અધ્યાય - ૩૫ - વિધવાધર્મના ભંગમાં કરવાના પ્રાયશ્ચિતનું નિરૃપણ.

વિધવાધર્મના ભંગમાં કરવાના પ્રાયશ્ચિતનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! હવે વિધવા સ્ત્રીને ક્યારેક અજાણતાં ધર્મનો ભંગ થાય તો તેના પ્રાયશ્ચિતનું નિરૃપણ તમને કહું છું. વિધવા નારી એ પ્રાયશ્ચિત કરી પોતાના ધર્મનું સંપૂર્ણ ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે.૧ 

જો વિધવા સ્ત્રી અંબોડો બાંધે,ખાટલા ઉપર શયન કરે,ધર્મહીન સ્ત્રીનો સંગ કરે, બે વાર ભોજન કરે,ક્રોધ કરે, નગ્ન સ્નાન કરે, અતિ ભોજન કરે, તેલથી અંગનું મર્દન તથા અત્તરાદિક સુગંધીમાન દ્રવ્યનો ઉપયોગ કરે, બળદ ઉપર બેસે, આપત્કાળ વિના અતિશય ઘી તથા દૂધનો ઉપયોગ કરે, લવિંગ આદિક ઉત્તેજક વસ્તુનું ભક્ષણ કરે, ઘી સાકર ગોળ મિશ્રિત મિષ્ટાન્નનું અતિશય ભક્ષણ કરે, તાંબુલ કે માદક વસ્તુનું ભક્ષણ કરે, તો વિધવાએ પ્રત્યેક માટે અલગ અલગ એક ઉપવાસ કરવો.૨-૫ 

વળી વિધવા સ્ત્રી દ્રવ્ય તથા સૂક્ષ્મ વસ્ત્રો, તથા ચિત્ર વિચિત્ર રંગથી રંગેલાં કસુંબલ વસ્ત્રો ધારણ કરે, કંચુકી ધારણ કરે,દેશાચાર કે કુલાચારથી વિકૃત વેષ ધારણ કરે, હાથ પગના નખ રંગે,દાંત તથા હોઠ રંગે,સિંદૂર,કુંકુમ, ધારણ કરે,કંઠમાં ફૂલની માળા પહેરે,ભાલમાં ચંદન ચર્ચે,હાથમાં કડાં,આંખમાં આંજણ,ભાલમાં કુંકુંમ ધારણ કરે તો પ્રત્યેકનો અલગ-અલગ એક ઉપવાસ કરે.૬-૮ 

વિષ્ણુ ભગવાનની પ્રસાદિભૂત ચંદનાદિક દ્રવ્યને ભાલમાં ધારણ કરે, તેમજ પ્રસાદિભૂત પુષ્પની માળાને કંઠમાં ધારણ કરે, ધાતુના તારે યુક્ત વસ્ત્રો અને અલંકારો ધારણ કરે,સુવાસિની, સન્યાસિણી,નર્તકી આદિ સ્ત્રીના જેવો વેષ અથવા પુરુષના જેવો વેષ ધારણ કરે,તો પ્રત્યેક માટે અલગ-અલગ એક એક ઉપવાસ કરવો.૯-૧૧

તથા ભાલમાં કેશ ઉખાડે, પ્રયોજન વિના જ્યાં ત્યાં ભ્રમણ કરે, એકલી પરઘેર બેસવા જાય તો પણ એક એક ઉપવાસ કરે.૧૨ 

સસરા કે પિતાના પક્ષની સ્ત્રીઓ આગળ ઉપહાસનાં વચનો બોલે,પિતાના ખોળામાં બેસે,માતાની આગળ ગ્રામ્યવાર્તા કરે,મૈથુન સંબંધી વાર્તા કરે,સ્ત્રી પુરુષના સંયોગરૃપ શૃંગાર વાર્તાનું શ્રવણ કરે કે પોતે વાર્તા કહે,અપશબ્દોનું ઉચ્ચારણ કરે, હોળીની રમત રમે,કોઇના પર મિથ્યાપવાદનું આરોપણ કરે,સસરા પક્ષના જનો સાથે નિર્લજ્જ થઇ વાદ વિવાદ કરે,પાપથી દૂષિત સ્ત્રીની સાથે મિત્રતા કરે તો વિધવા સ્ત્રીએ પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો.૧૩-૧૬ 

