અધ્યાય - ૬૬ - ભગવાન શ્રીહરિએ યોગનો ઉપદેશ પૂર્ણ કરતાં શતાનંદ સ્વામીએ કરેલી ભગવાન શ્રીહરિની સ્તુતિ અને શ્રીહરિએ આપેલા વરદાનનું નિરૃપણ.

ભગવાન શ્રીહરિએ યોગનો ઉપદેશ પૂર્ણ કરતાં શતાનંદ સ્વામીએ કરેલી ભગવાન શ્રીહરિની સ્તુતિ અને શ્રીહરિએ આપેલા વરદાનનું નિરૃપણ. શતાનંદમુનિકૃત સ્તોત્ર.

ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ !
અમે કહેલો આ યોગ શુભ દેશ-કાળાદિકના સેવનથી સિદ્ધ થાય છે અને અશુભ દેશ-કાળાદિકના સેવનથી સિદ્ધ થતો નથી, ઉલટાનો વિનાશનું કારણ બને છે.૧ 

દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ આ આઠ જેવાં હોય તેવું ફળ મળે છે. શુભ હોય તો સેવન કરનારને શુભફળ મળે અને અશુભ હોય તો અશુભ ફળ મળે છે.૨ 

આ શુભદેશકાળાદિકનું સેવન કરવાથી મનુષ્યની બુદ્ધિ શુભ થાય છે અને અશુભ દેશકાળાદિકનું સેવન કરવાથી અશુભ થાય છે, તેમાં કોઇ જાતનો સંશય નથી.૩

તેથી બુદ્ધિમાન પુરુષે અસત્ દેશકાળાદિકનું સેવન ન કરવું. પોતાનું હિત ઇચ્છતા પુરુષે અસત્ દેશકાળાદિકનો તત્કાળ ત્યાગ કરી શુભ દેશકાળાદિકનું જ સેવન કરવું.૪ 

હે મુનિ ! આ પ્રમાણે યોગશાસ્ત્રના જ્ઞાતા પુરુષોએ પ્રમાણ કરેલા અંગ અને ઉપાંગે સહિત યોગશાસ્ત્રનું રહસ્ય જાણવા ઇચ્છતા તમને અમે કહ્યું.૫ 

આ યોગશાસ્ત્રનું પરમ રહસ્ય છે. તે તમે જેવું પૂછયું તેવું જ અમે તમને બુદ્ધિમાન અને યોગ્ય અધિકારી જાણીને કહ્યું છે.૬ 

સર્વે શાસ્ત્રોના અર્થોનું મંથન કરી તેઓનો સાર ગ્રહણ કરીને સર્વલોકનું હિત કરનારો એ સાર અમે તમને સંભળાવ્યો છે.૭ 

જે આ યોગશાસ્ત્રના સારને સાંભળશે અને જે કહેશે, તે બન્ને સર્વ પ્રકારના પાપ થકી મુકાઇ જશે.૮ 

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! સકલ યોગશાસ્ત્રના રહસ્યના ઉપદેષ્ટા, સદ્ગુરુ, ભગવાન શ્રીનારાયણમુનિએ આ પ્રમાણે કહેલા યોગશાસ્ત્રને સાંભળીને યોગ વિષયક પ્રશ્ન કરનારા શતાનંદ સ્વામી અતિશય આનંદિત થયા.૯ 

તેના સિવાયના બીજા ભગવાન શ્રીહરિના આશ્રિત સર્વે સંતો તથા હરિભક્તો પણ આ યોગશાસ્ત્રના શ્રવણથી પરમ આનંદ પામ્યા ને ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી વંદન કર્યા.૧૦ 

પરમ આનંદ પામેલા શતાનંદ સ્વામી પણ મનુષ્યાકૃતિમાં રહેલા ભગવાન શ્રીહરિને પરમ આદરથી નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા.૧૧ 

શતાનંદમુનિકૃત સ્તોત્ર :- હે શ્રીવાસુદેવ ! તમે નિર્મળ એવા અમૃત નામે રહેલા અક્ષરધામને વિષે સદાય નિવાસ કરીને રહ્યા છો. સર્વના અંતર્યામી નારાયણ છો. તમારાં સ્વામિનારાયણાદિ નામો પણ ઉચ્ચારણ કરનાર અને સાંભળનારને નરકમાંથી તારે છે. તમે નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીરધારી છો. છતાં શરીરમાંથી નીકળતી શ્વેત પ્રભાને કારણે શ્વેતકાંતિમાન જણાવો છો. સદાય દ્વિભુજ છો, છતાં ભક્તજનોની ઇચ્છા પૂર્તિ કરવા ચતુર્ભુજ સ્વરૃપે દર્શન આપો છો. એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ !
હું તમારે શરણે આવ્યો છું.૧૨ 

