અધ્યાય - ૪૧ - સંન્યાસીએ ત્યાગવા યોગ્ય બાબતો તથા તેના ભંગના પ્રાયશ્ચિતનું નિરૃપણ.

સંન્યાસીએ ત્યાગવા યોગ્ય બાબતો તથા તેના ભંગના પ્રાયશ્ચિતનું નિરૃપણ.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! સન્યાસીએ વર્ષના ચોમાસાના ચાર માસ ગામ અથવા નગરમાં એક જગ્યાએ નિવાસ કરવો. જો આપત્કાળ આવી પડે તો બે માસ નિવાસ કરીને બીજા ગામમાં જઇને રહેવું.૧ 

આપત્કાળ વિના ચાતુર્માસમાં જેટલાં ગામ ઉલ્લંઘે તેટલાં કૃચ્છ્રવ્રત કરવાં તેથી શુદ્ધ થાય છે.૨ 

સંન્યાસીએ આચાર વિનાના ગામ કે નગરમાં રહેવું નહિ, કદાચ સદાચારી હોય ને તેમાં પોતાના સંબંધી વસતાં હોય તો તેમાંપણ રહેવું નહિ.૩ 

પોતે જે ગામ કે નગરમાં નિવાસ કર્યો હોય ત્યાં જો ચોરનો ઉપદ્રવ હોય અથવા બ્રહ્મત્યાદિ દોષથી તે ગામ દૂષિત હોય અથવા દુષ્કાળ પડયો હોય, દુશ્મન દેશના સૈન્યની ચડાઇથી તે રાષ્ટ્ર ભાંગતું હોય તો સંન્યાસીએ વર્ષાઋતુમાં પણ તે ગામનો તત્કાળ ત્યાગ કરી દેવો.૪ 

સંન્યાસીએ મસ્તકપરનું મુંડન બે માસને અંતે પૂર્ણિમાને દિવસે જ કરાવવું. બીજી તિથિઓમાં કરાવવું નહિ. તેમાં પણ ચોમાસાના ચાર મહિના સુધી મુંડન કરાવવું નહિ. તેમજ નદીઓ તરવી નહિ.૫ 

આસન, પાત્રલોપ, સંચય, શિષ્ય સંગ્રહ, દિવસનિદ્રા અને વ્યર્થ વાતો; આ છ સંન્યાસીને બંધનકર્તા થાય છે, તેનાં લક્ષણો કહીએ છીએ.૬ 

આસન :- વર્ષાઋતુ સિવાય એક દિવસથી અધિક ગામમાં અને પાંચ દિવસથી અધિક નગરમાં નિવાસ કરવો તેને આસન કહેવાય છે.૭ 

પાત્રલોપ :- ભિક્ષાન્ન જમનાર સંન્યાસીએ પૂર્વે કહેલા તુંબડા આદિકના પાત્રમાંથી કોઇ પણ એક પાત્રને પોતા પાસે ન રાખવું, તે પાત્રલોપ કર્યો જાણવો.૮ 

સંચય :- જરૃરી પ્રથમ ગ્રહણ કરેલા દંડ સિવાય ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે બીજા દંડનો પરિગ્રહ કરવો, તેને સંચય કહેલો છે.૯ 

શિષ્યસંગ્રહ :- સેવા, લાભ, પૂજા, સન્માન, તથા યશકીર્તિને માટે શિષ્યોનો પરિગ્રહ કરવો, પરંતુ જનોનું હિત કરવા દયાળુ સ્વભાવને કારણે નહિ, તેને શિષ્યસંગ્રહ કહેલો છે.૧૦ 

દિવસે નિદ્રા :- વિદ્યાદિ ગુણો હૃદયના અંધકારને દૂર કરી તેમાં પ્રકાશ કરનાર હોવાથી તેને દિવસ કહેલો છે, અને અવિદ્યાને રાત્રી કહેલી છે, તેથી વિદ્યાભ્યાસમાં પ્રમાદ કરવો, તેને દિવસે નિદ્રા કહેલી છે.૧૧

 વ્યર્થવાતો- આત્મા પરમાત્માના જ્ઞાન સંબંધી આધ્યાત્મિક કથા છોડીને ભિક્ષામાં પ્રાપ્ત થયેલા અન્નની પ્રશંસા કે રાજકારણની વાતો કરવી તે વ્યર્થવાતો કહેલી છે.૧૨

હે વિપ્ર ! સંન્યાસી જો કોડી જેવી તુચ્છ વસ્તુનો સંગ્રહ કરે તો પણ દિવસે દિવસે હજાર ગાયના વધનું પાપ લાગે છે. આ પ્રમાણેની સનાતન શ્રુતિ છે.૧૩ 

