શ્રીહરિએ કરેલું બ્રહ્મચારીઓના અવશ્ય કરવાના આહ્નિકવિધિનું નિરૃપણ. મુકુંદાનંદ બ્રહ્મચારીએ કરેલી શ્રીહરિની સ્તુતિ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે વર્ણીન્ ! હવે બ્રહ્મચારીના આહ્નિક વિધિનું અનુક્રમથી સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ. તે કર્મ બ્રહ્મચારીઓએ અવશ્ય કરવું.૧
બ્રાહ્મમુહૂર્તમાં જાગ્રત થઇ હૃદયમાં ભગવાન શ્રીનરનારાયણનું ધ્યાન કરી તેમનું અને તેમના ભક્તોનાં નામોનું ઉચ્ચારણ કરતાં તેઓને નમસ્કાર કરવા.૨
પછી જળ ભરેલું પાત્ર લઇ શૌચવિધિ કરવા ગામથી બહાર એકલા નૈઋર્ત્ય અથવા દક્ષિણ દિશામાં જવું.૩
ભૂમિને તૃણથી આચ્છાદન કરી વસ્ત્રથી મસ્તક ઢાંકી ચોખ્ખા અને નિર્જન પ્રદેશમાં મળ-મૂત્રનો ત્યાગ કરવો.૪
યજ્ઞોપવિતને જમણા કાન ઉપર રાખવી, દિવસે અને સંધ્યા સમયે ઉત્તર સન્મુખ મુખ રાખીને અને રાત્રીએ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને મળ-મૂત્રનો ત્યાગ કરવો.૫
આ નિયમ જ્યારે પ્રાણવિપત્તિ આદિકનો ભય ન હોય ત્યારે જાણવો. પરંતુ આપત્કાળમાં રાત્રી કે દિવસે પોતાને અનુકુળ મુખ રાખીને મળ-મુત્રનો ત્યાગ કરવો, તેમજ પોતાને અનુકૂળ થાય તે રીતે છાયામાં કે અંધારામાં પણ મળ-મૂત્રનો ત્યાગ કરવા બેસવું.૬
બ્રહ્મચારીએ રાત્રીમાં અને રોગાદિક આપત્કાળમાં પણ મળમૂત્રનો ત્યાગ કરવા ગામથી બહાર ન જવું, પરંતુ મઠની સમીપમાં મળમૂત્રનો ત્યાગ કરવો.૭
ઊભાં ઊભાં, જળમાં, વિપ્ર, ગાય, અગ્નિ, સૂર્ય અને ચંદ્રની સન્મુખ બેસીને, હળથી ખેડેલી જમીનમાં, માર્ગમાં, નદીને કિનારે, ગાયોની મધ્યે, ધાન્યની મધ્યે, જીર્ણ દેવાલયમાં અને સ્ત્રીની સન્મુખ; આટલી જગ્યાએ ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો અને થૂંકવું પણ નહિ.૮-૯
જળાશયથી સો હાથ જેટલા દૂરના પ્રદેશમાં કે તેનાથી પણ દૂરના પ્રદેશમાં જઇને મૂત્રનો ત્યાગ કરવો. અને મળનો ત્યાગ તો બસો હાથ જેટલા દૂર પ્રદેશમાં જઇને કરવો. તેમજ તીર્થમાં તો તેનાથી ચારગણા દૂર પ્રદેશમાં જઇને મળનો ત્યાગ કરવો.૧૦
પછી દેહની શુદ્ધિને માટે માટી અને જળથી ગુદાની શુદ્ધિ કરી શુદ્ધ જળાશયની સમીપે જવું. ત્યાંથી પાણી લઇ માટીની સાથે હાથ પગનું પ્રક્ષાલન કરવું.૧૧
તેમજ કીડી આદિક જંતુઓવાળી માટી, અપવિત્ર સ્થાનની, રાફડાની, બીજાએ હાથપગ ધોતાં વધેલી માટીને શૌચ વિધિમાં ગ્રહણ કરવી નહિ.૧૨
હવે શૌચ માટે માટી લેવાની સંખ્યા કહીએ છીએ. લિંગ ધોવા જળ સાથે એકવાર માટી લેવી, ગુદા ધોવા ત્રણ વાર, ડાબો હાથ ધોવા માટે દશવાર અને બન્ને હાથ ભેળા કરીને સાતવાર માટી લેવી. પછી બન્ને પગને માટીથી ત્રણ વાર ધોવા.૧૩
