અધ્યાય - ૩૬ - સધવા અને વિધવા સર્વે સ્ત્રીઓને માટે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા વિધિનું કરેલું નિરૃપણ.

સધવા અને વિધવા સર્વે સ્ત્રીઓને માટે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા વિધિનું કરેલું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! સધવા વિધવા સર્વે સ્ત્રીઓએ પ્રતિદિન શ્રીવાસુદેવ ભગવાનની પૂજા ભક્તિભાવપૂર્વક કરવી. તે પૂજાનો વિધિ તમને હું સંક્ષેપથી કહું છું.૧ 

પ્રાતઃકાળે પવિત્ર જળથી સ્નાન કરી ધોયેલાં ધોળાં વસ્ત્રો ધારણ કરવાં, પછી પૂજાનાં દ્રવ્ય એકત્ર કરી આચમની કરી સધવા નારીએ ભાલમાં કુંકુમનો ગોળ ચાંદલો કરવો.૨ 

પછી બહાર અને અંદર માંજીને શુદ્ધ કરેલું જળપાત્ર,ગાળેલું નિર્મળજળ,આચમની પાત્ર, દેવને સ્નાન કરાવવાનું પાત્ર, ઘસેલું સુગંધીમાન ચંદન, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મૂખવાસ, દક્ષિણા, આરતી વગેરે સામગ્રી ભેળી કરીને પોતાની જમણી બાજુએ સ્થાપન કરવી.૩-૪ 

સર્વે સ્ત્રીઓને શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાનો નિષેધ હોવાથી કમલાપતિ એવા શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાની પૂજા કરવી.૫ 

નખના સ્પર્શવાળા જળથી,પોતાના આચમન કરતાં બચેલાં જળથી,તેમજ પગથી ઉલેચેલાં જળથી પણ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ન કરવી. પૂજામાં ઘીનો દીવો કરવો, અથવા તલના તેલનો દીવો કરવો.જે પૂજાની સામગ્રીનો અભાવ હોય તેમાં કેવળ મંત્ર બોલીને સંકલ્પથી આગળ વધવું.૭ 

પૂજા કરવા બેઠેલી સ્ત્રીએ બીજી કોઇ સ્ત્રી કે પુરુષની સાથે બોલવું નહિ,આમ તેમ જોવું નહિ અને ક્યારેય પણ ક્રોધ ન કરવો.૮ 

પૂજા કરનારી સ્ત્રીએ પવિત્ર સ્થાનમાં બેસી ફરીથી આચમની કરવી.પછી તાલિકા કે ઘંટાનો નાદ કરી ધીરે ધીરે ભગવાનને જગાડતાં બોલવું કે, હે ગોવિંદ ! તમે જાગો,હે ગરૃડધ્વજ ! તમે જાગો, હે કમલાકાન્ત ! તમે જાગ્રત થાઓ અને ત્રીલોકીનું મંગળ કરો.૯-૧૦ 

આ પ્રમાણે ભગવાનને જગાડી વસ્ત્રના ખંડથી માર્જન કરવું ને તે પ્રતિમાને કોમળ આસન પાથરેલા સિંહાસનમાં કે કરંડિયામાં સ્થાપન કરવી.૧૧ 

એ પ્રતિમાઓ પાષાણની, કાષ્ઠની, સુવર્ણ આદિક ધાતુની, ચંદનની,ચિત્રની,રેતીની કે મનોમય અને સ્ફટિક આદિક મણિની એમ આઠ પ્રકારની કહેલી છે.૧૨ 

પછી પૂર્વમુખે અથવા ઉત્તરમુખે અથવા પ્રતિમાની સન્મુખ સ્વસ્તિક આસને બેસી પોતાના હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું.૧૩ 

તે ભગવાન કોટી કોટી સૂર્યની સમાન તેજસ્વી અને દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયેલા છે, દ્વિભુજ છે,મેઘની સમાન શ્યામ અને કરોડે કરોડ કામદેવને પણ લજ્જા પમાડે તેવા મનોહર છે.૧૪ 

અનેક પ્રકારનાં દિવ્ય આભૂષણોને ધારી રહેલા છે.પીળું પીતાંબર અને કસુંબલ વસ્ત્રને ધારી રહેલા તે ભગવાન મોરલીને વગાડે છે. રાધા અને લક્ષ્મીજીએ યુક્ત વિરાજે છે. તેના ડાબા ભાગમાં ઊભેલા, કપૂર જેવી ગૌર કાંતિવાળા ધર્મદેવ ભગવાનની આદરપૂર્વક સેવા કરી રહેલા છે. અને ભગવાનની જમણી બાજુએ ઊભેલાં ભક્તિદેવી અતિશય ગાઢ સ્નેહથી ભગવાનની ઉપાસના કરી રહેલાં છે.૧૬ 