તેમજ હૃદયમાં સ્નેહભાવ રાખી એકવાર પણ સ્ત્રીને જુએ તો બે કોટિ કલ્પ પર્યંત કુંભીપાક નરકમાં પડે છે. તેમાં કોઇ સંશય નથી.૧૪ 

માતા પિતા સિવાય પુત્રાદિ સંબંધીનું મરણ સાંભળે તો પણ સંન્યાસીએ સ્નાન કરવું નહિ. માતા-પિતાના મરણમાં વસ્ત્રે સહિત સ્નાન કરવું.૧૫ 

સંન્યાસ ધર્મને સ્વીકાર્યા પછી જો સ્વધર્મમાં વર્તે નહિ, તો તેને રાજાએ કૂતરાંના પગ જેવા આકારવાળા લોહદંડને તપાવી તેના શરીર ઉપર તેનું ચિહ્ન અંકન કરી તત્કાળ પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકવો.૧૬ 

જે સંન્યાસી તૃણ, ધાન્યાદિકનું છેદન કે વૃક્ષાદિકનું વિદારણ કરે, અગ્નિમાં રસોઇ પકાવવા પ્રવૃત્ત થાય, અને વીર્યનો સ્રાવ કરે તો તેવાને જોઇને બીજા સંન્યાસીએ વસ્ત્રે સહિત સ્નાન કરવું.૧૭ 

તલ, ધાન્ય, સોનું, પૃથ્વી, ગાય, દાસી, ઘર અને મઠ આદિકનો જે સંગ્રહ કરે તેને સ્વધર્મ નિષ્ઠ બીજા સન્યાસીઓએ પોતાના મંડળમાંથી બહિષ્કૃત કરવો અને તેનું દર્શન થતાં સ્નાન કરવું.૧૮ 

જે સંન્યાસધર્મનો સ્વીકાર કરી ફરી ગૃહસ્થાશ્રમમાં પાછો ફરી લગ્ન કરે છે તે ઉલટીના અન્નને ખાનાર સર્વજનોમાં નિંદાને પાત્ર થાય છે અને પિતૃઘાતી તેમજ ચંડાલની સમાન કહેલા છે. તેથી તેમનાં જન્મેલાં સંતાનોને રાજાએ ચંડાલની સાથે નિવાસ કરાવવો.૧૯-૨૦ 

ધર્મભ્રષ્ટ થયેલો સંન્યાસી જો અન્નનું દાન કરે તો પોતાને અન્ન આપનારનો, પોતા થકી અન્ન સ્વીકારનારનો, અન્નનો અને સ્વયં પોતાનો; આ ચારનો વિનાશ નોતરે છે.૨૧ 

રાત્રીએ પુનઃ ભોજન કરવા માટે સ્વીકારાતું અન્ન, શ્વેત વસ્ત્ર, તાંબૂલ, મદ્ય, માંસ, વાહન, ગોદડી, પલંગ, ધન, નારી અને અનેક પ્રકારના રસો; આટલાનો સ્વીકાર કરી ભોગવે છે, તે સંન્યાસીનું કુળ અને તેને આપનારનું કુળ, આ બન્ને કુળ ચોક્કસ રૌરવ નરકમાં પડે છે.૨૨-૨૩ 

જો સંન્યાસી પ્રમાદથી બે ગામમાં ભિક્ષાટન કરે, અથવા ડગલી ધારણ કરે તો ચાંદ્રાયણ વ્રત કરે.૨૪ 

જે સંન્યાસી ધાન્ય, વૃક્ષ, લતા, મૂળ, ફળ, પુષ્પ અને પત્રને તોડે અથવા ઉખાડે તો તે અવીચિ નરકમાં પડે છે.૨૫ 

પોતાના હાથે સૂક્ષ્મજંતુના વિનાશમાં સંન્યાસીએ દશ પ્રાણાયામ કરવા, સ્વપ્નમાં સ્ત્રી સંગ થાય તો સ્નાન કરી ''ઁ નમો નારાયણાય'' આ અષ્ટાક્ષરમંત્ર ત્રણહજાર વાર જપવો.૨૬ 

સંન્યાસીએ સ્ત્રીને જોવા માત્રથી ઇન્દ્રિયોની દુર્બળતાને કારણે વીર્યસ્રાવ થઇ જાય તો ત્રણ ઉપવાસ કરી સો પ્રાણાયામ કરવા.૨૭ 

સંન્યાસીને કોઈ પણ સ્થળે, કોઇ પણ પ્રકારે વીર્યસ્રાવ થાય તો અલગ અલગ એક એક ઉપવાસ કરવો.૨૫-૨૮ 