મૂત્ર ત્યાગ કર્યા પછી લિંગને માટી અને જળવડે એકવાર ધોવે. ડાબા હાથને ત્રણવાર અને બન્ને હાથને ભેળા કરીને બેવાર માટી અને જળ વડે ધોવા. આ મળ-મૂત્રના શૌચનો વિધિ કહ્યો.૧૪
ધર્મના જ્ઞાતા ચતુર દ્વિજાતિ પુરુષે મળ વિસર્જનની શુદ્ધિ કર્યા પછી બાર કોગળા કરવા અને મૂત્ર કર્યા પછી છ કોગળા કરવા.૧૫
પીતાં બાકી રહેલા કે શૌચવિધિ કરતાં બાકી રહેલા જળથી આચમન ન કરવું. જો બીજા પાત્રનો અભાવ હોય તો શુદ્ધ ભૂમિ ઉપર કંઇક જળ ઢોળીને થોડા આગળ વહી જતા તે જળને લઈ આચમન કરવું.૧૬
આ જે શૌચ વિધિ કહ્યો તે ગૃહસ્થ એવા દ્વિજાતિ પુરુષો માટે કહ્યો છે. બ્રહ્મચારીએ ઉપરોક્ત કરતાં બમણો શૌચવિધિ કરવો. રાત્રીએ તથા માર્ગમાં ચાલતી વખતે આનાથી અર્ધું કરવું.૧૭
રોગી હોય તેમણે પોતાની શક્તિ પ્રમાણે કરવું. આ રીતે દેશકાળને અનુસારે પ્રયત્નપૂર્વક આ શૌચવિધિ કરવો. પરંતુ આળસ કે પ્રમાદથી ત્યાગ ન કરવો.૧૮
જો પાણી ન હોય ને ન રોકી શકવાથી મળ-મૂત્રનો ત્યાગ કર્યો હોય તો જ્યારે જળ પ્રાપ્ત થાય ત્યારે સર્વે શૌચવિધિ કરી વસ્ત્રે સહિત સ્નાન કરવું.૧૯
નિર્જળ વનમાં કે રાત્રીએ તેમ જ ચોર, વાઘ આદિકથી વ્યાકુળ માર્ગમાં મળ-મૂત્રનો ત્યાગ કરે છતાં હાથમાં રહેલું દ્રવ્ય પદાર્થ દૂષિત થતું નથી.૨૦
શૌચવિધિમાં ઉપયોગ કરેલ પાત્રને બહાર અંદર માંજીને શુદ્ધ કરવું. તેમાં તુંબડાનું પાત્ર કેવળ જળથી ત્રણ વખત ધોઇ નાખવાથી શુદ્ધ થાય છે. ધાતુપાત્ર જળ-માટીથી જ શુદ્ધ થાય છે.૨૧
આ પ્રમાણે શૌચવિધિ કરીને મુખપ્રક્ષાલન કરવું. દાતણથી દાંતને બ્રહ્મચારીએ અતિ ઘસવા નહિ.રર
દાતણ માટે લીલા વૃક્ષની નાની શાખાનો પણ ઉચ્છેદ ન કરવો. તેથી જે કાંઇ પણ કાષ્ઠ મળે તેનાથી જીભ શુદ્ધિ કરવી.ર૩
બ્રહ્મચારીએ ઊભા રહીને, ચાલતાં-ચાલતાં, પશ્ચિમ દિશા તરફ મુખ કરીને કે બીજા સાથે વાતો કરતાં કરતાં દાતણ કરવું નહિ.ર૪
વ્રત ઉપવાસને દિવસે, શ્રાદ્ધને દિવસે, સૂર્યની સંક્રાંતિને દિવસે અને અમાવાસ્યાદિ પર્વણીને દિવસે કાષ્ઠથી દાતણ કરવું નહિ. પરંતુ જળના બાર કોગળા વડે મુખશુદ્ધિ કરવી.રપ
પછી નદી, તળાવ કે કૂવે સ્નાન કરવું. આપત્કાળમાં ગરમ જળથી અથવા માનસ સ્નાન કરવું.૨૬
મનમાં ભગવાનનું ધ્યાન કરી તેનાં નામમંત્રોનું ઉચ્ચારણ કરતાં મનથી કલ્પેલા જળથી જે સ્નાન કરવું, તેને માનસ સ્નાન કહેલું છે.ર૭
સ્નાનને સમયે ભગવાનના ચરણકમળમાંથી પ્રગટેલી અને ભગીરથરાજાના તપના ફળરૃપે રહેલી તેમજ મહાપાપને બાળી નાખનારી એવી પવિત્ર ગંગા નદીનું સ્મરણ કરવું.ર૮
