ભગવાન શ્રીહરિએ ગઢપુરમાં કરેલો શ્રીગોપીનાથજી મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રીહરિએ અંતર્ધાન થવાની ઈચ્છાથી સત્સંગની સર્વે જવાબદારી ગોપાળાનંદ સ્વામીને સોપી.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિની આજ્ઞાથી પ્રારંભ કરાયેલું ગઢપુરનું મંદિર જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમાનો પ્રતિષ્ઠાવિધિ કરવા યોગ્ય થયું, ત્યારે ઉત્તમ રાજા શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે, હે ભગવાન્ ! આ મંદિર તૈયાર થયું છે તેથી તમો શુભ મુહૂર્તમાં શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રતિષ્ઠા વિધિ કરો.૧-ર
હે પ્રતાપસિંહ રાજન્ ! આપ્રમાણેનું ઉત્તમરાજાનું વચન સાંભળી અતિશય પ્રસન્ન થયેલા શ્રીહરિ જ્યોતિષજ્ઞા રામચંદ્રવૈદ્યને મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત પૂછવા લાગ્યા.૩
તે વિપ્ર પંચાગમાં જોઇ કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! આ આસો મહિનાની શુદ પક્ષની બારસની તિથિએ શુભ મુહૂર્ત છે તેમાં પ્રતિષ્ઠા વિધિ કરો.૪
તે સાંભળી શ્રીહરિ ઉત્તમ રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન્ ! પ્રતિષ્ઠાવિધિને યોગ્ય સામગ્રી તત્કાળ લાવીને ભેળી કરો. કારણ કે આજથી આરંભીને પાંચમે દિવસે શુભ મુહૂર્ત છે.પ
શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેથી અતિશય પ્રસન્ન થયેલા ઉત્તમ રાજા પ્રતિષ્ઠાવિધિને જાણનારા બ્રાહ્મણોને પૂછીને સત્વરે કાર્ય સિદ્ધ કરનારા પોતાના રાજસેવકો દ્વારા પ્રતિષ્ઠાવિધિને યોગ્ય સર્વે સામગ્રી મંગાવી.૬
અને શ્રીહરિએ મંદિરની સમીપે જ કેળના સ્તંભથી શોભતો વિશાળ મંડપ બંધાવ્યો, ને તેમાં દેવતા સ્થાપનની વેદિકા તૈયાર કરાવી.૭
વિજયાદશમીએ પોતાને દર્શને આવેલા દેશાંતરવાસી અનંત ભક્તોને પ્રતિષ્ઠા મહોત્સવનાં દર્શન થાય તે માટે ગઢપુરમાંજ નિવાસ કરાવ્યો.૮
ત્યારપછી ભગવાન શ્રીહરિએ પ્રતિષ્ઠાવિધિને જાણતા સુજ્ઞા વૈદિક બ્રાહ્મણો એવા શંભુરામ શુક્લ આદિકને બોલાવ્યા ને એકાદશીને દિવસે આદરપૂર્વક પ્રતિષ્ઠાવિધિનો પ્રારંભ કરાવ્યો.૯
હે રાજન્ ! સુંદર અમૂલ્ય પીતાંબર, અને લાલરંગનું રેશમી ઉત્તરીય વસ્ત્ર ધારણ કરી શ્રીહરિએ તે પીઠીકાઓમાં દેવતાઓનું આવાહન કરાવી વિધિને જાણનારા વિપ્રોએ ઉચ્ચારેલા વૈદિક મંત્રોથી તેઓનું પૂજન કર્યું.૧૦
પછી શ્રીહરિએ સંવત ૧૮૮૫ ના આસોસુદ બારસને દિવસે સંગવકાળે અનુરાધા નક્ષત્રમાં મંદિરને વિષે રાધિકાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની યથાશાસ્ત્ર પ્રતિષ્ઠા કરી.૧૧
તે સમયે દુંદુભી આદિક વાજિંત્રોના નાદની સાથે વૈદિક બ્રાહ્મણોના મુખે ઉચ્ચારાયેલો વેદમંત્રોનો મહાધ્વનિ થયો. શ્રીહરિએ મોટા મોટા ઉપચારોથી શ્રીગોપીનાથજી મહારાજની પૂજા કરી સ્થિર દૃષ્ટિથી પોતાનું ઐશ્વર્ય સ્થાપન કરવા દર્શન કરવા લાગ્યા.૧૨
ભગવાન શ્રીહરિ આ પ્રમાણે એક મુહૂર્ત પર્યંત એક દૃષ્ટિથી ગોપીનાથજી મહારાજની મૂર્તિની સામે જોઇ રહ્યા. તે સમયે ગોપીનાથજી મહારાજનું સ્વરૃપ અતિશય પ્રકાશથી દીપવા લાગ્યું, તેનાં દર્શન કરી ભક્તો અને અભક્તો આદિ સમસ્તજનો ખૂબજ આશ્ચર્ય પામ્યા.૧૩
પછી શ્રીહરિએ પૂર્ણાહૂતિનો હોમ કર્યો અને આવાહન કરેલા દેવતાઓનું વિસર્જન કર્યું. વરણી કરાયેલા વિપ્રોને તથા બીજા સર્વે બ્રાહ્મણોને મુખ્ય કલ્પથી દક્ષિણાઓ આપી ખૂબજ સંતોષ પમાડયા.૧૪
ઉદાર બુદ્ધિવાળા શ્રીહરિએ પ્રતિષ્ઠા વિધિમાં ઉત્તમ બ્રાહ્મણોને બહુ જ પ્રકારનાં દાનો આપ્યાં. તેમાં ગાય, સુવર્ણની મુદ્રાઓ, ઘોડા, તલ ભરેલાં પાત્રો અને મનોહર વસ્ત્રો અર્પણ કર્યાં.૧૫
દેશાંતરોમાંથી આવેલા અનેક બ્રાહ્મણોના સમૂહોને તથા ગઢપુરવાસી બ્રાહ્મણોને અને સર્વે સંતોને અનેક પ્રકારનાં ભોજન જમાડી ખૂબ જ તૃપ્ત કર્યા.૧૬