વળી સંન્યાસિણી સ્ત્રી સાથે મિત્રતા કરે,સ્ત્રી પુરુષનો સંબંધ કરાવનારી દૂતી સાથે,નીચજાતિની સ્ત્રી સાથે, કામુક, પાખંડી, યવની, મંત્રતંત્રને જાણનારી અને નાસ્તિકસ્ત્રી સાથે મિત્રતા કરે તો પ્રત્યેકનો અલગ અલગ ઉપવાસ કરવો.૧૭-૧૮ 

વળી નિર્લજ્જ,ગર્ભપાતના ઔષધને જાણનારી,ગર્ભને પાળનારી,છેતરનારી આદિક પાપી સ્ત્રીઓ સાથે મિત્રતા કરે તો એક એક ઉપવાસ કરવો.૧૯ 

વળી લોકાપવાદ પામેલા પુરુષને ઘેર પતિવ્રતા નારીનાં દર્શન કરવા જાય, ધર્મવાળી એવી નીચજાતિની સ્ત્રીને ઘેર બેસવા જાય તો પણ વિધવાએ ઉપવાસ કરવો.૨૦ 

જે વિધવા સ્ત્રી નૃત્ય જોવા, ગીત સાંભળવાં, વિવાહ જોવા,સુંદર વેષધારી પુરુષને જોવા,લૌકિક મેળાનાં દર્શન કરવાં,સ્વછંદપણે ક્રીડા કરતા પુરુષને જોવા જો ઘરથી બહાર નીકળે તો પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો. એકલી વિધવા ક્યાંય ગમન કરે, કામભાવે પુરુષનું દર્શન કરે, પુરુષના રૃપગુણ સંબંધી વાતો સાંભળે તથા કરે, પુરુષના અંગનો સ્પર્શ થઇ જાય કે અંગ ઉપરથી ઉતારીને મૂકેલાં વસ્ત્રનો સ્પર્શ થઇ જાય, તેની સાથે બોલાઇ જવાય, કામભાવે દુષ્ટ સંકલ્પ થઇ જાય,પુરુષનું ચિત્રામણ કરાય, મૈથુનાકૃતિ પુતળાંનો કે ચિત્રનો સ્પર્શ થઇ જાય, તથા પોતાના કાર્યની સિદ્ધિ માટે પુરુષ સાથે મિત્રતા કરે તો પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો.૨૧-૨૫ 

જો વિધવા સ્ત્રી પશુ, પક્ષી આદિકના મૈથુને તથા પુરુષના ગુહ્ય અંગને બુદ્ધિપૂર્વક જુએ, તથા હાથ, દૃષ્ટિ અને ભ્રકુટીથી પુરુષને કોઇ વાતની જાણકારી અપાઇ જાય, પુરુષની સાથે ક્ષણવાર પોતાની એક નજર થાય, પુરુષના મળમૂત્રવિસર્જનને સ્થાને જો પોતાનાથી તે વિસર્જન કરાઇ જાય, આપત્કાળ વિના પુરુષથી ચાર હાથ છેટે ન ચલાય તો પ્રત્યેક માટે એક-એક ઉપવાસ કરવો. જે ઘરમાં ઉપરના કે નીચેના માળે પુરુષ એકલો સૂતો હોય તે ઘરમાં રાત્રીએ જો વિધવા સ્ત્રી એકલી શયન કરે, પોતાની છાતી, ઉદર અને સાથળને બીજો પુરુષ જોઇ શકે તે રીતે બેસે,તથા પુરુષ જુએ એ રીતે અંગની ચંચળતા કરે તો વિધવા સ્ત્રીએ એક એક ઉપવાસ કરવો.૨૬-૩૦ 

પિતા કે સસરાના પક્ષના જનો કોઇ ન જાણે એ રીતે કોઇ સ્ત્રી દ્વારા કોઇ પુરુષ સાથે વ્યવહાર કરે, અરીસામાં પોતાનું મુખ જુએ, યુવાની અવસ્થાવાળા ભાઇ સાથે યુવાની અવસ્થામાં માર્ગમાં ચલાઇ જવાય,તથા એકાંત સ્થળમાં તેમની સાથે બેસાઇ જવાય તો પૃથક્ પૃથક્ ઉપવાસ કરવો.૩૧-૩૨ 