અને ઉત્તર મુખે તથા પૂર્વમુખે બેસીને સ્નાન કરવું. તેના અંગભૂત તર્પણ કરી જળભરેલા પાત્રને સાથે લઇ ભીનાવસ્ત્રે પોતાના આશ્રમમાં આવવું.ર૯
જો તે નદી આદિક જળાશયમાંજ અનુકૂળતા હોય તો ભીનાં વસ્ત્રમાં જ જળથી તિલક કરી બ્રહ્મચારીએ પ્રાતઃ સંધ્યા અને તર્પણાદિ કર્મ કરી લેવું, અને અગ્નિમુખ ગાયત્રીનો જપ તો જળથી બહાર કરવો.૩૦-૩૧
બ્રહ્મચારીએ સ્નાન કરતાં વસ્ત્રથી કે હાથથી શરીરનું માર્જન કરવું નહિ, મસ્તક પરના કેશને ખંખેરવા નહિ, પહેરેલાં વસ્ત્રને પણ કંપાવવું નહિ.૩૨
બ્રહ્મચારીએ શરીર માર્જન ન કરવાનો હેતુ એ છે કે, બ્રહ્મચારીના શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ રહેલાં છે, તેટલાં જ તીર્થો તેના શરીરમાં રહેલાં છે. તેથી શરીરનું પરિમાર્જન કરવું નહિ.૩૩
મસ્તક સંબંધી તીર્થોમાંથી દેવતાઓ જળપાન કરે છે. મુખના રોમ સંબંધી તીર્થોમાંથી પિતૃઓ, વક્ષઃસ્થલના તીર્થોમાંથી ગાંધર્વો અને કેડથી નીચેના સમગ્ર શરીરમાં રહેલા રોમ તીર્થોમાંથી સર્વે જંતુઓ જળનું પાન કરે છે, તેથી શરીરનું પરિમાર્જન કરવું નહિ.૩૪
પછી પોતાના આશ્રમમાં આવી હાથ-પગને ધોઇ સ્પર્શ કરવાથી દૂષિત ન થયેલાં ધોયેલાં વસ્ત્રો પરિધાન કરવાં.૩૫
એકવાર ધોયેલું, સ્ત્રીએ કે શુદ્રે ધોયેલું વસ્ત્ર ધોયા વિનાનું જાણવું, તેમજ દક્ષિણ દિશા તરફ પાલવ રહે તેમ સુકાવેલું વસ્ત્ર ધોયા વિનાનું જાણવું.૩૬
ધોયેલું રેશમી વસ્ત્ર, શણનું વસ્ત્ર, ઘેટાંના ઊનનું વસ્ત્ર, તૃણના તંતુમાંથી બનાવેલું તથા ભૂર્જપત્ર કે કેળાના પત્રમાંથી તૈયાર કરેલાં વસ્ત્રના સ્પર્શમાં દોષ નથી.૩૭
બ્રાહ્મણ-બ્રહ્મચારીએ સંધ્યા, હોમ, જપ આદિક ક્રિયામાં તથા પિતૃસંબંધી ક્રિયામાં પણ એક વસ્ત્ર પહેરીને પ્રવૃત્ત ન થવું.૩૮
જો ઉત્તરીય વસ્ત્ર ન હોય તો પહેરેલાં ધોતીયાના અર્ધા ભાગને ઉત્તરીય વસ્ત્ર તરીકે ઉપર ઓઢવું. અથવા વસ્ત્રનો પટકો ખભે રાખવો અથવા તે નિમિત્તે બીજી યજ્ઞોપવીત ધારણ કરવી.૩૯
મેલું વસ્ત્ર, કેવળ કૌપીન, કચ્છ મુક્ત (પાછળ લાંગ વગરની) ધોતી આદિ વસ્ત્રો ધારણ કરવા છતાં નગ્ન કહેવાય છે. તેમજ ઉત્તરીય વસ્ત્ર ધારણ નહિ કરનાર નગ્ન કહેવાય છે.૪૦
ઘરમાં ભીનું વસ્ત્ર પહેરી રાખે તેને તથા આગળ પાછળ પાટલી ન વાળે અથવા એક બાજુ વાળે, કેડમાં ખોસી રાખે, બન્ને છેડા પાછળ ખોંસે તેને પણ નગ્ન કહેવાય છે.૪૧
પહેરવાનાં વસ્ત્રથી બહાર કછોટાને બાંધે તેને આસુરી માનેલો છે. વિદ્વાનોએ તેનો ધર્મ-કર્મમાં ત્યાગ રાખવો.૪૨
બ્રાહ્મણો દેવસંબંધી અને પિતૃસંબંધી કર્મ તથા સંધ્યાની ઉપાસના આદિક આહ્નિક નિત્યવિધિ શૂદ્રે લાવેલા જળથી ન કરવાં.૪૩