હે શ્રીહરિ !
તમે આલોકમાં પોતાના એકાંતિક ભક્તોની શિક્ષાને માટે સંપૂર્ણ અંગે યુક્ત એકાંતિક ધર્મનું પાલન કરો છો. તેમજ અષ્ટાંગ યોગની સમગ્ર કળાઓનું અને અહિંસા તથા નૈષ્ઠિક બ્રહ્મચર્યાદિ મહાવ્રતોનું પણ પરિશિલન (પાલન) કરો છો. એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૧૩ 

પ્રાણાયામ સમયે પોતાના શ્વાસની સાથે પોતાના અંતઃકરણમાં અને બહાર નેત્રોની આગળ પોતાના વાસુદેવરૃપ ભગવત્સ્વરૃપને વિષે વારંવારની અનુલોમ-વિલોમવૃત્તિની આવૃત્તિદ્વારા તમે ચડતી વેળમાં આવતા જતા જળવાળા સમુદ્રની ઉપમા આપવા યોગ્ય છો, અર્થાત્ તમારા શ્વાસની અનુલોમ-વિલોમ આવૃત્તિ સમુદ્રમાં આવતા જતા મોજાની ઉપમા આપવા લાયક છે. અને તમે સમુદ્રની ઉપમા લાયક છો. એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૧૪ 

ઉત્પન્ન થતી નેત્રાદિ બ્રાહ્ય ઇન્દ્રિયોની અને મન આદિ આંતર ઇન્દ્રિયોના ગણની ક્રિયા તથા પ્રાણવાયુની ક્રિયા તથા તે તે ઇન્દ્રિયોના દેવતાઓની વૃત્તિની ઉત્પતિ, સ્થિતિ અને લયરૃપ ક્રિયાને પોતાના અસાધારણ પ્રતાપને કારણે સર્વેના સાક્ષીરૃપે સર્વેથી અલગ રહીને, સર્વેની ગતિને જોતા થકા હમેશાં સ્વસ્વરૃપની સ્થિતિમાં વર્તી રહેલા, એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૧૫ 

ક્યારેક પોતાના પ્રગટ મનુષ્યાકૃતિરૃપ ભગવત્સ્વરૃપને વિષે દેખાતી માયામય આકૃતિ અજ્ઞાનતા તથા અશુભવાસના આદિકનો અતિશય નિષેધ કરવા માટે નિર્બિજ સાંખ્યમત તથા નિર્બિજ યોગમતની યુક્તિઓનું અનુસરણ કરી, પોતાનું સર્વથી સદાય નિર્લેપપણું સમજાવતા, એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું. (અહીં દિવ્યરૃપ શ્રીવાસુદેવનારાયણની ઉપાસનાને કારણે તથા સાંખ્યવિચાર અને યોગવિચારના અભ્યાસને કારણે, હું સર્વદા શુદ્ધ સ્વરૃપે રહી શકું છું, મને આલોકની કોઇ અશુદ્ધિ સ્પર્શી શક્તી નથી, તો દિવ્યસ્વરૃપ ભગવાન શ્રીવાસુદેવની મૂર્તિને અશુદ્ધિ ક્યાંથી સ્પર્શી શકે ? એવું સમજાવવાનો અહીં ભાવ છે).૧૬ 

રમાપતિ ભગવાન શ્રીવાસુદેવ નારાયણને વિષે રહેલા સદાય દિવ્યા-કૃતિપણાને સમજાવવા, તથા તેમને વિષે રહેલા સુમહસ્પણાને અર્થાત્ સ્વતઃસિદ્ધ પ્રકાશના પર્યાયરૃપ જ્ઞાનપણાને સમજાવવા તથા અનાદિકાળની માયામાં બંધાયેલા પોતાના શરણગત જીવોને માયાનું બંધન છૂટે અને આત્યંતિક કલ્યાણ થાય, તે માટે તેઓને પોતાના સ્વરૃપનો ઉપદેશ આપીને અને તેઓએ અર્પણ કરેલ વસ્તુઓનો સ્વીકાર કરવારૃપ શુભ વાસનાઓના વિધિને યથાર્થપણે વિસ્તારથી સમજાવવા માટે સબીજસાંખ્યમત અને સબીજયોગમતની યુક્તિઓને સારી રીતે અનુસરતા, એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૧૭ 

