વર્ણસંકર જાતિના ધર્મોનું નિરૃપણ.
શિવરામવિપ્ર પૂછે છે, હે જગદ્ગુરુ ! જે મનુષ્યો ચારવર્ણથી પણ ભિન્ન અને તેનાથી હીનજાતિના છે, તેમના ધર્મો, તેમજ ચોરી કરવાની વૃત્તિવાળા ભીલ આદિકના જે ધર્મો હોય તે મને સંભળાવો.૧
ત્યારે ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! ચારવર્ણથી ભિન્ન સૂત, વૈદેહક આદિ જનોએ તથા ભીલ, શક, કંક આદિ ચોરવૃત્તિવાળા મનુષ્યોએ પોતાના હિત માટે માતા-પિતા, ગુરુ, તથા બ્રહ્મચારી આદિ આશ્રમવાસીઓની તેમ જ પોતાના રાજાની સેવા કરવી.ર-૩
તે સંકરજાતિના સૂતાદિ સર્વે જનોની આજીવિકાવૃત્તિ તે તે કુળની પરંપરા પ્રમાણે જાણવી. પરંતુ તેમાં હિંસા અને ચોરીનો સર્વથા ત્યાગ કરવો.૪
કારણ કે કોઇ પણ જીવની હિંસા ન કરવી, સત્ય બોલવું, ક્રોધ ન કરવો, પવિત્રપણે રહેવું અને કોઇનો દ્રોહ ન કરવો, આ સર્વે ધર્મો સૌ કોઇ જનોને માટે સામાન્યપણે પાળવાના કહ્યા છે.પ
તેમ જ સૂતાદિક વર્ણસંકર જાતિના સર્વે જનોએ પિતૃયજ્ઞા કરવા, કૂવા ગળાવવા, ધર્મશાળા બંધાવવી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન આપવાં.૬
વળી ધનાઢય એવા સર્વે જનોએ સર્વે યજ્ઞોના નિમિત્તે દક્ષિણાઓ આપવી. અન્ન, વસ્ત્રાદિકથી પુત્ર, પત્ની આદિ પોષ્યવર્ગનું પોષણ કરવું.૭
સૌ કોઇએ પણ સર્વે પ્રકારના પ્રાણીઓની મધ્યે સ્ત્રીજાતિનો તો કોઇ પણ પ્રકારે વધ ન કરવો. પોતાની સાથે યુદ્ધ કરનાર આતતાયીનો વધ કરવામાં દોષ નથી. કોઇ પણ પરસ્ત્રીનો બલાત્કારે ઉપભોગ ન કરવો.૮
ગાય, સંત અને બ્રાહ્મણનું રક્ષણ કરવા પોતાના શરીરની પરવા કર્યા વિના તેની સામે યુદ્ધ કરી તેમનું રક્ષણ કરવું. તપસ્વી, બાળક અને ભયભીત વ્યક્તિનો ક્યારેય ઘાત ન કરવો.૯
પોતાનું સર્વસ્વનું દાન કરી તપસ્વીઓની સેવા સર્વપ્રકારે કરવી. અન્ન, ફળ અને જળથી અતિથિઓનો સત્કાર કરવો.૧૦
દેવતા, પિતૃ અને બ્રાહ્મણોને સત્કારવા અને ભાવથી પૂજા કરવી, તેઓને જે પીડા આપે તેમને યથાયોગ્ય શિક્ષા પણ કરવી.૧૧
બીજાના ખેતરમાંથી ધાન્યની ચોરી ન કરવી, કોઇની આજીવિકાનાં સાધનોનો નાશ ન કરવો.૧ર
વળી તે ભીલ આદિક જનોએ સંતપુરુષોની આજ્ઞાનું ઉલ્લંઘન મનથી પણ ક્યારેય ન કરવું, જો સંતની અવજ્ઞા થાય તો તેણે કરેલાં સુકૃતો મૂળ સહિત નાશ પામે છે. તેમાં કોઇ સંશય નથી.૧૩
હે વિપ્ર ! આ પ્રમાણે અમે તમને સંકરજાતિના અને ભીલ આદિ ચોર જાતિના આલોકમાં સુખને આપનારા હિતકારી અને પરલોકમાં મંગળ કરનારા સર્વે ધર્મો યથાશાસ્ત્ર કહ્યા.૧૪
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલા ધર્મો સાંભળી પ્રસન્ન થયેલા શિવરામવિપ્ર ભગવાન શ્રીહરિને ફરી પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમોએ વર્ણ તથા આશ્રમના ધર્મો અને તેનાથી બહાર વર્તતા સંકરજાતિના સર્વે ધર્મો પૃથક્ પૃથક્ કરી અનુક્રમે કહ્યા.૧૬
હે વિભુ ! હવે આલોકમાં બ્રાહ્મણાદિ સર્વે મનુષ્યોને ક્યારેક કોઇ પાપનો સંભવ થઇ જાય ત્યારે જે પ્રાયશ્ચિત વિધિ કરવાનો કહ્યો હોય તે સાંભળવા ઇચ્છું છું.૧૭
તેથી હે જગદ્ગુરુ ! મનુષ્યોએ સર્વ પ્રકારે મહાપાપ કે અલ્પપાપોનાં કરવા યોગ્ય સર્વે પ્રાયશ્ચિત મને સંભળાવો.૧૮
હે સ્વામિન્ ! તે પ્રાયશ્ચિતમાં કરવા યોગ્ય કૃચ્છ્રાદિ સર્વે વ્રતોનાં લક્ષણો પણ કૃપા કરીને મને કહો.૧૯
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ઉદારબુદ્ધિવાળા શિવરામવિપ્રે સમગ્ર ધર્મરહસ્યને જાણવા પ્રશ્ન કર્યો, ત્યારે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થઇ તે વિપ્રને યથાશાસ્ત્ર વચનો કહેવા લાગ્યા.૨૦
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ સંકરજાતિના ધર્મોનું નિરૃપણ કર્યું, એ નામે બેતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૨--