વળી સમિધ, પુષ્પો, દર્ભ, વગેરે પોતાને જાતે લાવવું. પરંતુ શૂદ્રે લાવેલાં કે પૈસા આપી ખરીદેલાં દ્રવ્યોથી બ્રાહ્મણ બ્રહ્મચારીએ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા ન કરવી.૪૪
બ્રહ્મચારીએ જે કાંઇ પૂજાદ્રવ્યો પ્રાપ્ત થાય તેને તત્કાળ ભેળાં કરી માટી અને છાણથી પવિત્ર કરેલી ભૂમિ ઉપર શુદ્ધ કંબલનાં બિછાવેલાં આસન ઉપર બેસવું.૪૫
સ્વસ્તિક આસને ઉત્તરમુખે અથવા પૂર્વમુખે બેસી ત્રણ વખત આચમન કરવું, પ્રાણાયામ કરવા અને ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું.૪૬
હમેશાં સ્નાન કર્યા પછી માટીથી, અગ્નિમાં હોમ કર્યા પછી ભસ્મથી, દેવપૂજા કર્યા પછી સુગંધીમાન ચંદનથી, જળ મધ્યે ઊભા રહીને જળથી ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું.૪૭
બ્રહ્મચારીએ વૈષ્ણવી ગાયત્રીનો પાઠ કરતાં કરતાં ગોપીચંદનથી પાંચ ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવાં.૪૮
તે લલાટ, કંઠ, હૃદય અને બે બાહુમાં આ રીતે તર્જની આંગળીથી કરવાં. જો ગંપીચંદનની માટી ન મળે તો અગ્નિહોત્રના ભસ્મથી કરવાં.૪૯
પ્રાતઃકાળની સંધ્યા ઉપાસના કરી શક્તિ પ્રમાણે એકહજાર આઠ કે એકસો આઠ ગાયત્રીમંત્રના જપ કરવા. આપત્કાળમાં દશ સંખ્યાથી પણ જપ કરવા.૫૦
ત્યારપછી નિત્ય હોમ અને ભૂતશુદ્ધિ કરી માતૃકાન્યાસ કરવા પૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી.૫૧
પોતાના આત્માની અક્ષરબ્રહ્મની સાથે એકતા કરી બ્રહ્મરૃપ થઇ પરબ્રહ્મ શ્રીવિષ્ણુનું હૃદયકમળમાં ધ્યાન કરી પ્રથમ માનસિક ઉપચારોથી પૂજા કરવી અને ત્યારપછી બાહ્ય પૂજા કરવી.૫૨
તેમાં શાલિગ્રામની શિલામાં કે ભગવાનની અચળ પ્રતિમામાં આવાહન કે વિસર્જન ન કરવું. પરંતુ જો પ્રતિમા ચળ હોય તો આવાહન અને વિસર્જન કરવું.૫૩
જે કાંઇ પૂજાના ઉપચારો પ્રાપ્ત થયા હોય તેનાથી પુરુષસૂક્તના મૂળ મંત્રોનું ઉચ્ચારણ કરતાં પૂજન કરવું.૫૪
અહીં ભગવાનની પૂજામાં પુરુષસૂક્તની પાંચ આવૃત્તિ રહેલી છે. તે દેહન્યાસ, દેવન્યાસ, ઉપચારો અર્પણ કરતી વખતે, અભિષેક અને સ્તુતિ કરતી વખતે, એમ પાંચ આવૃત્તિ સદ્ગુરુ થકી જાણી બ્રહ્મચારીએ તે પ્રમાણે પૂજા વિધિ કરવો.૫૧-૫૫
જો પુષ્પ, ધૂપ આદિક ઉપચારો પ્રાપ્ત થયા ન હોય તો તેના મંત્રોનું ઉચ્ચારણ કરી માનસ પુષ્પાદિક અર્પણ કરવાં. હમેશાં પ્રેમથી પૂજાની મૂર્તિમાં એકાગ્ર ચિત્ત કરી નિયમમાં તત્પર થઇ પૂજા કરવી.પ૬
પ્રથમ જમણા હાથમાં જળ લઇ દેશ-કાળાદિકનું ઉચ્ચારણ કરવા પૂર્વક સંકલ્પ કરીને દેહમાં અને દેવમાં ન્યાસવિધિ કરવો. ત્યારપછી તે તે વરુણાદિકના મંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક કળશ, શંખ, અને ઘંટાનું પૂજન કરવું.૫૭