ભિક્ષા લેવા સિવાય બીજે અજાણતાં જો સંન્યાસી સ્ત્રી સાથે બોલે તો સ્નાન કરી હરિ નામનો જપ કરતાં એક ઉપવાસ કરવો.૨૯ 

આ રીતે સ્ત્રીની કથા શ્રવણાદિ સાત પ્રકારના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થાય તો પ્રત્યેકને માટે અલગ અલગ એક એક ઉપવાસ કરવો.૩૦ 

અને જાણી જોઇને સાતમાંથી કોઇ એક વ્રતનો ભંગ કરે તો હરિનામ જપતાં એક તપ્તકૃચ્છ્ર વ્રત કરે.૩૧ 

અને જો સ્ત્રી સાથે સાક્ષાત્ મૈથુન ક્રિયા થાય તો સંન્યાસીએ સ્વયં વનમાં જઇ શિશ્ન ઇન્દ્રિયના છેદનરૃપ પ્રાયશ્ચિત કરવું.૩૨ 

''મેં આઠમા બ્રહ્મચર્યવ્રતનો ભંગ કર્યો છે'' એમ બોલતાં પોતાનાં કર્મને જાહેર કરી માત્ર ફળ-ફૂલનો આહાર કરી ઇન્દ્રિયોનું દમન કરતો હમેશાં તીર્થોમાં વિચરણ કરે. ત્યારપછી સત્પુરુષનો અનુગ્રહ થ-તાં તે શુદ્ધ થાય છે.૩૩ 

જે દ્વિજ સન્યાસધર્મનો સ્વીકાર કર્યા પછી ફરી મૈથુન કરે છે, તે સાઠહજાર વર્ષ પર્યંત વિષ્ટાનો કીડો થાય છે.૩૪ 

અને જો કામમોહિત થઇ હસ્તમૈથુન કરે તો તે સાંતપન નામના બે કૃચ્છ્રવ્રત કરી ત્રણ લાખ ઁકારના જપ કરે, ત્યારે શુદ્ધ થાય છે.૩૫ 

અને ધર્મભીરુ સંન્યાસી અસત્વાર્તાદિકને કરે તો એક ઉપવાસ કરી સો પ્રાણાયામ કરવા.૩૬ 

સંન્યાસીએ નિત્ય એક ગૃહસ્થના અન્નનું ભક્ષણ, મદ્ય, માંસનું ભક્ષણ, શ્રાદ્ધનું ભોજન, તથા ભોજનમાં પ્રત્યક્ષ મીઠું લેવું આદિનો નિષેધ છે. છતાં તેમાંથી કોઇ એક નિયમનો અજાણતાં ભંગ થાય તો શ્રીવિષ્ણુ ભગવાનના નામમંત્રનો જપ કરતાં પ્રાજાપત્ય કૃચ્છ્રવ્રત કરવું.૩૭-૩૮ 

વાણી, મન અને શરીરથી ઉદ્ભવતા કોઇ પણ નિયમનો જો ભંગ થાય તો તે નિયમભંગને સંતોની આગળ નિવેદન કરી તે સંતો જે પ્રાયશ્ચિત આપે તે કરવું.૩૯ 

જે સંન્યાસી આ પ્રકારના શ્રુતિ અને સ્મૃતિએ કહેલા ધર્મોમાંથી ક્યારેય પણ ચલાયમાન થતા નથી તે ઇચ્છિત એવા બ્રહ્મલોકને પામે છે.૪૦ 

જો પૂર્વોક્ત સંન્યાસીના સર્વે ધર્મો ભગવાનની ભક્તિ સાથે પાળે છે, તો તે સંન્યાસી ભગવાનના અક્ષરધામને પામે છે.૪૧ 

કેટલાક મુનિઓએ જ્ઞાનસંન્યાસ, વેદસંન્યાસ અને કર્મસંન્યાસ; આ ત્રણ પ્રકાર કહેલા છે.૪૨ 

તેમાં સર્વ આસક્તિથી મુક્ત હોય, માન અપમાનાદિ દ્વન્દ્વોથી પર હોય, નિર્ભય અને પોતાના આત્માના સુખે સુખી હોય તેને જ્ઞાનસંન્યાસી કહેલા છે.૪૩ 

તેમજ જે સુખદુઃખાદિ દ્વન્દ્વથી પર થઇ કોઇ પણ પ્રકારનો પરિગ્રહ કર્યા વિના હમેશાં વેદનો અભ્યાસ કર્યા રાખે, એવા મુમુક્ષુ અને જીતેન્દ્રિયને વેદસંન્યાસી કહ્યા છે.૪૪

અને જે અગ્નિને આત્મસાત કરી બ્રહ્માર્પણભાવે મહાયજ્ઞા પરાયણ થઇ જીવન જીવે તેને કર્મસંન્યાસી કહેલા છે.૪૫ 

