અધ્યાય - ૩૭ - સ્ત્રીઓના રજસ્વલા આદિક સાધારણ ધર્મનું નિરૃપણ.

સ્ત્રીઓના રજસ્વલા આદિક સાધારણ ધર્મનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! સધવા કે વિધવા નારી જ્યારે રજસ્વલા ધર્મમાં આવે ત્યારે તેમણે ત્રણ રાત્રી દિવસ સુધી સ્ત્રી કે પુરુષનો સ્પર્શ કરવો નહિ.૧

પૂર્વે ઇન્દ્રે બ્રહ્મહત્યાનો ચોથો ભાગ સ્ત્રીઓને આપેલો છે. તે દર મહિને રજોરૃપે સ્ત્રીમાં દેખાય છે. આ કથા શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં વર્ણવેલી છે.૨ 

કે રજસ્વલા સ્ત્રી પહેલે દિવસે ચંડાલી, બીજે દિવસે બ્રહ્મઘાતિની, ત્રીજે દિવસે ધોબણ અને ચોથે દિવસે સ્નાન કરીને સ્પર્શ કરવા યોગ્ય થાય છે.૩ 

પરંતુ દેવ સંબંધી કે પિતૃસંબંધી કર્મ કરવામાં પાંચમે દિવસે જ શુદ્ધ થયેલી ગણાય છે. આપત્કાળમાં તો ઉપવાસ કરીને ત્રીજે દિવસે શુદ્ધ થાય છે. પરાશર મુનિએ કહેલું છે કે વિવાહનો પ્રસંગ હોય, યજ્ઞા પ્રસંગ હોય, દુષ્કાળ પડે, દેશ ભાંગે, ભાગવાનો સમય આવે, ત્યારે રજસ્વલા નારી એક ઉપવાસ કરીને શુદ્ધ થાય છે.૪ 

સ્ત્રીઓએ રજોદર્શન રૃપ ઇન્દ્રના મહાપાપને ક્યારેય પણ છૂપાવવું નહિ. જો છૂપાવે તો તે નારી સ્વીકારેલા બ્રહ્મહત્યાના ભાગથી ક્યારેય પણ મુક્ત થતી નથી.૫

રજસ્વલા સ્ત્રી અન્ય રજસ્વલા કે બીજી સ્ત્રી નો જાણી જોઇને સ્પર્શ કરે તથા અરજસ્વલા રજસ્વલાનો જાણી જોઇને સ્પર્શ કરે તો પાપની ભાગીદાર થાય છે.૬ 

આવા પાપનું પ્રાયશ્ચિત ધર્મશાસ્ત્રમાં કૃચ્છવ્રત કરવાથી કહેલું છે. કલિયુગમાં એ પ્રાયશ્ચિત સર્વે નારીઓએ કરવું અશક્ય હોવાથી તેઓ કરી શકે તેવું સુલભ પ્રાયશ્ચિત કહું છું. જે સ્ત્રી જાણી જોઇને રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ કરે તો તેમણે એક ઉપવાસ કરવો.૭-૮ 

અને અજાણતાં જો ક્યારેક સ્પર્શ થઇ જાય તો વસ્ત્રે સહિત સ્નાન કરી હરિસ્મરણ કરવું.૯ 

અને આપત્કાળમાં જાણી જોઇને સ્પર્શ કર્યો હોય છતાં કેવળ સ્નાનથી જ શુદ્ધ થાય છે. તેવીજ રીતે પુરુષને પણ રજસ્વલા સ્ત્રીનો સ્પર્શ થઇ જાય તો આજ વિધિ જાણવો.૧૦ 

સ્ત્રીઓએ રજોદર્શન ક્યારેય પણ છૂપાવવું નહિ. આ પ્રમાણે મહર્ષિઓનું વચન છે. પતિવ્રતા નારીઓનો તો આ સદાચાર પણ કહેલો છે.૧

રજસ્વલાપણાને નહીં છૂપાવવાથી સ્ત્રીઓને બ્રહ્મહત્યાનો દોષ નાશ પામે છે. અને સ્વજનોની પરપુરુષની સાથે થયેલા ગર્ભધારણની શંકા નાશ પામે છે.૧૨ 

તેથી ધર્મસિદ્ધિને ઇચ્છતી ચારે વર્ણની નારીઓએ પુરાતની આ મર્યાદાનું અત્યારે પણ પાલન કરવું.૧૩ 

આ પૃથ્વી પર જે સ્ત્રી કે પુરુષ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરે, તેના બ્રહ્મચર્ય વ્રતનો જે સ્ત્રી છળકપટથી ભંગ કરાવે છે તે સ્ત્રીને ક્રોધથી લાલચોળ નેત્રોવાળા યમદૂતો ઉચ્ચાસ્વરે આક્રોશ કરતી હોવા છતાં અગ્નિથી તપાવેલા તીક્ષ્ણ લોહદંડથી દઝાડે છે.૧૪-૧૫ 

પછી કુંભીપાક નરકમાં નાખી તપાવેલાં તેલમાં ઉકાળે છે.૧૬ 

પછી રૃધીર અને વિષ્ટાના કુંડમાં નાખે છે. તે સ્ત્રીના શરીર પર જેટલા રોમ છે. તેટલા વર્ષ પર્યંત (સાડાત્રણ કરોડ) તે સ્ત્રી યમયાતના ભોગવી નિર્જળવાળા પ્રદેશમાં પિશાચણી થાય છે.૧૭ 

અને જે કામી પુરુષ સ્ત્રી અથવા પુરુષના નિષ્કામ બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરાવે છે, તે પુરુષ પણ મરીને નરકને પામે છે.૧૮ 

ત્યાં તે કુંભીપાકમાં રંધાય છે અને યમના દૂતો તેમને વારંવાર સર્પદંશ કરાવી બહુજ તાડન કરે છે. ત્યારે તે પુરુષ બહુજ ઉંચા સ્વરે આર્તનાદ કરે છે.૧૯ 

અને જે પુરુષો નિષ્કામવ્રતવાળા પુરુષો કે સ્ત્રીઓનાં બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ કરે છે તે પુરુષોને જે નિષ્કામીવ્રતવાળા પુરુષોને પ્રાપ્ત થવા યોગ્ય ગતિ નિશ્ચે પ્રાપ્ત થાય છે.૨૦ 

હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! આ પ્રમાણે સતીગીતામાં કહેલા સર્વે સ્ત્રીઓ માટેના હિતકારી ધર્મો મેં તમને સંભળાવ્યા.૨૧ 

જે નારી આ સતીગીતાને સાંભળશે કે તેમનો પાઠ કરશે તે બન્ને નારીઓ પોતે ઇચ્છેલાં ફળને નિશ્ચે પામશે.૨૨ 

તેમજ જે સ્ત્રીઓ નિત્ય નિયમ પૂર્વક સતીગીતાનો પાઠ કરશે તેપણ આલોકમાં મોટી કીર્તિને પામશે. અને દેહને અંતે ભગવાનના ધામને પામશે.૨૩ 

હે વિપ્ર ! આ પ્રમાણે બીજા આશ્રમવાળા ગૃહસ્થ પુરુષોના તથા તેમની સ્ત્રીઓના ધર્મો મેં તમને કહ્યા. તે ગૃહસ્થોએ તથા સ્ત્રીઓએ ધર્મનું હમેશાં શ્રવણ પઠન તથા પાલન કરવું.૨૪ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સ્ત્રીઓના રજસ્વલા આદિક સાધારણ ધર્મનું નિરૃપણ કર્યું, એ નામે સાડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૭--