વિધવા સ્ત્રીએ જો માનસી પૂજા કે બાહ્યપૂજા ન થાય તથા નિત્યે જપવાના મંત્રોનો જાપ ન થાય,અવશ્યના ઘરકામ ઉપરાંત શ્રીહરિની નવધા ભક્તિ વિના વ્યર્થ કાળ જો નિર્ગમન થઇ જાય,અને જે ઘરના દરવાજે કોઇ પુરુષ પ્રવેશ કરીને તત્કાળ બહાર નીકળી જાય છતાં તે ઘરમાં પોતે એકલી રહેતી હોય તો વિધવા સ્ત્રીએ પ્રત્યેક માટે એક એક ઉપવાસ કરવો.૩૩-૩૫ 

અને જે ઘરમાં પોતે એકલી રહેતી હોય તે ઘરમાં કોઇ પુરુષ આવીને બેસે તો આક્રોશ કરી ઘરથી બહાર કાઢી મૂકે તો પણ એક ઉપવાસ કરવો.૩૬ 

અને બહાર કાઢે નહિ ને સ્વયં ત્યાં બેઠી રહે તો ચાર દિવસ લાગટ ઉપવાસ કરવા.૩૭ 

સ્વપ્નામાં જો પુરુષનો સંગ થાય તો એક ઉપવાસ અને સંબંધીનો સંગ થાય તો પાદકુચ્છ્રવ્રત કરવું.૩૮ 

જે વિધવા નારી પોતાની આજીવિકાના ધનનો ધર્મકાર્યમાં વ્યય કર્યા પછી આજીવિકાને માટે અન્યની સેવા અથવા ભિક્ષા કરવા જાય તો ચાંદ્રાયણ વ્રત કરવું.૩૯

પ્રયોજન માટે ખરીદી, વેચાણ કે ખેતીના કામમાં પુરુષનો જો વિધવાએ સ્પર્શ થઇ જાય તો માત્ર સ્નાનથી શુદ્ધિ થાય છે. અને તેવાં વ્યવહાર કાર્યમાં પુરુષ સાથે બોલાય તો પાંચ માળા કરવાથી શુદ્ધિ થાય છે.૪૦ 

સૂકાં છાણા,તૃણ,માટી,કાષ્ઠ કે ધાન્ય આદિકના લાવવાના કે અતિ આવશ્યકના કામમાં, ભારો બાંધવો કે માથા ઉપર ચડાવવો આદિકના કાર્યમાં જો પુરુષનો સ્પર્શ થઇ જાય તો વિધવા સ્ત્રી સ્નાનથી શુદ્ધ થાય છે.૪૧ 

ક્યારેક કામભાવે કરીને સંબંધી પુરૃષ સાથે બોલાય કે જોવાઇ જવાય તો અન્ય પુરુષ કરતાં બમણું પ્રાયશ્ચિત જાણવું.૪૨ 

એક પત્નીવ્રતવાળા, ત્યાગી,મૃત પત્નીવાળા, શરણાગત, કામોપભોગથી વિમુખ વર્તતા અને વિશ્વાસી આ છ પ્રકારના પુરુષોની મધ્યે કોઇ પણ એકની સાથે આઠમા બ્રહ્મચર્યનો ભંગ થઇ જાય તો તે વિધવા સ્ત્રીએ એક વર્ષ પર્યંત એકાંતરા ઉપવાસ કરવા ને જમવાના દિવસે મીઠાં વિનાનો સાથવો કેવળ પાણીમાં ઘોળીને પી જવો. એમ કરવાથી તે શુદ્ધ થાય છે.૪૩-૪૪ 

અને તેમ કરવા અસમર્થ હોય તો તે ધારણાં-પારણાં વ્રતમાં જમવાનાં દિવસે મીઠાંયુક્ત કોઇ એક રાંધેલું અન્ન જમવું.૪૫ 

અને તેમ કરવા પણ અસમર્થ હોય તો મીઠાંએ સહિત રાંધેલાં બે અન્ન જમવાં, અને ઉપવાસને દિવસે તો કેવળ જળ જ પીવું. અથવા છાસ પીવી.૪૬ 

હે વિપ્ર ! આ ધારણાપારણા વ્રત ચાલતું હોય ને વચ્ચે કોઇ રોગાદિક આપત્કાળ આવી પડે તો રોગમુક્ત થયા પછી બાકી રહેલું વ્રત પૂર્ણ કરવું.૪૭ 