દેવતાઓના વૃંદો અનેક પ્રકારના દિવ્ય ઉપચારોથી તેમની પૂજા કરી રહેલા છે.શ્રીદામા,સુનંદાદિ પાર્ષદો છત્ર, ચામર, વીંજણો આદિક ધારણ કરી સેવા કરી રહેલા છે.૧૭

આવા પ્રકારના શ્રીવાસુદેવ ભગવાનનું હૃદય કમળમાં ધ્યાન કરી સ્ત્રીઓએ પોતાને મનગમતા અનેક પ્રકારના માનસિક ઉપચારોથી ભગવાનનું પૂજન કરવું.૧૮ 

પછી માનસીપૂજામાં પૂજા કરાયેલા ભગવાનને પ્રતિમામાં આવાહન કરી પ્રાપ્ત થયેલા ઉપચારોથી એક એક ઉપચારને અર્પણ કરતી વખતે ''શ્રીકૃષ્ણાય નમઃ'' આ ષડાક્ષરી મંત્રનું ઉચ્ચારણ કરવા પૂર્વક પૂજન કરવું.૧૯ 

આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન, વસ્ત્ર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, મુખવાસ, દક્ષિણા, આરતી, મંત્રપુષ્પાંજલી વગેરે ઉપચારો ક્રમ પ્રમાણે ભગવાનને અર્પણ કરવા.પછી ભગવાનની પ્રાર્થના કરવી કે હે શ્રીકૃષ્ણ ! હે નારાયણ ! હે દેવોના દેવ ! હે રાધિકાના પતિ ! હે સંતજનોના પૂજનીય ! હે ભક્તપ્રિય ! હે ધર્મભક્તિને આનંદ પમાડનારા ! હે પ્રભુ ! હે શ્રીહરિ ! હે નાથ ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૦-૨૨ 

''હે નાથનો અર્થ થાય હે પતિદેવ'' હું તમારો ક્યાં પતિ છું ? એમ તમે કહેશો નહિ. કારણ કે હે ભગવાન ! આલોકમાં તથા પરલોકમાં સંસારથી ભય પામેલી મારી રક્ષા કરનારા અને સમસ્ત વિશ્વના પતિ એવા તમારે વિષે જ પતિ શબ્દ સાર્થક છે, તેથી મેં તમને જ એક પતિ ધાર્યા છે.૨૩ 

હે ભગવાન ! જે નારી તપ, પૂજા આદિક વડે તમારી આરાધના કરી તમારા સિવાય અન્ય પુરુષને પતિ તરીકે વરવાની માંગણી કરે છે તે ખરેખર તમારી માયાથી મોહિત થયેલી છે. કારણ કે બીજાને વરવાથી આલોક કે પરલોકમાં ભયથી મુક્ત થઇ શકતી નથી.૨૪ 

તમારા સિવાયનો પતિ છે તે સ્વયં કર્મપાશથી બંધાયેલો દુઃખી હોય છે.તે બીજાને કેમ છોડાવી સુખી કરી શકે ? તેથી હે ઇશ્વર ! ધર્મપાલન, તથા તપ, વ્રત આદિકના આચરણથી હું એક તમને જ રાજી કરવા ઇચ્છું છું. એથી હે આત્માના બંધુ ! હે પ્રાણપતિ ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ ને મારા હૃદયમાં રહેલો મનોરથ તમે પૂર્ણ કરો. ૨૫ 

હે વિપ્ર ! આ પ્રમાણે ભગવાનની પૂજા કરનારી સ્ત્રીએ પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી નમસ્કાર કરવા ને ફરી ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરવા અને પ્રતિમાને કરંડિયામાં સ્થાપન કરી સુવડાવી દેવી.૨૬ 

આ પ્રમાણે મેં તમને ભગવાન શ્રીહરિની પૂજાનો વિધિ સંક્ષેપથી કહ્યો. આ પૂજાવિધિ પ્રમાણે પૂજા કરવાથી શ્રીકૃષ્ણ ભગવાનને વિષે પ્રેમવૃદ્ધિ થાય છે.૨૭ 

હે નિષ્પાપ વિપ્ર ! પૂજા વિધિની સમાપ્તિ કર્યા પછી સ્ત્રીઓએ સ્થિર આસને બેસી શ્રીકૃષ્ણ ભગવાનના ચરણકમળને વિષે પોતાના ચિત્તને તલ્લીન કરી ગુરુપદ પર વિરાજમાન આચાર્ય પત્ની પાસેથી પ્રાપ્ત કરેલા શ્રીકૃષ્ણના અષ્ટાક્ષરમંત્રની પાંચ માળા કરવી.૨૮ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સ્ત્રીઓના ધર્મમાં ભગવાનની પૂજા વિધિનું નિરૃપણ કર્યું, એ નામે છત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૬--