કામાતુર, ચોર, નટ, વ્યસની, અને દ્વેષી માણસ જે રીતે પોતાના મનમાં સતત પોતાના સ્વાર્થની સિદ્ધિનું સ્મરણ કરે છે. તેવી જ રીતે સતત પરમ હર્ષથી શ્રીનારાયણનું સ્મરણ કરી રહેલા, હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૧૮ 

(અહીં કામાતુરને હમેશાં પોતાની મનગમતી સ્ત્રીની, ચોરને પોતાના મનમાં વસી ગયેલા ધનની, નટને અનેક પ્રકારના કળાકૌશલ્યની સિદ્ધિની, વ્યસનીને પોતાને મનગમતા વ્યસનની, દ્વેષીને પોતાના વેરીનો વિનાશ કરવારૃપ સિદ્ધિની પ્રાપ્તિ અર્થેનું સમરણ હોય છે. તેવું શ્રીહરિને ભગવાનનું સ્મરણ રહેતું)
આલોકમાં પતિવ્રતાનારી, ચકોરપક્ષી પતંગિયું, માછલું, મોર અને ચક્રવાકપક્ષી જેવી રીતે પોતપોતાના ઇચ્છિત વિષયોમાં એકદમ લગ્ન (આસક્ત) હોય છે. એવી જ રીતે ભગવાન શ્રીવાસુદેવની મૂર્તિમાં હર્ષપૂર્વક અતિશય લગ્ન રહેતા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૧૯ 

(અહીં પતિવ્રતાનારીને પોતાના પતિ સિવાય ક્યાંય આસક્તિ હોતી નથી. ચકોરપક્ષીને ચંદ્રમા સિવાય, પતંગિયાને અગ્નિના રૃપ સિવાય, માછલાને પાણી સિવાય, મોરને મેઘ સિવાય અને ચક્રવાકને ચક્રવાકી સિવાય ક્યાંય આસક્તિ હોતી નથી. એવી ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ હોવી જોઇએ નહિ, એવો ભાવ છે)
આલોકમાં સ્નેહાતુર, ભયાતુર, તીવ્રરોગાતુર અને ક્ષુધાતુર આ ચાર પ્રકારના મનુષ્યો જેવી રીતે સર્વપ્રકારનું માન છોડી રાંકની જેમ વર્તે છે. એવી જ રીતે ભગવાનના એકાંતિક સંતોની લોકશિક્ષાને માટે પોતાનું માન છોડી રાંકપણાનો સ્વીકાર કરી વર્તી રહેલા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૨૦ 

મનુષ્યોએ પોતપોતાના ધર્મમાં દૃઢ વર્તી, શબ્દાદિ માયિક પંચવિષયોમાંથી તીવ્ર વૈરાગ્યને પામી અને અક્ષરબ્રહ્મની સાથે પોતાના આત્માનો એકાત્મભાવ સાધી, અતિશય તેજોમય એવા અક્ષરબ્રહ્મધઆમને વિષે સદાય સાકારમૂર્તિ સ્વરૃપે રહેલા ભગવાન શ્રીહરિનું નવધા ભક્તિથી ભજન કરવું. આવા પોતાના સિદ્ધાંતનું ભક્તજનોની આગળ તેઓની શિક્ષાને માટે પ્રતિપાદન કરતા એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૨૧ 

હે સંસારરૃપી જાળમાં પડી ફસાઇ ગયેલા સમગ્ર જીવોના બંધુ, અર્થાત્ સંસૃતિનું બંધન છોડાવનારા, પરમહિતકારી, પોતાના ભક્તોની શિક્ષાને માટે સદ્ગ્રંથોના અભ્યાસમાં અને તેના શ્રવણમાં હમેશાં પ્રીતિ ધરાવતા, તેમજ આલોકમાં સત્પુરુષોની સભામાં ભક્તોની શિક્ષાને માટે ઉપદેશ આપતા, એવા હે ભક્તિધર્મના પુત્ર શ્રીહરિ ! હું તમારે શરણે આવ્યો છું.૨૨ 