આમ એક વર્ષ પર્યંત કરવા અસમર્થ હોય તેમણે નવ મહિના પર્યંત વ્રત કરવું, તેનાથી પણ અસમર્થ હોય તેમણે છ મહિના પર્યંત વ્રત કરવું, તેનાથી અશક્ત વિધવા સ્ત્રીએ ત્રણ મહિના પર્યંતનું આ પ્રાયશ્ચિત વ્રત અવશ્ય કરવું. એમ કરવાથી જ તે શુદ્ધ થાય છે.૪૮ 

હવે સાક્ષાત્ પુરુષના સંગરૃપ પાપને જો બીજાં મનુષ્યો ન જાણ્યું હોય તો તેનું પ્રાયશ્ચિત શાસ્ત્ર સંમત બીજું છે તે કહું છું.૪૯ 

વિધવા સ્ત્રીએ વિષ્ણુ ભગવાનની મૂર્તિને પોતાની દૃષ્ટિ આગળ સ્થાપન કરી નિર્નિમેષ દૃષ્ટિથી દૃઢાસને બેસી મૌનવ્રત રાખી,ચાર અક્ષરના ''નારાયણ'' એવા મંત્રને છ માસ સુધી પ્રતિદિન પાંચહજાર જપ કરવા ને જીતેન્દ્રિય થઇ જપને અંતે એકવાર ભોજન કરવું.૫૦-૫૧ 

એકપત્ની વ્રતવાળા આદિક છ પ્રકારના પુરુષો જે કહ્યા તેમાંથી કોઇ એક પુરુષ સાથે ધર્મ ભ્રષ્ટ થયેલી વિધવા નારીને જે ઉપરોક્ત પ્રાયશ્ચિત કરવાનું કહ્યું, તેનાથી અર્ધું પ્રાયશ્ચિત કોઇ અન્ય પુરુષનો સંગ થઇ જવાથી જાણવું.૫૨ 

અજ્ઞાનથી મદ્યનું પાન થઇ જાય કે માંસનું ભક્ષણ થઇ જાય તથા સુવર્ણની ચોરી થઇ જાય તો વિધવા સ્ત્રીએ ચાંદ્રાયણ વ્રત કરવું.૫૩ 

ઉપરોક્ત પુરુષનો સંગ કે મદ્યાદિ ભક્ષણનું શાસ્ત્રોમાં બહુ જ મોટું પ્રાયશ્ચિત બતાવેલું છે. પરંતુ કલિયુગમાં તે કરવું અશક્ય હોવાથી અમે આટલું થોડું પ્રાયશ્ચિત કરવાનું કહેલું છે.૫૪ 

એક દિવસ ચાલે તેટલાં રાંધેલ અન્નની ચોરી કરે, શાક, મૂળ, ફળ, પત્ર, દહીં તથા દૂધ વિગેરેની જો ચોરી કરે તો પ્રત્યેકને માટે એક એક ઉપવાસ કરવો.૫૫ 

એક દિવસ ચાલે તેટલા મિષ્ટાન્નની કે ઘીની ચોરી કરે તો બે ઉપવાસ કરવા. તેમ અન્ય વસ્તુના તેમના મૂલ્યને આધારે પ્રાયશ્ચિત જાણી લેવું.૫૬ 

લીખ, માંકણ, ચાંચણ, જૂ આદિક સૂક્ષ્મ જંતુની અજ્ઞાનથી હિંસા કરે તો એક ઉપવાસ કરવો.૫૭ 

ક્યારેક અજ્ઞાનથી ઉંદર આદિક પ્રાણીઓનો વધ થઇ જાય તો શ્રીહરિનાં નામોનું ઉચ્ચારણ કરતાં બે ઉપવાસ કરવા.૫૮ 

આ પ્રમાણે ઉત્તરોત્તર મોટા જીવની ઘાતમાં નાના મોટાના ભેદને અને દેશકાળને અનુસારે પ્રાયશ્ચિત કરવું.૫૯ 

જો વિધવા નારી આત્મઘાત કરે તો યમયાતના ભોગવી તામસ પ્રધાન પ્રેત, સર્પ આદિકની યોનિમાં જન્મ પામે છે.તેથી આત્મઘાત તો કરવો જ નહિ.૬૦ 