આ પ્રમાણે ગોપીનાથજી મહારાજનો પ્રતિષ્ઠાવિધિ કરી સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રીહરિની ભક્તજનોએ પૂજા કરી, પછી શ્રીહરિએ ગ્રામાન્તરમાંથી ગઢપુર આવેલા સમસ્ત ભક્તજનોને પોતાના દેશ પ્રત્યે જવાની રજા આપી.૧૭
અને ઉત્તમરાજા પોતાની બહેનોએ સહિત શ્રીહરિની પરમ કૃપાથી બહુ લાંબા સમયથી મનના મનોરથને સફળ થયેલો માની નિરંતર તેમની જ ભક્તિથી સેવા કરવા લાગ્યાં.૧૮
શ્રીહરિનો જ જેને એક આશ્રય છે એવી ઉત્તમ રાજાની બહેનો જયાબા અને લલિતાબા તેમજ દુર્ગપુરવાસી સર્વે ભક્તજનો પરમ આનંદ પામ્યા.૧૯
હે પ્રતાપસિંહ રાજન્ ! ત્યારથી આરંભીને તીવ્ર વૈરાગ્યનો આશ્રય કરી ભગવાન શ્રીહરિ જડભરતજીની જેમ નિઃસ્પૃહપણાનું વર્તન કરવા લાગ્યા.૨૦
ક્યારેક અન્ન જમે ક્યારેક ન જમે, ક્યારેક તો માત્ર અન્ન કે પત્ર જમે, અને ક્યારેક કેવળ વાયુ ભક્ષણ કરીને રહે.૨૧
એક દિવસ ભગવાન શ્રીહરિ મુક્તાનંદ સ્વામી આદિ સંતો મુકુન્દાનંદાદિ વર્ણીઓ અને રતનજી આદિ પાર્ષદોને બોલાવીને સર્વને પોતપોતાના ધર્મમાં વર્તાવવા ગોપાળાનંદ સ્વામી પ્રત્યે વચનો કહેવા લાગ્યા.૨૨
શ્રીહરિએ અંતર્ધાન થવાની ઈચ્છાથી સત્સંગની સર્વે જવાબદારી ગોપાળાનંદ સ્વામીને સોપી :- હે મુનિ ! તમે આ સર્વે સંતો વર્ણીઓ અને પાર્ષદો આદિ ભક્તોને અયોધ્યાપ્રસાદ અને રધુવીરજી આ બન્ને આચાર્યોની આજ્ઞા અનુસાર પોતપોતાના ધર્મમાં દૃઢ વર્તાવજો. આ પ્રમાણે ગોપાળાનંદ સ્વામીને કહી સર્વે સંતો-ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા. હે સંતો ! હે ભક્તો ! મારા આશ્રિત સર્વે તમારે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેવાનું છે. તમારામાંથી જે કોઇ આ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તે મારો ભક્ત નથી. આ મારૃં વચન સ્પષ્ટ છે, એમ જમે નક્કી જાણજો.૨૩-૨૪
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે કહ્યું તેથી સર્વે સંતો ભક્તજનો પણ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા હે ભગવાન્ ! અમે સર્વે તમે જે પ્રમાણે કહ્યું તેમ જ કરીશું.રપ
આ પ્રમાણે કહ્યું તેથી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા ને કહેવા લાગ્યા કે, હે સંતો ! હે ભક્તો ! જો તમે સર્વે મેં કહ્યું એ પ્રમાણે વર્તશો તો તમારૃં પરમ કલ્યાણ થશે.૨૬
પછી શ્રીહરિએ સમગ્ર દેહ સંબંધી વ્યવહાર કાર્યનો ત્યાગ કર્યો અને શરીરનું પણ બહુ ધ્યાન રાખતા નહી, ને જે ભક્તજનો આવે તેમને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યે સહિત ભક્તિનો અને અષ્ટાંગયોગે સહિત સમસ્ત ધર્મનો બોધ આપતા.ર૭
ને કહેતા કે કોઇ પણ મારા આશ્રિતે પોતપોતાના વર્ણને અનુરૃપ વેદે કહેલા ધર્મનો ત્યાગ કરવો નહિ, હમેશાં તેમનું પાલન કરવું. પોતાના આત્માની અક્ષરબ્રહ્મની સાથે એકતા કરી, ભગવાન સિવાયની ઇતર સમસ્ત વસ્તુઓમાં અણુમાત્ર પ્રીતિનો ત્યાગ કરી, શ્વેત ઘાટા અને અતિશય તેજોમય એવા અક્ષરધામને વિષે વિરાજતા દિવ્ય સદાય સાકાર મૂર્તિ એવા શ્રીવાસુદેવનારાયણ ભગવાનને વિષે ભક્તિ કરવી, અને તેનું માહાત્મ્ય જાણવા માટે ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા એકાંતિક સંતોનું કાયા, મન અને વાણીથી સમાગમ કરી સેવન કરવું. આ પ્રમાણો પોતાના આશ્રિત ભક્તજનો પ્રત્યે ધર્મદેવના પુત્ર શ્રીનીલકંઠ ભગવાને ઉપદેશ કર્યો.૨૭-૨૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ગઢપુરને વિષે શ્રીગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને સંપ્રદાયની જવાબદારી ગોપાળાનંદ સ્વામીને સોપી, એ નામે પંચાવનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૫--