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ !
આ પ્રમાણે સ્તુતિ કરી નમસ્કાર કરી બે હાથ જોડી શતાનંદ સ્વામી શ્રીહરિની સમીપે ઊભા રહ્યા. તે સમયે ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઇને બોલ્યા, હે મહર્ષિ ! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. અત્યારે તમને મનોવાંછિત વરદાન માગવાની ઇચ્છા હોય, તે મારી પાસેથી માગો. તેથી તમારો મનોરથ પૂર્ણ કરીશ, તેમાં કોઇ જાતનો સંશય નથી.૨૩-૨૪ 

તે સમયે ખુશ થયેલા શતાનંદ સ્વામી કહેવા લાગ્યા કે હે સ્વામિન્ ! જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારો બહુ લાંબા સમયનો મનોરથ છે, તે આપ અત્યારે પૂર્ણ કરો.૨૫ 

હે જગદ્ગુરુ ! હું તમારા ચરિત્રનો ગ્રંથ કરવા ઇચ્છુ છું. તો આપ મને તે ગ્રંથની રચના કરવાની આજ્ઞા આપો. કારણ કે તમે જ પૂર્વે પ્રતિજ્ઞા કરેલી છે.૨૬ 

તમારા ચરિત્રગ્રંથની રચના કરવાથી મારો વિદ્યાભ્યાસનો પરિશ્રમ સફળ થશે. આ પ્રકારની અત્યારે મારી ઇચ્છા વર્તે છે. તેને તમે પૂર્ણ કરો. કારણ કે તમે ભક્તજનોને ઇચ્છિત વરદાન આપો છો.૨૭ 

હે રાજન્ !
આ પ્રમાણે ગાઢ પ્રેમ-ભક્તિવાળા બુદ્ધિમાન શતાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને માગણી કરી, ત્યારે અતિશય પ્રસન્ન થઇને ભગવાન શ્રીહરિ સ્વામી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે યોગી ! તમારી ઇચ્છાનુસાર મારાં ચરિત્રના સંદર્ભવાળો ગ્રંથ તમે રચો.૨૮ 

હે નિષ્પાપ !
જેવાં મારાં સાંભળેલાં તથા પ્રત્યક્ષ સમાધિમાં જોયેલાં હોય તેવાં ચરિત્રોનું વર્ણન કરો. કારણ કે મારી કૃપાથી તમારી બુદ્ધિમાં ત્રણે કાળનું જ્ઞાન વર્તે છે.ર૯ 

તમે સમગ્ર મનુષ્યોના મનમાં રહેલા અભિપ્રાયોને ચોક્કસ જાણી શકશો. તમારાથી અજાણ્યું કંઇ પણ રહેશે નહિ. કારણ કે તમે મને બહુજ પ્રિય છો, તેથી તમને આ વરદાન આપું છું.૩૦ 

હે મુનિ !
અમે આ પૃથ્વીપરથી અંતર્ધાન થઇશું ત્યારે તમે રચેલો મારા ચરિત્રના સંદર્ભવાળો ગ્રંથ જ આ લોકમાં મારા આશ્રિત મનુષ્યોને અતિશય આધારરૃપ થશે.૩૧ 

તમે પ્રથમ સમગ્ર લોકોના હિતને માટે અમે રચેલી શિક્ષાપત્રીને તત્ત્વપૂર્વક અનુષ્ટુપછંદવાળા શ્લોકોથી ગ્રંથરૃપે રચો અને તેના ઉપર અર્થદીપિકા ટીકા પણ લખો. ત્યારબાદ અમારા ચરિત્રના સંદર્ભવાળો મહાગ્રંથ સત્સંગિજીવન રચો.૩ર 

હે મુનિ !
એકાંતસ્થળમાં બુદ્ધિ સ્થિર થાય છે. તેથી ગોપીનાથજીના મંદિરમાં નિવાસ કરવા યોગ્ય એક ઓરડી રહેલી છે. તેમાં તમે નિવાસ કરો.૩૩

સુવ્રતમુનિ કહે છે, હે નરાધિપ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું, તેથી શતાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા ને શ્રીહરિને નમસ્કાર કરી પોતાના નિવાસસ્થાને આવ્યા.૩૪ 

ભગવાન શ્રીહરિની આજ્ઞા એજ શુભ મુહૂર્ત છે, એમ જાણીને શતાનંદમુનિ ગોપીનાથજીના મંદિરમાં રહેલી ઓરડીમાં નિવાસ કરી, તે જ ક્ષણે શિક્ષાપત્રીને ગ્રંથસ્વરૃપે કરવા તત્પર થયા.૩૫ 


આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી અને શ્રીહરિએ સ્વામીને વરદાન આપ્યું, નામે છાસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૬--