પુષ્પાદિક પૂજા દ્રવ્યોનું પ્રોક્ષણ કરી ધ્યાન, આવાહન અને આસન અર્પણ કરવું. શાલગ્રામની પૂજામાં આવાહન મંત્રથી જ ધ્યાન કરવાનું જાણવું. જ્યારે ચિત્રપ્રતિમા આદિક ચળમૂર્તિઓમાં તો ધ્યાનમંત્ર અલગથી બોલવાનો જાણવો. પછી પાદ્ય, અર્ઘ્ય, આચમન, પંચામૃતથી સ્નાન, લઘુપૂજા અને અભિષેક કરી વસ્ત્ર, ઉપવીત, ચંદન અને વિવિધ પુષ્પો અર્પણ કરવાં.૫૭-૫૮
ત્યાર પછી તુલસીપત્ર, અબીલ, ગુલાલ આદિ સૌભાગ્ય દ્રવ્યો, ધૂપ, દીપ, ફળ આદિ નૈવેદ્ય અર્પણ કરી, અંતે જળપાન અને હસ્ત તથા મુખ પ્રક્ષાલન કરાવવું. પછી ઠાકોરજીને પાનબીડું, નાળિયેરનું ફળ અને દક્ષિણા અર્પણ કરવી ને ભગવાનની આરતી કરી પુષ્પાંજલી અર્પણ કરવી.૬૦-૬૧
પ્રદક્ષિણા અને સ્તુતિ કરી દંડવત્ પ્રણામ કરી ક્ષમા માગવી. પછી પોતાના આચાર્ય થકી પ્રાપ્ત થયેલા અષ્ટાક્ષર મંત્રનો જપ તથા શક્તિ પ્રમાણે વૈષ્ણવી ગાયત્રીનો જપ કરવો.૬૨
જપ કરવામાં તુલસીની માળા શ્રેષ્ઠ કહેલી છે. તેમજ કમળના બીજની અને ધાત્રીના કાષ્ઠની માળા શુભ મનાયેલી છે.૬૩
દૃષ્ટિને એકાગ્ર કરી સરળપણે સ્વસ્તિક આસને બેસી મૌન થવું ને સ્થિર રહીને ગૌમુખી આદિક વસ્ત્રથી માળાને ઢાંકીને જપ કરવો.૬૪ પછી વેદ, પુરાણ, મહાભારત આદિ ધર્મશાસ્ત્રો અથવા ભગવાનના સંબંધવાળાં સ્તોત્રોનો શક્તિ પ્રમાણે પાઠ કરવો પછી શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી ગુરૃનું અભિવંદન કરવું.૬પ
પછી શુદ્ધ દ્વિજાતિના ઘેરથી ભિક્ષામાં કાચું અન્ન માગી આશ્રમમાં આવી સ્નાન કરી રસોઇ કરવી. પછી મધ્યાહ્ન સંધ્યા અને પિતૃતર્પણ કરી ભગવાનને આદરપૂર્વક નૈવેદ્ય અર્પણ કરવું, આવાહન કરાયેલી ભગવાનની મૂર્તિને પોતાના હૃદયમાં ફરી ધારણ કરવી.૬૬-૬૭
ગાળ્યા વિનાનું ઘી, દૂધ અને જળ ભગવાનને અર્પણ ન કરવું, તેમજ કેશ પડવાથી દૂષિત થયેલું, બળેલું, દુર્ગંધ મારતું તથા બિલાડી આદિકના સ્પર્શથી અપવિત્ર થયેલું અન્ન પણ ભગવાનને અર્પણ ન કરવું.૬૮
નૈવેદ્ય ધર્યા પછી વૈશ્વદેવ કર્મ કરવું તે સમયે કોઇ યાચક પોતા પાસે અન્નની યાચના કરે તો બ્રહ્મચારીએ અતિ હર્ષથી વિભાગ કરીને તે યાચકને અન્ન આપવું.૬૯
બ્રહ્મચારીએ હોમ કરતાં અને અતિથિને આપ્યા પછી બચેલું અન્ન પોતાના પાત્રમાં લઇ પૃથ્વી પર કરવામાં આવેલા ચોકા ઉપર પાત્ર મૂકી પ્રોક્ષણ કરવું.૭૦
પછી અપોષણ વિધિ કરીને બ્રહ્મચારીએ પ્રાણની આહુતિ આપી પૂર્વાભિમુખે મૌન બેસીને શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદીનું અન્ન જમવું.૭૧