આપત્કાળ પડયા વિના એકાદશી કે ભગવાનના જન્મને દિવસે જો વિધવા નારી ઉપવાસ ન કરે તો ચાંદ્રાયણ વ્રત કરવું. સંન્યાસી, બ્રહ્મચારી અને અનાશ્રમી પુરુષનું અન્ન અજાણતાં જો જમે તો તથા અજ્ઞાનથી જાતિ થકી ભ્રષ્ટ કરનારૃં કર્મ થઇ જાય તો હરિસ્મરણ કરતાં ચાંદ્રાયણ વ્રત કરવું.૬૨-૬૩ 

હે વિપ્ર ! મેં આ જે પ્રાયશ્ચિત કરવાનાં કહ્યાં છે તે તો એકવાર અજાણતાં થઇ ગયેલાં પાપને માટે છે. પરંતુ જાણી જોઇને બહુવાર કરેલાં પાપનાં પ્રાયશ્ચિત ન જાણવાં. કારણ કે ધર્મશાસ્ત્રોમાં જાણી જોઇને કરેલાં પાપોનું બમણું પ્રાયશ્ચિત કહેલું છે.૬૪ 

પ્રાયશ્ચિતના ઉપવાસને દિવસે અને રાત્રીએ ભગવાનનું સ્મરણ કરવું તેનાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે.૬૫ 

અને પ્રાયશ્ચિતની વચ્ચે આવતા એકાદશી આદિક વ્રતના ઉપવાસ સાથે ગણવા નહિ.૬૬ 

પરંતુ પ્રાયશ્ચિતનો ઉપવાસ ચાલતો હોય ને વચ્ચે એકાદશીનો ઉપવાસ આવે તો પ્રાયશ્ચિતનો ઉપવાસ ત્રીજે દિવસે અલગથી કરવો.૬૭ 

અને જો પ્રાયશ્ચિતનો ઉપવાસ ચાલતો હોય અને બીજો પ્રાયશ્ચિતનો જ ઉપવાસ આવી પડે તો ચાલતા ઉપવાસ સાથે જ તે ગણી લેવો.અને ઉપવાસના દિવસે જળ કે છાસ સિવાય ફળ,મૂળ આદિક કંઇ પણ જમવું નહિ.૬૯ 

આવી રીતે જે વિધવા નારી વ્રતભંગનું પ્રાયશ્ચિત કરશે તે દેહને અંતે ગોલોકધામમાં લક્ષ્મીજી તુલ્ય મોટા સુખને પામશે.૭૦ 

અને જો પોતે પ્રાયશ્ચિત ન કરે અને બીજી પ્રાયશ્ચિત કરતી નારીને રોકશે તો બન્નેને શ્રીહરિની આજ્ઞાને વશ વર્તનારા યમદૂતો નરકમાં નાખશે.૭૧ 

યમયાતના ભોગવી જ્યારે તેમના પાપની શુદ્ધિ થશે ત્યારે શ્રીહરિના પાર્ષદો સૂર્યસમાન તેજસ્વી વિમાનમાં બેસાડી ગોલોકધામમાં લઇ જશે.૭૨ 

કારણ કે પૂર્વે તે બન્ને સ્ત્રીઓ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી છે. તેથી દેવતાઓને ઇચ્છવા યોગ્ય લક્ષ્મીજીનું દાસીપણું પ્રાપ્ત કરશે.૭૩ 

અને જે વિધવા સ્ત્રી વિષ્ણુભક્તિથી રહિત હશે છતાં તે પોતાના ધર્મોનું પાલન કરતી થકી પ્રાયશ્ચિત કર્યું હશે તો તે વિધવા નારીઓ સતીલોકને પામશે.૭૪ 

વિષ્ણુ ભક્તિ રહિતની વિધવાનારી કહેલું પ્રાયશ્ચિત નહી કરે તો તીવ્ર યમયાતના ભોગવી શુધ્ધ થયા પછી જ સતીલોકને પામશે તેમાં કોઇ સંશય નથી. કારણ કે તેમણે પૂર્વે ધર્મોનું ખૂબજ આચરણ કર્યું છે.૭૫ 

હે વિપ્ર ! આ પ્રમાણે મેં વિધવા સ્ત્રીઓના ધર્મો અને તેમનું પ્રાયશ્ચિત પણ કહ્યું, હવે સમસ્ત સધવા અને વિધવા નારીઓને સરખા પાળવાના નિયમમાં શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાનો વિધિ તમને કહું છું.૭૬ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ સ્ત્રી ધર્મમાં વિધવા સ્ત્રિના ધર્મભંગના પ્રાયશ્ચિતનું નિરૃપણ કર્યું, એ નામે પાંત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૫--