં કેસર ચંદનાદિ સુગંધીમાન વસ્તુઓનું દાન કરે છે, તે મનુષ્ય સદાય સુખી રહે છે.૫૧
દાન કીર્તિ માટે ન આપવું, કોઇ ભયથી કે લોભથી દાન ન આપવું, પરંતુ પરના અને પોતાના હિત માટે જ પાત્ર બ્રાહ્મણને તે દાન કરવું.૫૨
જે વિપ્ર સત્પાત્રના ગુણોએ યુક્ત હોય, છતાં પણ દાનનો સ્વીકાર કર્યા પછી તેનો અધાર્મિક કાર્યોમાં વિનિયોગ કરે, તો તેને ફરીવાર ક્યારેય દાન ન આપવું.૫૩
જે વિપ્ર જ્યાં-ત્યાંથી દાનનો સ્વીકાર કરી ભેળું કરી રાખે પણ ધર્મકાર્મમાં તેનો ઉપયોગ ન કરે તો તેવા વિપ્રને ફરી ક્યારેય દાન આપવું નહિ.પ૪
હે વિપ્ર !
દાન આપવાને સમયે જો સત્પાત્ર બ્રાહ્મણ હાજર ન હોય તો મનથી સંકલ્પ કરવો કે, આ દાન આ વિપ્રને હું અર્પણ કરું છું. એમ સંકલ્પ કરી જળમાં એક જળની અંજલી અર્પણ કરી દાન વિધિ કરવો.પપ આ પ્રમાણે કરવાથી દાન કરનારને દશગણું ફળ પ્રાપ્ત થાય છે. અને દાન લેનાર વિપ્રને પણ દાન ગ્રહણનો દોષ લાગતો નથી.૫૬
વિદ્યાવાન, દરિદ્ર, જેની સંપત્તિ વિનાશ પામી હોય એવા અને ભિક્ષાની યાચના કરનાર વિપ્રને, તેમાંથી પણ ચારિત્રયવાન વિપ્રને વિશેષપણે દાન કરવામાં આવે તો અવિનાશી ફળને આપનારૃં થાય છે.૫૭
હે વિપ્ર !
ક્રોધ રહિત સ્વધર્મ પરાયણ, સત્યભાષી અને નેત્રાદિ ઇન્દ્રિયોનું દમન કરવામાં તત્પર એવા સાધુ કે વિપ્ર હોય તેમને દાન કરવામાં આવે તો એ દાન મહાફળને આપનારૃં થાય છે.૫૮
માને રહિત દુર્જનોએ કરેલા સર્વે અપરાધોને સહન કરનાર, નિઃસ્પૃહી, જીતેન્દ્રિય, સકલ પ્રાણીઓનું હિત ઇચ્છનાર અને સર્વેની સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરનાર, જે વિપ્ર હોય, તેમને આપેલું દાન પણ મહાફળને આપનારૃં થાય છે.૫૯
જે શ્રેષ્ઠ બ્રાહ્મણે શિક્ષા આદિ છ અંગોએ સહિત ચાર વેદનું અધ્યયન કરેલું હોય, સ્નાન સંધ્યાદિ ષટ્ કર્મમાં તત્પર હોય, અને અંતરમાં શાંત વર્તતો હોય તે વિપ્ર સત્પાત્ર કહેલો છે.૬૦
હે વિપ્ર !
જે ધનવાન ગૃહસ્થ આવા સત્પાત્ર વિપ્રને જે દાન કરે, તે દાન તે જ સમયે નિશ્ચિત હજારગણું થઇ જાય છે, તેમાં કોઇ સંશય નથી.૬૧
જે ઉત્તમ બ્રાહ્મણ સદ્બુદ્ધિ, શાસ્ત્રાધ્યયન તથા સારા સ્વભાવથી અને સદાચારથી યુક્ત હોય, તે એક હોવા છતાં તેમને જો દાન આપવામાં આવે તો આખા કુળને તારે છે.૬૨
સકલ સત્પાત્રતાના ગુણોથી સંપન્ન તથા સ્વધર્મ નિષ્ઠ સંતો દ્વારા પ્રમાણિત કરાયેલો બ્રાહ્મણ, જે કોઇ દેશમાં હોવાનું સાંભળવામાં આવે, તો તે દૂર દેશથી પણ પોતાને ત્યાં બોલાવી, સત્કાર કરી, તેમને યોગ્ય દાનનું પ્રદાન કરી, તેમની સર્વભાવે પૂજા કરવી.૬૩
હે વિપ્ર !
ચાટ- છેતરનાર, ચારણ, ચોર, ઠગ, જાસૂસ, કુવૈદ્ય, કપટી, ધૂર્ત, શઠ, મલ્લ અને બંદિજન આ નવ પ્રકારના જનોને આપેલું દાન નિષ્ફળ જાય છે.૬૪
હે દ્વિજેન્દ્ર !
ગૃહસ્થ જનોએ ન્યાય માર્ગથી સંપાદન કરેલા ધનથી યથાશક્તિ દાન કરવું, પોતાના પોષ્યવર્ગને દુઃખ પમાડીને દાન ન કરવું, અને અન્યાયથી મેળવેલા ધનથી પણ દાન ન કરવું.૬૫
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં શ્રીહરિએ ગૃહસ્થના ધર્મો કહેતાં તેમાં દાનના મહિમાનું અને વિધિનું નિરૃપણ કર્યું એ નામે અગિયારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૧--