અને જો કોઇ પવિત્ર બ્રાહ્મણ ભોજન માટે પોતાને નિમંત્રણ આપે તો તે દિવસે ભિક્ષા કરવા ન જવું, પરંતુ તે બ્રાહ્મણને ઘેર ભોજન કરવા જવું.૭૨
ત્યાં પોતાની પૂજાની પ્રતિમાને નૈવેદ્ય ધરી પૂર્વવત્ નિયમપૂર્વક ભોજન કરવું. જો પોતાનું વ્રત ભંગ ન થાય તો શ્રાદ્ધમાં જમવું.૭૩
પછી અમૃતાપિધાનનું આચમનરૃપ જળપાન કરી ચળું કરવું, ભોજનપાત્રની શુદ્ધિ કરી ભોજનસ્થળે ચોકો કરવો. પછીનો સમય વેદાદિ સત્શાસ્ત્રોનો પાઠ કરીને પસાર કરવો.૭૪
સાયંકાળે સ્નાન કરી સંધ્યાઉપાસના કરીને હોમ કરવો. પછી યથાશક્તિ શ્રીકૃષ્ણમંત્રનો જપ કરવો અને હરિકથા કરવી.૭૫
રાત્રીનો પહેલો યામ પૂર્ણ થાય ત્યારે હૃદયમાં શ્રીહરિનું ધ્યાન કરી બ્રહ્મચારીઓના મંડળની મધ્યે પૃથ્વી પર શયન કરવું.૭૬
આ પ્રમાણે બ્રહ્મચારીઓનો નિત્યવિધિ સંક્ષેપથી કહ્યો, વિશેષ વિસ્તાર સર્વે ધર્મશાસ્ત્ર થકી જાણી લેવો.૭૭
તેમ જ સંધ્યા, પૂજા, વૈશ્વદેવ અને હોમાદિકનો વિધિ પણ બ્રહ્મચારીએ તે તેની પ્રદ્ધતિથી જાણી રાખવો.૭૮
નૈષ્ઠિક બ્રહ્મચારી આલોકમાં અમે કહેલા ધર્મોનું સેવન કરશે, તે પોતે ઇચ્છેલી એકાંતિકી મુક્તિને પામશે.૭૯
અને જે પુરુષ આ ધર્મોને પ્રેમથી સાંભળશે અથવા કહેશે તે પણ સમગ્ર પાપના સમુહોથી મૂકાઇ દેવલોકને પામશે.૮૦
હે વર્ણિરાજ મુકુંદ બ્રહ્મચારી ! આ પૃથ્વી પર પોતાનું હિત સાધવામાં તત્પર ને તીવ્ર વૈરાગ્યને પામેલા તેથી જ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી તીવ્ર તપશ્ચર્યાદ્વારા ભગવાન શ્રીહરિની આરાધના કરવામાં ઉત્સુક મનવાળા થયેલા નૈષ્ઠિક બ્રહ્માચારીઓએ ઉદ્ધવસંપ્રદાયમાં રહી પોતાના કલ્યાણ માટે આ અમે કહેલા ધર્મોનું હમેશાં પાલન કરવું. તેનાથી પ્રસન્ન થયેલા ભગવાન સમગ્ર મનોવાંચ્છિત પદાર્થો તેઓને અર્પણ કરશે.૮૧
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિત બ્રહ્મચારીઓનું હિત કરવા માટે કહેલા ધર્મને સાંભળીને મુકુન્દાનંદ બ્રહ્મચારી અતિશય હર્ષ પામી શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યા.૮૨
મુકુંદાનંદ બ્રહ્મચારીએ કરેલી શ્રીહરિની સ્તુતિ :- હે કલ્યાણના હેતુભુત ગુણોરૃપી રત્નોથી વિભૂષિત ચરણ કમળવાળા ! હે કરૃણાથી ભરપૂર નેત્રકમળવાળા ! હે દીનબંધુ ! હે અનેકવિધ પાપોના સમૂહને શમાવનારાં સ્વામિનારાયણાદિ નામોને ધારણ કરી રહેલા ! હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૮૩
હે શ્રીહરિ ! તમે જીવોના અનાદિના અજ્ઞાનરૃપી ગાઢ અંધકારને નાશ કરવામાં સૂર્યસ્વરૃપ છો. પોતાના ચરણકમળનો આશ્રય કરનારા સમગ્ર ભક્તજનોના ઇચ્છિત મનોરથને પૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ સમાન છો, સદ્ધર્મના માર્ગનું પાલન કરવાના સહજ સ્વભાવથી શોભી રહેલા એવા હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૮૪