આ ત્રણેની મધ્યે પ્રથમ જ્ઞાનસંન્યાસી સર્વકરતાં અધિક મનાયેલા છે. કારણ કે તેને કોઇ પણ કાર્ય કરવાનું બાકી રહેતું નથી. તેમજ દંડ, પાત્રાદિ આશ્રમના ચિહ્નો ધારણ કરવાની તેને અપેક્ષા નથી.૪૬ 

જો સંન્યાસીને વૈરાગ્યની દૃઢતા હોય અને ભગવાન શ્રીહરિની ભક્તિ અને જ્ઞાનની પરિપક્વતા થાય તો તેણે દંડાદિ ચિહ્નોનો ત્યાગ કરી દેવો.૪૭ 

સુખદુઃખાદિ સર્વે દેહના પ્રારબ્ધને લીધે જ પ્રાપ્ત થાય છે. એમ જાણી સંન્યાસીએ દંડાદિ ચિહ્નોએ સહિત આશ્રમના આચારની મમતા છોડી, વિધિનિષેધનું પાલન કરવા છતાં તેમાં મમત્વ રહિત થઇ લોક સંગ્રહ માટે વિચરણ કરવું.૪૮ 

વિદ્વાન સન્યાસીએ ગૂઢપણે સ્વધર્મનું પાલન કરી સર્વજનો પોતાને વિષે નિર્ણય ન કરી કે કે આ કોણ છે ? એવું વર્તન રાખી વર્ણાશ્રમની મમતાએ રહિત થઇ અજ્ઞાત ચરિત્રવાળા થઇ વિચરણ કરવું.૪૯ 

વળી મોક્ષધર્મમાં પ્રીતિવાળા, દૈવઇચ્છાથી જે કાંઇ મળે તેનો આહાર કરી જીવન જીવનારા અને જીતેન્દ્રિય સંન્યાસીએ ઉન્મત્ત, બાળક, જડ અને મૂંગાની જેમ વર્તી પૃથ્વીપર વિચરણ કરવું.૫૦ 

બ્રહ્માનંદમાં સદાય મગ્ન રહેનારા, સમગ્ર આશારૃપી પાશથી મુક્ત વર્તતા, તેમજ અપરિગ્રહી એવા સંન્યાસીને સમુદ્રના જળની જેમ ચારેબાજુથી સુખ જ પ્રાપ્ત થાય છે.૫૧ 

હે વિપ્ર ! આવા પ્રકારનો ત્યાગી સંન્યાસી શુભ સિદ્ધદશા પામેલો અને નિર્વિકલ્પ સમાધિ પામેલો મહામુક્ત કહેવાય છે.૫૨ 

હે વિપ્ર ! જે સંન્યાસી સાધનદશામાં રહેલો હોય તે સંન્યાસીને સવિકલ્પ સમાધિવાળો જ્ઞાની મુક્ત કહેવાય છે.૫૩ 

અને જે ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષો વૈરાગ્યને વેગે કરીને ઘરનો ત્યાગ કરી વર્તે છે. તે સાધુવૃત્તિવાળા વૈષ્ણવો કહેલા છે.૫૪ 

સાધુવૃત્તિવાળા આવા ત્યાગી વૈષ્ણવોએ લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માનને જીતી એકાંતિક ભાવે સદાય ભગવાન શ્રીહરિનું સેવન કરવું.૫૫ 

પૂર્વોક્ત ચારે વર્ણ અને ચારે આશ્રમની મધ્યે જે વર્ણાશ્રમી જનોએ વૈષ્ણવી સામાન્ય દીક્ષા કે મહાદીક્ષાનો ઘર્મવંશી ગુરુ પાસેથી સ્વીકાર કર્યો હોય તે સર્વેને માટે સામાન્યપણે તો પૂર્વે કહ્યા એજ સર્વે ધર્મો જાણવા. અને જે વિશેષ ધર્મો છે તે પૂર્વે દીક્ષાવિધિમાં અમે કહ્યા છે તે તમારે જાણવા.૫૬-૫૭ 

હે ઉત્તમવિપ્ર ! આ પ્રમાણે અમે સમસ્ત વર્ણાશ્રમના સર્વે ધર્મો તમને સંભળાવ્યા જે પુરુષ આ સમસ્ત ધર્મોનો પાઠ કરશે અથવા સાંભળશે તે પુરુષ નિશ્ચે સ્વધર્મમાં નિશ્ચળ મતિ પ્રાપ્ત કરશે, તેમાં કોઇ સંશય નથી.૫૮ 

આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સંન્યાસીના ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય બાબતો તથા નિયમ ભંગના પ્રાયશ્ચિતોનું નિરૃપણ કર્યું એ નામે એકતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૧--