હે શ્રીહરિ ! આ લોકમાં અષ્ટાંગયોગની કળામાં પ્રવીણ એવા યોગીઓ બ્રહ્મરંધ્રના સહસ્રદળ કમળમાં વિરાજમાન પરમેશ્વર એવા તમારૃં સદાય ધ્યાન કરે છે. અને એક તમે જ વેદરૃપી કલ્પતરૃની ઉત્પત્તિના કારણભૂત છો. એવા હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૮૫
હે પરમેશ્વર ! સુરા, માંસ અને મૈથુનમાં આસક્ત પુરુષોના હિતને માટે તમે જ એક દંડધર શિક્ષક છો. સનાતન ધર્મ અને અહિંસામય યજ્ઞોનું તમે જ રક્ષણ કરો છો. એવા હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૮૬
હે ઇશ ! તમે આ સકલ બ્રહ્માંડમાં ઘર કરીને રહેલા તેમજ બ્રહ્માથી કીટ પર્યંત સમસ્ત જીવપ્રાણીમાત્રને પરાભવ પમાડવાથી ગર્વિષ્ટ થયેલા એવા કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ અને માન આદિક દૈત્યોનો આલોકમાં પરાભવ કરી સર્વોત્તમ પ્રગટ પ્રતાપને ધારણ કર્યો છે. એવા હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૮૭
હે શ્રીહરિ ! આલોકમાં સદ્ગુરુની પદવી એક તમારે વિષે જ સાર્થક વર્તે છે. કારણ કે તમે પોતે ધર્મમાં દૃઢપણે વર્તો છો. એવા હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૮૮
આ પૃથ્વી પર ગુરૃનામથી પ્રસિદ્ધ છતાં પણ નારીસંભોગ, રસાસ્વાદ અને ધનલોલુપતા આદિકને નહિ છોડનારા એવા મંદબુદ્ધિવાળા ધૂર્ત પુરુષોને તમારી કીર્તિ જ પ્રતિદિન સાંકળા કરે છે. એવા હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૮૯
હે શ્રીહરિ ! આ પૃથ્વીપર મુક્તિના માર્ગરૃપ કમળનો વિકાસ કરવામાં સૂર્યરૃપ એક તમે જ છો. અને તેથી જ અનંત મુમુક્ષુઓ તથા મુનિઓએ તમારા શ્રીચરણોનો આશ્રય કર્યો છે. આવા મહામહિમાવાન તમારા ચરણ કમળમાં મારી ભક્તિ કોઇ પણ વિઘ્નોથી પરાભવ ન થાઓ. એવા હે ગુરૃરાજ શ્રીહરિ ! તમોને મારા નિરંતર નમસ્કાર છે.૯૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સ્તુતિ કરી મહાન ઉદાર બુદ્ધિવાળા વર્ણીરાજ મુકુન્દાનંદ બ્રહ્મચારીએ ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને શ્રીહરિએ કહેલા નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મમાં સ્થિર રહી પરમ ભક્તિથી પ્રતિદિન શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૯૧
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ બ્રહ્મચારીઓને નિત્યે કરવાના આહ્નિક વિધિનું નિરૃપણ કર્યું, એ નામે ચોપનમો અધ્યાય પૂર્ણ થયો. --૫૪--